ચાંદને પાર ‘ચાંદની’: શ્રીદેવીને અંતિમ વિદાય આપતા લાખો ચાહકો

બોલીવુડની પ્રતિભાશાળી અભિનેત્રી શ્રીદેવીનો પાર્થિવ દેહ બુધવારે પંચમહાભૂતમાં વિલીન થતાં જ જાણે રૂપેરી યુગનો અંત આવ્યો હતો. હજારો ચાહકોની ભીડ વચ્ચે નીકળેલી અંતિમયાત્રા પછી શ્રીદેવીને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. સફેદ ફૂલોથી સજાવેલી ટ્રકમાં શ્રીદેવીની અંતિમયાત્રા નીકળી હતી. હજારો લોકો પગપાળા અંતિમ વિદાય આપવા અંતિમયાત્રામાં સાત કિલોમીટર સુધી ચાલ્યા હતા. (બંને ફોટોસૌજન્યઃ અમરઉજાલાડોટકોમ)

મુંબઈઃ લાખો-કરોડો દર્શકોના દિલમાં રાજ કરનારી બોલીવુડની પ્રતિભાશાળી અભિનેત્રી શ્રીદેવીનો પાર્થિવ દેહ બુધવારે પંચમહાભૂતમાં વિલીન થતાં જ જાણે રૂપેરી યુગનો અંત આવ્યો હતો. હજારો ચાહકોની ભીડ વચ્ચે નીકળેલી અંતિમયાત્રા પછી રાજકીય સન્માન સાથે શ્રીદેવીને અંતિમ વિદાય આપવામાં આવી હતી.
બોલીવુડની દિગ્ગજ હસ્તીઓ આ જાજરમાન અભિનેત્રીને આખરી વિદાય આપવા અને શ્રીદેવીના પરિવારજનોને સાંત્વના આપવા ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈમાં કપૂર પરિવારના નિવાસસ્થાનેથી શ્રીદેવીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે લોખંડવાલા કોમ્પ્લેક્સની સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં સમગ્ર બોલીવુડ ઊમટી પડ્યું હતું. શ્રીદેવીને લાલ રંગની બનારસી સાડી અને કપાળે મોટો ચાંલ્લો કરી દુલ્હનની જેમ સજાવવામાં આવી હતી. આ પછી સફેદ ફૂલોથી સજાવેલી ટ્રકમાં શ્રીદેવીની અંતિમયાત્રા નીકળી હતી. હજારો લોકો પગપાળા અંતિમ વિદાય આપવા અંતિમયાત્રામાં સાત કિલોમીટર સુધી ચાલ્યા હતા. ક્લબથી સ્મશાન સુધીનું સાત કિલોમીટરનું અંતર બે કલાકમાં કપાયું હતું. અભિનેત્રીના પાર્થિવ દેહને સ્મશાને લઇ જતી મોટી ટ્રક પર તેનું વિશાળ પોસ્ટર લગાવવામાં આવ્યું હતું.
શનિવારે રાતે દુબઈની હોટેલમાં બાથટબમાં આકસ્મિક રીતે ડૂબી જઈ મોતને ભેટનાર બોલીવુડની પ્રથમ મહિલા સુપરસ્ટાર શ્રીદેવીના નશ્વર દેહને તિરંગામાં લપેટવામાં આવ્યો હતો. શ્રીદેવીના પાર્થિવ દેહને પોલીસ બેન્ડ અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તામિલ રીતરિવાજ મુજબ તામિલનાડુથી આવેલા પંડિતોની હાજરીમાં વિલે પાર્લેના સ્મશાનગૃહમાં શ્રીદેવીના પાર્થિવ દેહને પતિ બોની કપૂરે મુખાગ્નિ આપ્યો હતો. શ્રીદેવીના પતિ બોની કપૂર અને બન્ને પુત્રીઓ જાહ્નવી અને ખુશી રડી પડ્યાં હતાં તો અનિલ કપૂર, સંજય કપૂર, અર્જુન કપૂર, હર્ષવર્ધન કપૂર ગમગીન બની ગયા હતા.
અમતિાભ બચ્ચન, સલમાન ખાન, શાહરુખ ખાન, જયા બચ્ચન, ઐશ્વર્યા રાય, હેમામાલિની અને તેમની બન્ને પુત્રીઓ, અજય દેવગન-કાજોલ, કરિશ્મા કપૂર, દીપિકા પાદુકોણે, રેખા, માધુરી દીક્ષિત સહિત કલાકારોએ શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપી હતી.
શ્રીદેવીના નિધનના સમાચાર મળતાં જ હૈદરાબાદથી તેના મહિલા ચાહકો મુંબઈ આવ્યા હતા. આ મહિલા ચાહકોએ જણાવ્યું હતું કે શ્રી એટલે નંબર વન. અમારા માટે તે માતા લક્ષ્મીનું સ્વરૂપ હતાં. મુંબઈ, ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી પણ શ્રીદેવીના ચાહકો અંતિમ દર્શન માટે આવી પહોંચ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here