ચિંતાઃ સંવિધાનની કે સત્તાની?

0
1115

પચીસમી જૂને 43 વર્ષ અગાઉની – 1975ની રાજકીય સ્થિતિ ઇમર્જન્સીની યાદ તાજી થાય છે. તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ ઇમર્જન્સી જાહેર કરીને તમામ વિપક્ષી નેતાઓની ધરપકડ કરી અને સંવિધાને નાગરિકોને બક્ષેલા મૂળભૂત અધિકારો સસ્પેન્ડ કર્યા હતા. અખબારો ઉપર સેન્સરશિપ લાદી હતી. 19 મહિનાનો આ રાષ્ટ્રીય કારાવાસ અને કાળયાત્રી આપણા રાષ્ટ્રીય ઇતિહાસમાં કલંક છે. આજે મોટા ભાગના રાજકીય પક્ષો કેન્દ્ર સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે, એમને હટાવવા માટે મહાગઠબંધન કરવાની તૈયારી કરી રહ્યા છે. કોંગ્રેસની આગેવાની હોવાથી કોઈ ઇમર્જન્સીનું નામ પાડતા નથી, પણ સંવિધાન જોખમમાં છે, લોકશાહી બચાવવાના નામે હાઉ ઊભો કરવાનો વ્યૂહ છે! કેટલાક ધર્મગુરુઓએ લઘુમતીઓ અને સંવિધાન સામે ખતરો હોવાની ફરિયાદો શરૂ કરી છે અને વિદેશી સંસ્થાઓએ તેમાં સૂર પુરાવ્યો છે!
ઇમર્જન્સીમાં ઇન્દિરા ગાંધીએ સંવિધાનમાં સુધારા કરીને ચૂંટણી પાછી ઠેલવા માટે લોકસભાની મુદત વધારીને છ વર્ષ કરી દીધી હતી! આજે સંવિધાન સાથે કોઈ ચેડાં કરવામાં આવ્યાં નથી, થઈ શકે એમ પણ નથી અને લોકસભાની ચૂંટણી પાછી ઠેલવાની વાત નથી, વહેલી થાય એવો ડર વિપક્ષોને છે! મૂળ તો વિપક્ષી નેતાઓને સંવિધાન નહિ, સત્તાની ચિંતા છે! નરેન્દ્ર મોદી 2019માં જીતી જાય તો પછી એમને હટાવી નહિ શકાય એવો ભય છે અને તેથી એમને રોકવા-હટાવવા માટેની કવાયત છે. 2014 પછી ભાજપ-એનડીએની વિજયકૂચ જારી હતી. ભાજપ અને એનડીએ ઉપરાંત બિનકોંગ્રેસી સરકારો તમામ રાજ્યોમાં છે. ગુજરાત પછી કર્ણાટકમાં ભાજપને સત્તા મળવાની શક્યતા હતી ત્યારે કોંગ્રેસે જનતા દળ (એસ) સાથે સમાધાન કરીને સત્તા મેળવી લીધી. પંજાબ અને કર્ણાટકમાં કોંગ્રેસના હાથમાં સત્તા છે. પ્રાદેશિક પક્ષોએ ભાજપને રોકવા માટે કામચલાઉ કોંગ્રેસનો હાથ પકડ્યો છે, પણ આ વ્યવસ્થા કાયમી નથી. કોંગ્રેસને પણ એનાથી દૂર રાખવાનો ખાનગી એજન્ડા છે. આમાં બંગાળનાં મમતા બેનરજી અને આંધ્રના ચંદ્રાબાબુ નાયડુ જોડાયાં છે. એમનાં કારણ અલગ છે. બંગાળમાં માર્ક્સવાદી અને કોંગ્રેસને હટાવીને ભાજપ બીજા નંબરે છે. આંધ્રમાં