ગુજરાતી ફિલ્મો માટે હવે ‘અચ્છે દિન’!

0
1116

ગુજરાતી ફિલ્મ ‘લવની ભવાઈ’ તમે હજી સુધી ન જોઈ હોય તો જોઈ લેજો… આ આખીયે ફિલ્મમાં ક્યાંય રાસ-ગરબા નથી, ક્યાંય દુહા-છંદ નથી, ક્યાંય પાળિયા નથી, ક્યાંય ધોતિયાં-ફાળિયાં નથી, ક્યાંય વલ્ગર અને વાહિયાત કોમેડી નથી, ક્યાંય ફાલતુ ફોટોગ્રાફી નથી, ક્યાંય ડામાડોળ ડાયરેક્શન નથી! ઇન શોર્ટ, આપણને ઊબકા આવે કે ત્રાસરૂપ લાગે એવું કશું જ આ ફિલ્મમાં નથી. મેં પણ આવાં બધાં જોખમથી બચવા માટે જ અત્યાર સુધી આ ફિલ્મ જોઈ નહોતી! પરંતુ ખાસ સંજોગોમાં આ ફિલ્મ મારે જોવી પડી અને મને લાગ્યું કે ગુજરાતી ફિલ્મો માટે હવે ‘અચ્છે દિન’ આ ગયે હૈં!
અનેક ફિલ્મોમાં હોય છે તેમ ‘લવની ભવાઈ’માંય આમ તો લવ-ટ્રાયેંગલનું જ કથાવસ્તુ છે, પરંતુ એની માવજત એવી રસપ્રદ થઈ છે, જાણે ગુજરાતી ફિલ્મોનો હવે નવો મેકઅપ થયો હોય!
ફિલ્મ ‘લવની ભવાઈ’ની હિરોઈન આરોહી પટેલને રૂબરૂ મળવા માટે જે સમય નક્કી થયો હતો, બરાબર એ જ સમયે તે આવી પહોંચી. ત્યારે સૌથી પહેલી ઇમ્પ્રેશન એ પડી કે ‘લવની ભવાઈ’ ફિલ્મની સફળતાએ તેને હવામાં ઊડતી કરી દીધી નથી. મોડાં આવીને પોતાનું વીઆઇપી સ્ટેટસ બતાવવાનું તેને સહેજ પણ જરૂરી લાગ્યું નહોતું. તેની સાથેની વાતચીત પરથી મને જાણવા મળ્યું કે આરોહીને એક્ટિંગ-કરિયરમાં કોઈ ઇન્ટરેસ્ટ જ નહોતો. એને તો માત્ર પ્રોડક્શન, ડાયરેક્શન અને એડિટિંગમાં જ ઇન્ટરેસ્ટ હતો! એટલે એને મેં પૂછ્યું કે તારે એક્ટિંગ કરવી જ નહોતી, તો પછી તું હિરોઇન કેવી રીતે બની ગઈ? એણે કહ્યું, ‘લવની ભવાઈ’ મારી પ્રથમ ફિલ્મ નથી. આ પહેલાં મેં 2015માં ગુજરાતી ફિલ્મ ‘પ્રેમજી’માં એક્ટિંગ કરી હતી. એના પ્રોડ્યુસર હતા વિજયગિરિ બાવાની. આ ફિલ્મ માટે તેમને કોઈ ઇનોસન્ટ ફેસવાળી વિલેજગર્લ લુકિંગ છોકરીની જરૂર હતી. વિજયગિરિ બાબા સાથે મારા પપ્પાને સારો રિલેશન હોવાથી અગાઉ ઘણી વખત મળવાનું બનેલું. ‘પ્રેમજી’ ફિલ્મ માટે તેમને મારો ચહેરો અનુકૂળ લાગ્યો, એટલે તેમણે મારા પપ્પાને વાત કરીને પૂછ્યું કે, ‘મારે આરોહી જેવા ચહેરાની જરૂર છે, શું તે ફિલ્મમાં એક્ટિંગ કરશે?’
