ગુજરાત રેડક્રોસે ૩૫૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર રાજ્યમાં વિતરણ કર્યાં

 

ગાંધીધામઃ અમદાવાદમાં ગુજરાત રેડક્રોસ ભવન ખાતે ગુજરાતના રાજયપાલ સહિતના અગ્રણીઓના હસ્તે ૩૫૦ ઓક્સિજન કોન્સન્ટેટર વિતરણ કરાયા હતા. આ કાર્યક્રમમાં રાજયની રેડક્રોસ શાખાની કામગીરીને લઈને ૫૦ લાખનું ઈનામ અપાયું હતુ. 

રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણના મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, રાષ્ટ્રીય આરોગ્ય મિશનની હાજરીમાં મિશન ડાયરેકટર રેમ્યા મોહન સહિતના હસ્તે ગુજરાતની ૩૩ જિલ્લા રેડક્રોસ શાખા દરેકને ૫ અને ૭૫ તાલુકા રેડક્રોસ શાખાને ૨ ઓક્સિજન કોન્સન્ટ્રેટર વિતરણ કરાયા હતા. ૩૫ ઓક્સિજન કોન્સન્ટ્રેટર અમદાવાદના રેડક્રોસ ભવન ખાતે અમદાવાદની જનતા માટે રખાયા હતા. કોરોનાની ત્રીજી લહેરનો સતત ભય તોળાઈ રહ્યો છે ત્યારે આગોતરી તૈયારીના ભાગરૂપે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના માધ્યમ થકી ભાવનગર અને વ્યારાની કોરોના હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ આપવાની જાહેરાત કરાઈ હતી. 

રાજયની રેડક્રોસ શાખાના ચેરમેન ડો. ભાવેશ આચાર્યે આવકાર પ્રવચનમાં ગુજરાત રેડક્રોસની શાખા દ્વારા કોરોનાના સમયમાં કરાયેલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ઉપર પ્રકાશ પાડયો હતો. રાજયપાલના નેતૃત્વમાં એક લાખથી વધુ રાશનકિટ અને જરૂરિયાતમંદોને દવા વિતરણ કરાઈ છે. આ કાર્યને તેમણે બિરદાવ્યુ હતુ. વાઈસ ચેરમેન સુમિતભાઈ ઠકકર અને ખજાનચી ડો. મુકેશ જાગીવાલા, મંત્રી ડો. પ્રકાશ પરમારે પણ આવા સેવાકીય કાર્ય બદલ આભાર વ્યકત કરી અભિનંદન પાઠવ્યા હતા. 

આરોગ્ય વિભાગના અધિક સચિવ મનોજ અગ્રવાલે રેડક્રોસ દ્વારા થતી વૃદ્ધાશ્રમ, અદ્યતન લેબોરેટરી, ફીઝીયોથેરાપી સેન્ટર, આર્ટીફીશિયલ લીમ્બ સેન્ટર, થેલેસેમિયા પ્રિવેન્શન સેન્ટર, એકસ-રે, સોનોગ્રાફી, સર્વાઈકલ કેન્સર સ્ક્રીનીંગ જેવાં લોક ઉપયોગી કાર્યની પ્રશંસા કરી હતી. 

રાષ્ટ્રીય આરોગ્ય મિશનના રેમ્યા મોહને સમગ્ર દેશમાં ગુજરાત રેડક્રોસ શાખાની કામગીરીની નોંધ લઈ શાખાને પ્રથમ સ્થાન આપી ૫૦ લાખનું ઈનામ આપ્યું હતું. આ ઉપરાંત’ શાખાના ચેરમેન ડો. ભાવેશ આચાર્યને દેશમાં બેસ્ટ રેડક્રોસ કાર્યકર તરીકે રાષ્ટ્રપતિ તરફથી ગોલ્ડમેડલ અપાયો હતો. અમદાવાદ બ્લડ બેંકને શ્રેષ્ઠ બ્લડ બેંક તરીકે પ્રથમ સ્થાન અને ગુજરાતની ૨૪ બ્લડ બેંકોની બધા જ રાજયોની સરખામણીએ સૌથી વધારે રકત એકત્ર કરવા બદલ પ્રથમ સ્થાન મળ્યુ હતું. રાજ્યપાલ આચાર્યે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને સંસ્થા દ્વારા કોવિડ મહામારીના સમયમાં કરાયેલી કામગીરીની પ્રશંસા કરી રાજયમાં શરૂ થનાર ઓક્સિજન બેંક અંગે ખુશી વ્યકત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here