ચીનના વિદેશ મંત્રીએ ભારતના વિદેશ મંત્રીને ફોન કર્યો, જાણો કઈ બાબતે થઈ સંમતિ

 

બીજિંગઃ ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે ફોન પર વાત કરી હતી અને બંને નેતાઓ બને તેટલી જલદીથી તણાવને શાંત કરવા અને બંને દેશો વચ્ચે થયેલી સમજૂતી અનુસાર સીમા વિસ્તારમાં શાંતિ જાળવી રાખવા સંમત થયા હતા, એમ સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું. પૂર્વી લદાખમાં ગલવાન ખીણમાં બંને સેના વચ્ચે થયેલી અથડામણમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા હતા ત્યારબાદ બંને મંત્રીઓ વચ્ચે ટેલિફોન પર આ વાતચીત થઈ હતી.

ટેલિફોન પર વાતચીત દરમિયાન જયશંકરે હિંસક અથડામણ પર સખત વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આ અભૂતપૂર્વ ઘટનાક્રમની દ્વિપક્ષીય સંબધો પર ગંભીર અસર પડશે. તેમણે ચીની પક્ષને પોતાના પગલાંઓનું ફરીથી આકલન કરવા અને સુધારાના પગલાં લેવા કહ્યું હતું, એમ નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું.

જયશંકરે વાંગને કહ્યું હતું, ચીની પક્ષે પૂર્વ નિર્ધારીત અને યોજનાબદ્ધ તરીકે પગલાં લીધા હતા જે હિંસક અથડામણ અને મૃત્યુ માટે જવાબદાર છે. આ જમીન પરના તથ્યોને બદલવાના ઉદ્દેશ્યને દર્શાવે છે જે યથાવત સ્થિતિમાં બદલાવ ન કરવાની આપણી સમસ્ત સમજૂતીનો ભંગ છે.

ચીની વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે ગલવાન ખીણમાં સંઘર્ષના કારણે ઉત્પન્ન થતા ગંભીર બનાવો સાથે નિષ્પક્ષ વ્યવહાર કરવા બંને પક્ષ સંમત થયા હતા. બંને પક્ષો વચ્ચે સૈન્ય સ્તરની બેઠકમાં જે સંમતિ સધાઈ હતી તેનું સંયુક્ત રીતે પાલન કરવામાં આવશે અને બંને દેશો વચ્ચે થયેલી સમજૂતી અનુસાર આ સીમા વિસ્તારમાં શાંતિ જાળવી રાખવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here