પપ્પાએ મને વાત કરી. મેં ફિલ્મની સ્ટોરી સાંભળી. તેનો સબ્જેક્ટ ખૂબ ઇન્ટરેસ્ટિંગ હતો. એ વખતે હું ટીવાય બીકોમમાં અભ્યાસ કરતી હતી. કોલેજમાં હું થિયેટર કરતી હતી, ડાન્સ કરતી હતી, કેટલાક ઇવેન્ટ્સ પણ મેં કર્યા હતા. હું એ પણ જાણતી હતી કે થિયેટર અને ફિલ્મનું કાર્યક્ષેત્ર ડિફરન્ટ છે. છતાં ચેલેન્જિંગ કામ કરવાની તૈયારી સાથે મેં એ ફિલ્મમાં એક્ટિંગ કરવા માટે હા પાડી. દસ દિવસ પછી શૂટિંગ શરૂ થવાનું હતું. ધીમેધીમે બધું ગોઠવાઈ ગયું. ‘પ્રેમજી’ ફિલ્મ ભલે બોક્સઓફિસના આધારે સક્સેસફુલ ફિલ્મ ન કહેવાય, પરંતુ એક સફળ ફિલ્મ બની. એને દસ સ્ટેટ અવોર્ડ્સ મળ્યા હતા!’
ગુજરાતી ફિલ્મ ‘લવની ભવાઈ’માં લાજવાબ એક્ટિંગ કરનાર આરોહીકહે છે કે ગુજરાતી ફિલ્મો માટે હવે નવી દિશાઓ ખૂલી છે, છતાં ઘણું બધું કામ કરવાનું બાકી છે! એટલે હું કોઈ પણ સંજોગોમાં આ ક્ષેત્ર છોડવાની નથી. મારે ગુજરાતી ફિલ્મો માટે ઘણું બધું ક્રિયેટિવ કરી બતાવવું છે.
અભિનેત્રી આરોહીની આઇડેન્ટિટી માત્ર એટલી જ નથી કે તે, પ્રોડ્યુસર-ડિરેક્ટર સંદીપ પટેલ અને અભિનેત્રી-આર.જે. આરતી પટેલની દીકરી છે. તેની સાચી આઇડેન્ટિટી તો તે ક્રિયેટિવ હાર્ડવર્કિંગ ગર્લ છે એ છે. જ્યારે મેં તેને પૂછ્યું કે ‘લવની ભવાઈ’ ફિલ્મ તો તારા માટે હોમ-પ્રોડક્શન કહેવાય, એટલે તને ઘણી બધી રિલીફ મળી હશે.’ ત્યારે આરોહીએ કહ્યું કે, ‘ના એવું બિલકુલ નથી. જ્યારથી આ ફિલ્મની વર્કશોપ ચાલુ થઈ ત્યારથી પપ્પાને હંમેશાં એમ લાગતું હતું કે હું સિન્સિયર નથી અને મને એવું ફીલ થતું હતું કે પપ્પા મને સમજતા નથી. હકીકત એવી હતી કે હું રિહર્સલ વગેરેની મારી મહેનત તેમને બતાવતી નહોતી. પપ્પાએ મને હંમેશાં બહારની એક્ટ્રેસની જેમ જ ટ્રીટ કરી છે. વળી આ ફિલ્મમાં મારે પ્રતીક ગાંધી અને મલ્હાર ઠાકર જેવા પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત કલાકારો સાથે કામ કરવાનું હતું! મારું કેરેક્ટર જરા પણ ઝાંખું-ફિક્કું ન પડે તે જોવું અનિવાર્ય હતું અને પપ્પા કોઈ જોખમ લેવા તૈયાર નહોતા. જોકે તેમની પાસે આ ક્ષેત્રનો મબલક અનુભવ છે, એટલે કોઈ પણ કલાકાર પાસેથી ડિસિપ્લિનપૂર્વક કામ કઢાવવાનું સામર્થ્ય તેઓ ધરાવે છે. ‘લવની ભવાઈ’ ફિલ્મની સક્સેસ પછી પપ્પાએ ખૂબ ખુશી વ્યક્ત કરી. સાથેસાથે એમ પણ કહ્યું કે તેઓ કામની બાબતમાં ખૂબ સ્વાર્થી છે એટલે મારા માટે અણગમતા કેટલાક નિર્ણયો પણ તેમણે કરવા જ પડ્યા હોય.
આરોહીને મેં પૂછ્યું કે આ ફિલ્મમાં તેને કયો સીન કરવાનું સૌથી અઘરું લાગ્યું હતું? એણે કહ્યું, ‘ફિલ્મમાં મારાં લગ્ન નક્કી થઈ જાય છે અને છેલ્લે સાગર (મલ્હાર ઠાકર ) મને રેડિયો પર ફોન કરીને દિલગીરી વ્યક્ત કરે છે તે વખતે મારે સામે જે પ્રતિક્રિયા આપવાની હતી તે સીન કરવાનું શરૂઆતમાં મને જરા ડિફિકલ્ટ લાગતું હતું, પરંતુ હું કેરેક્ટરમાં એવી ઇન્વોલ્વ થઈ ગઈ હતી કે બહુ આસાનીથી અને સંવેદનશીલ રીતે એ સીન ટેઇક થઈ ગયો!