નાયડુ સામે સ્થાનિક જગમોહન રેડ્ડીનો પડકાર છે. તેથી રાજ્યને વિશેષ દરજ્જો આપવાની માગણી કરીને નાયડુએ ત્રાગું કર્યું છે. પ્રાદેશિક પક્ષોને સત્તા ગુમાવવાનો ડર છે. કોંગ્રેસની ગણતરી એવી છે કે અત્યારે મહાગઠબંધનમાં ભલે લોકસભાની પચાસ ટકાથી ઓછી બેઠકો ફાળવાય – આજ નહિ તો કલ હમારા હૈ…
ઇમર્જન્સીનો નિર્ણય ખોટો હતોઃ ચિદમ્બરમ્
કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે હજી 12 મહિના પહેલાં ઇમર્જન્સી વિશે જવાબ આપ્યા તે જાણવા જેવા છેઃ દેશભરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળવાની ભીતિ હતી, એટલે જ ઇન્દિરાજીએ આંતરિક કટોકટી જાહેર કરી હતી, પણ આ ભીતિ સામે પગલું ભરાયું તે ખોટું હતું. ઇમર્જન્સીનો નિર્ણય ખોટો હતો. કદાચ ઇન્દિરા ગાંધી અન્ય વધુ સાચો-સારો નિર્ણય લઈ શક્યાં હોત, પણ એમને એવી સલાહ મળી કે અત્યારે આ બરાબર છે – થોડા મહિનાઓ પછી સ્થિતિ સુધરશે… પણ ઇમર્જન્સી રાક્ષસી બની ગઈ. બાટલીમાંથી ભૂત નીકળ્યું અને સ્થિતિ અંકુશ બહાર ગઈ. ખાસ કરીને ઉત્તર ભારતમાં નિરંકુશ બની.
ગયા જુલાઈમાં રાજધાનીમાં એક પુસ્તક લોકાર્પણ પ્રસંગે એમણે આ વક્તવ્ય આપ્યું હતું. વરિષ્ઠ પત્રકાર સાગરિકા ઘોષલિખિત પુસ્તકઃ ઇન્દિરાઃ ભારતનાં સૌથી વધુ શક્તિશાળી વડાં પ્રધાન. આ પ્રસંગે અરુણ શૌરિ હાજર હતા અને સંચાલન કરણ થાપર કરતા હતા. અત્યારે ઇમર્જન્સી જેવા સંજોગો છે એમ કોંગ્રેસી નેતાઓ કહી રહ્યા છે તેવા પ્રશ્નના જવાબમાં ચિદમ્બરમે કહ્યું કે હવે ઇમર્જન્સી જાહેર કરવાનું શક્ય નથી. બંધારણમાં સુધારો થયો હોવાથી તે શક્ય નથી. (આ સુધારો જનતા સરકારના વડા પ્રધાન મોરારજીભાઈએ કર્ર્યો હતો – પણ ચિદમ્બરમે એમનું નામ લીધું નહિ) આમ છતાં ભાજપ – એનડીએ સરકારવિરોધી અવાજને ગૂંગળાવે છે અને નેતાઓ સામે જ નહિ, નાગરિકો પાછળ પણ સરકારી એજન્સીઓ દ્વારા તપાસ કરાવે છે – એમ ઉમેરીને આરએસએસ ઉપર આક્ષેપ કર્યા. કોંગ્રેસી સ્થિતિ અને શક્તિ અંગે ટીકા કરતાં એમ પણ કહ્યું કે દસ વર્ષ સુધી અમે સત્તામાં હતા, પણ સંસ્થા – પક્ષ મજબૂત કરવાની દરકાર કરી નહિ. રાજ્યોમાં પ્રદેશ સમિતિઓના પ્રમુખો બેદરકાર રહ્યા અને આજે અમારી સામે આરએસએસનું મજબૂત રાજકીય તંત્ર છે!
