ચિન્મય મિશન અમદાવાદ દ્વારા જન્માષ્ટમીનો ઉત્સવ ભવ્ય રીતે ઓનલાઇન ઊજવવામાં આવ્યો

 

અમદાવાદઃ ચિન્મય મિશન અમદાવાદના પરમધામ મંદિરમાં વહેલી સવારથી જ ઉત્સવનો પ્રારંભ થઈ ગયો હતો. સવારે મંગળા આરતી પછી મંદિરમાં વિરાજિત વેણુગોપાલ ભગવાનને દૂધ, દહીં, મધ, કેસર જળ અને વિશેષ દ્રવ્યોથી અભિષેક કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ વવિધ અલંકારોથી સુશોભિત કરીને વૈદિક આરતી કરવામાં આવી હતી. સંસ્થાના સ્વામી અવ્યયાનંદજીએ ભગવાન શ્રીકૃષ્ણનો અભિષેક શા માટે કરવામાં આવે છે તેનું મહત્ત્વ જણાવ્યું હતું. દિવસભર ચાલેલી ઉજવણીમાં શ્રાવણ માસ નિમિત્તે રૂદ્રાભિષેક અને વિષ્ણુસહસ્ત્ર નામ અર્ચના કરવામાં આવી હતી. બપોરે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ૧૮ અધ્યાયોનું પારાયણ, સાંજે બાલવિહાર અને શિશુવિહારનાં બાળકોએ ભગવાનનાં જુદાં જુદાં નામના અર્થ જણાવીને, શ્લોકો ગાઈને, બાળગીત પર નાચીકૂદીને નટખટ નંદલાલને જન્મદિવસની ઓનલાઇન ભેટ આપી હતી. રાત્રે સાડા દસ વાગ્યે જન્મોત્સવની ઉજવણી સંસ્થાના વિશ્વપ્રમુખ સ્વામી સ્વરૂપાનંદજીએ શ્રીકૃષ્ણના મથુરામાં જન્મનું મહાત્મ્ય અને તેમના અવતાર સ્વરૂપ વિશે વાત કરીને સૌને જન્માષ્ટમીની વધાઈ આપી હતી. તે પછી ચિન્મય સ્વરાંજલિએ ભક્તિસંગીતથી ભગવાનને અવતરવા વિનવ્યા હતા અને મધરાતે બાલગોપાલને પારણે ઝુલાવીને, મહાઆરતીથી તેમના આગમનને વધાવાયું હતું. રાસ-ગરબા, શયન સાથે આ ઓનલાઇન ઉત્સવની પૂર્ણાહુતિ થઈ હતી. કોરોનાના કારણે સમગ્ર ઉજવણી પરમધામ યુ-ટ્યૂબ ચેનલ અને ચિન્મય ચેનલના માધ્યમથી જ લોકોએ માણી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here