આ ક્ષેત્રમાં આરોહી પોતાની મમ્મી આરતી પટેલને પોતાની રોલમોડેલ માને છે. અલબત્ત, એને કંગના રનૌત અને અન્ય બેસ્ટ એક્ટ્રેસિસનું કામ ગમે છે. આરોહીએ સૌથી મજાની વાત તો એ કરી કે કોઈનું બેસ્ટ પર્ફોર્મન્સ જોઈને તેને ક્યારેય એવું ફીલ નથી થયું કે હું પણ આવું જ કામ કરી બતાવું અથવા મને પણ આવો રોલ મળે તો મજા આવી જાય! બસ, માત્ર એવું લાગે કે એણે ખૂબ સરસ પર્ફોર્મ કર્યું છે.
આરોહી જ્યોતિષ વગેરેમાં પણ થોડીક આસ્થા ધરાવે છે. કોઈ નવું ક્રિયેટિવ કામ કરવાનું હોય તો સારા મુહૂર્તની પસંદગી કરવી જોઈએ તેવું તે માને છે. પોતાની આંગળી પર પહેરેલી ગુરુના નંગવાળી વીંટી પણ એણે શ્રદ્ધાપૂર્વક મારી સામે બતાવી. જોકે તેને ગ્રહોનાં નડતર વગેરેમાં કોઈ ખાસ દિલચસ્પી નથી. એ જાણે છે કે ન્યુઝપેપરમાં દૈનિક કે સાપ્તાહિક ભવિષ્યવાણીની જે કોલમો આવે છે તે કેવી રીતે તૈયાર થતી હોય છે! એ જ રીતે આરોહીને ભૂતપ્રેત વગેરેમાં પણ વિશ્વાસ નથી, છતાં જો એવા સબ્જેક્ટ પરની કોઈ ફિલ્મમાં કામ કરવાનું હોય તો તેને રસપૂર્વક કરવા પણ એ તૈયાર છે! તે માને છે કે ફિલ્મ કે સિરિયલ અલ્ટિમેટલી મનોરંજન માટે જ બનતી હોય છે. એટલે એંજલ કે સ્પાઇડરમેન જેવી કથાઓ નાના કે મોટા પડદા પર રજૂ થતી રહે એમાં કંઈ ખોટું નથી! વાસ્તવિક જીવનમાં જે આનંદ નથી માણી શકાતો તે વાર્તાઓમાં કલ્પનાલોક દ્વારા માણી શકાય એ જ તો ખરું મનોરંજન છે! ફેન્ટેસી અને એન્ટરટેનમેન્ટ માટે હું એ પ્રકારની ફિલ્મોમાં કામ કરં જ!
15મી નવેમ્બરના દિવસે જન્મેલી આરોહીને એચ.એલ. કોલેજમાં અભ્યાસનાં ત્રણ વર્ષ ખૂબ યાદગાર લાગે છે. કોલેજમાં અભ્યાસ દરમિયાન વિવિધ પ્રકારની કલ્ચરલ એક્ટિવિટીઝમાં પોતે ખૂબ સક્રિય રહેતી હોવા છતાં પોતાની એક્ઝામનું રિઝલ્ટ જરા પણ નબળું ન પડે તેની તે ખૂબ તકેદારી રાખતી અને લગભગ દરેક એક્ઝામમાં તે ડિસ્ટિંક્શન રિઝલ્ટ મેળવતી હતી. કોલેજમાં આખું વર્ષ ભલે તે થિયેટર, ડાન્સ અને વિવિધ કલ્ચરલ કાર્યક્રમોમાં સક્રિય રહેતી, પરંતુ પરીક્ષાના સમયે ખૂબ મહેનત કરીને કરિયરની કાળજી પણ લેતી હતી.
કોઈ પણ કલાકારને કલા વારસામાં મળી હોય તો પણ તેણે ખૂબ પરિશ્રમ કરીને પોતાની મૌલિકતા પુરવાર કરવી પડતી હોય છે. પોસિબલ છે કે પોતાનાં પેરેન્ટ્સના કારણે કોઈ કલાકારને કદાચ પ્લેટફોર્મ તો મળી જાય, પરંતુ જે કલાકાર મૌલિકતા પુરવાર નથી કરી શકતો તે ટકી પણ નથી શકતો! આરોહી લાંબી રેસનો ઘોડો પુરવાર થશે જ, તેવા વિશ્વાસનો રણકો તેના અભિનયમાં અને તેના આત્મવિશ્વાસમાં સાંભળી શકાય છે!

લેખક ચિંતક અને સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here