જ્યોર્જ ફર્નાન્ડીસ પણ મદ્રાસમાં હતા અને ત્યાંથી કલકતા ગયા ત્યારે એક ચર્ચમાં તેમની ધરપકડ થઈ! તે અગાઉ જ્યોર્જ ગોપાલપુર ગામે એમના સંબંધીને મળવા ગયા હતા અને ત્યાંથી માછીમારના વેશમાં છટકી ગયા હતા.
જ્યારે નરેન્દ્ર મોદી શીખ બન્યા…
નરેન્દ્ર મોદીએ સંન્યાસીના વેશમાં જ્યોર્જ ફર્નાન્ડીસને પણ સલામત સ્થળે ખસેડ્યા હતા. આ પછી પાઘડી પહેરીને પોતે શીખ બન્યા હતા. ડો. સુબ્રમણ્યમ ચેન્નઈ થઈને શ્રીલંકા પહોંચી ગયા હતા. ત્યાંથી અમેરિકા અને પછી શીખ સરદારજી બન્યા. એમની સામે ધરપકડનું વોરન્ટ હતું, પણ રાજ્યસભામાં હાજરી આપવા આવ્યા અને હાથતાળી આપી છટકી ગયા. સરકાર હાથ ઘસતી રહી ગઈ!
અત્યારે વિજય માલ્યા અને નીરવ મોદી – લલિત મોદી ભાગેડુ છે. બ્રિટનમાં આરશ્રત છે અને ત્યાંના કાયદાનો લાભ ઉઠાવે છે – તે બદલ સરકાર ઉપર પસ્તાળ પડે છે. અત્યારે ઇમર્જન્સી નથી – ચિદમ્બરમ એન્ડ કંપની સામે કાનૂની કાર્યવાહી થાય છે.
ઇન્દિરા ગાંધીએ કમિટેડ જ્યુડિશિયરીમાં કહ્યાગરા મુખ્ય ન્યાયમૂર્તિને બેસાડવા માટે ત્રણ સિનિયરને હાંસિયામાં મૂક્યા. તેથી તેમણે રાજીનામાં આપ્યાં. ન્યાયમૂર્તિઓની નિમણૂક અંગે નવી વ્યવસ્થા છે તે અંગે સરકાર વિરુદ્ધ ફરિયાદ છે, પણ સુપ્રીમ કોર્ટમાં રાજકારણ પ્રવેશ્યું અને વિવાદ જાહેરમાં આવ્યો. અયોધ્યા વિવાદનો ચુકાદો આવે તે પહેલાં મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાના ઇમ્પીચમેન્ટની વાત ફેલાવીને દબાણ લાવવાના પ્રયાસ વિપક્ષ દ્વારા થયા – તે ઇમર્જન્સીની યાદ અપાવે છે. એનડીએ સરકારે ચાર વર્ષમાં સુપ્રીમ કોર્ટમાં 17 અને હાઈ કોર્ટોમાં 315 જજોની નિમણૂક કરી છે.
ઇમર્જન્સીમાં ઇન્દિરા ગાંધીએ વીસ સૂત્રો અને સંજય ગાંધીનાં પાંચ સૂત્રનો કાર્યક્રમ હતો અને સ્કૂલો – કોલેજોમાં વિદ્યાર્થીઓ યાદ રાખતા હતા – ગોખતા હતા! નવી દિલ્હીમાં અફવા હતી કે છોકરાઓને નસબંધી માટે પકડી જશે – શાળાઓએ તે દિવસે રજા પાડી! વૃક્ષ ઉગાડો, સ્વચ્છતા રાખો… આજે પણ આ કાર્યક્રમ છે. બેટી બચાવો, પઢાઓ છે. મિડિયા ઉપર આજે સેન્સરશિપ નથી. કેટલીક ચેનલો અને અખબારો મારી-મચડીને નકારાત્મક પ્રચારાત્મક અહેવાલો આપે છે – જે ઇમર્જન્સીમાં શક્ય જ નહોતું. ઇમર્જન્સીમાં રેડિયો ઉપર કાંદા-બટાટાના ભાવ આવે. બજારમાં જવાબ મળેઃ રેડિયો પાસે જઈને ખરીદી કરો… પ્રેસ સેન્સરશિપ આવી. દરેક અખબારમાં સરકારી અધિકારી બેસે. દરેક પાનાં તપાસે – વિરોધમાં કંઈ લખાણ હોય નહિ તો જ છાપી શકાય. જન્મભૂમિ ઉપર વિશેષ નજર હતી. દૂરદર્શન અને રેડિયો ઉપર રન-વે સમાચાર આવે. યુથ કોંગ્રેસના એક કાર્યક્રમ માટે કિશોર કુમાર ગયા નહિ ત્યારે એમનાં ગીતો પર પ્રતિબંધ મૂકી દેવાયો. ફિલ્મ આંધી ઉપર બંધી ફરમાવાઈ. કોઈ પત્રકાર – અખબારની હિંમત નહોતી. હરિયાણાના જેલવાસમાં મોરારજીભાઈને સૂકા-મેવા મળે છે એવા બંસી લાલના પ્રચારને મોરારજીભાઈનાં પુત્રવધૂએ રદિયો આપ્યો તે સમાચાર માત્ર જન્મભૂમિમાં પ્રસિદ્ધ થયા! ઇન્ડિયન એક્સપ્રેસના રામનાથ ગોએન્કા, સ્ટેટ્સમેનના સી. આર. ઈરાની અને હિંમત મેગેઝિનના રાજમોહન ગાંધીની હિંમતને સલામ! આ ગાળામાં બીબીસીના સમાચાર પર ભરોસો હતો. સંજય ગાંધી બિનસત્તાવાર સત્તાધીશ હતા અને એમના આદેશથી 1,10,00,000 લોકોની નસબંધી થઈ હતી અને દિલ્હીમાં સાત લાખ ઝૂંપડપટ્ટી નાબૂદ થઈ હતી. 1977ની ચૂંટણીમાં ઉત્તર ભારતમાં કોંગ્રેસ સાફ થઈ ગઈ તે માટે આ મુખ્ય કારણ મનાય છે.
ઇમર્જન્સીમાં દેશની પરિસ્થિતિની આ માત્ર આછી ઝલક છે. રાજધાનીની ધુરંધર પત્રકાર ત્રિપુટી – જે ઇન્દિરાજીની સમર્થક હતી – તેના માટે કહેવાતું હતું કે ઇન્દરા ગાંધી હાક મારે તો મળવા માટે દોડે નહિ, ઘૂંટણિયે પડવા આવે.
43 વર્ષે ઇમર્જન્સીના નામે નવો વિવાદ છેડાય છે! મહારાષ્ટ્ર સરકારે ઇમર્જન્સીમાં જેલવાસ ભોગવનારા નાગરિકો – અથવા એમના પરિવારોને માસિક 10,000 રૂપિયાનું પેન્શન તથા વાર્ષિક 10 હજાર સુધી તબીબી સહાય આપવાની જાહેરાત કરી છે. મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશમાં આ વ્યવસ્થા છે, પણ મહારાષ્ટ્રમાં રાજકારણ છે – કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસે શિવસેનાની ઉશ્કેરણી કરી છે – તમે આ પેન્શન યોજનાને મંજૂરી આપી છે? બાળાસાહેબે તો ઇમર્જન્સીને સમર્થન આપ્યું હતું – દરમિયાન કેટલાક નાગરિકોએ પેન્શનની રકમ અન્ય ઇમર્જન્સીનો ભોગ બનેલા જરૂરિયાતમંદોને આપવાની વિનંતી કરી છે.
અત્યારે સંવિધાન ખતરામાં છે? વિપક્ષી નેતાઓને સંવિધાનની ચિંતા છે કે પછી એમના ભવિષ્યની?

લેખક જન્મભૂમિ જૂથના તંત્રી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here