ગુજરાતી કલા કસબીઓ માટે બચતનો ઐતિહાસિક નવતર પ્રયોગ

 

અમરેલીઃ કોરોનાની મહામારીને કારણે નવરાત્રિ, લગ્ન સમારંભો, જાહેર કાર્યક્રમો બધું ૬ મહિનાથી બંધ છે. સૌ આર્થિક તકલીફો સાથે જીવી રહ્યા છે, આર્થિક આયોજનો ખોરવાઈ ગયાં છે. ત્યારે ગુજરાતના કલાકારોને કસોટીના સમયમાં હાશ થાય, એવા સમાચાર છે. 

સંગીત, નાટય, નૃત્ય, ફિલ્મ, ચિત્રકલા, ઓરકેસ્ટ્રા, લોકકલાઓ વગેરે તમામ કલાઓના કલાકારો અને કસબીઓ પોતે બચત કરી શકે, ધિરાણ મેળવી શકે અને એની ચુકવણી માટે યોગ્ય કામ પણ મળી રહે, તેવો ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ અભિગમ  સાકારીત થઈ રહ્યો છે.

કલાકાર માટે પ્રસંશા, વાહ વાહ અને તાળીઓ  જ પ્રાણવાયુ હોય છે,  પણ એનાથી પેટ નથી ભરાતું.  આર્થિક સંઘર્ષ કરતાં પ્રસ્તુતિનો સંતોષ કલાકારને જીવાડી જતો હોય છે. પણ, કોરોનાના વર્તમાન સંજોગોએ સૌ કલાકારોને આર્થિક આયોજનનું મહત્ત્વ સમજાવી દીધું છે. ત્યારે, આ વાસ્તવિકતાને આ સમય પહેલાં જ કલાકારોના હિતેચ્છુ યોગેશ ગઢવી સમજી ચુક્યા હતા અને એના સમાધાન રૂપે કંઈક નક્કર, કાયમી વ્યવસ્થાનું વિચાર બીજ રોપાયું હતું. જે હવે અંકુરિત થઈને વૃક્ષ બનવા તરફ જઈ રહ્યું છે, શ્રી કલાધાર મલ્ટી ક્રેડીટ અને સેવિંગ્સ કો-ઓપરેટીવ સોસાયટી લિ. સ્વરૂપે.

ભારતમાં સૌ પ્રથમવાર ૨૩ ઓક્ટોબર, ૨૦૨૦ સાતમા નવરાત્રનો દિવસ ઇતિહાસમાં કાયમી ધોરણે અંકિત થઇ ગયો છે. શ્રી કલાધાર મલ્ટી ક્રેડીટ અને સેવિંગ્સ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડનું અમરેલી ખાતે શુભ ઉદ્ઘાટન થયું છે.

આ માટે  ગુજરાતના સહકાર ક્ષેત્રના અગ્રણી અને ક્લાપ્રેમી એવા સમાજસેવક  દિલીપભાઈ સંઘાણીએ અંગત રસ લઈને ખૂબ માર્ગદર્શન અને સહાય પૂરાં પાડ્યાં છે. અને સહકારી સોસાયટીઓના અનુભવી  કુ. ભાવનાબેન ગોંડલીયાએ તન, મન, ધનથી રસ લઈને મહામુલો સહયોગ આપ્યો છે.

ભારતના ઇતિહાસમાં સર્વ પ્રથમ એવી આ સંસ્થાના આજે ૨૩ ઓક્ટોબરના રોજ અમરેલી ખાતે શુભારંભ સમયે ઉદ્દઘાટક  યોગેશ ગઢવીએ આ પ્રવૃત્તિ અમરેલી જિલ્લા પૂરતી સીમિત ન રહેતાં સમગ્ર ગુજરાત રાજ્ય સુધી વિસ્તારવાની વર્તમાન સ્થિતિમાં તાતી જરૂરિયાત છે, એવું આગ્રહભર્યું સૂચન કર્યું. જેને કાર્યક્રમના અધ્યક્ષ રાજ્યના સહકાર ક્ષેત્રના અગ્રણી એવા માનનીય દિલીપભાઈ સંધાણીના નેતૃત્વમાં અને   સોસાયટીના અમરેલી જિલ્લા ચેરમેન કુ. ભાવનાબેન ગોંડલીયાની ઉપસ્થિતિમાં મળેલી પ્રથમ કમિટી મીટિંગમાં જ સહર્ષ સ્વીકારી, સોસાયટીનું કાર્યક્ષેત્ર નજીકના ભવિષ્યમાં ગુજરાત સ્તરે વિસ્તારવાનો ઠરાવ થયો, જેમાં ગુજરાત સ્તરના ચેરમેન પદની જવાબદારી યોગેશ ગઢવીને સોંપવાનો નિર્ણય પણ લેવાયો હતો. 

પ્રથમ મિટિંગમાં જ આવો યોગ્ય ઠરાવ કરવા બદલ  સંઘાણી, સૌ કમિટી સભ્યો અને સોસાયટી ચેરમેન કુ. ભાવનાબેન ગોંડલીયાનો સૌ કલાકારોએ હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. આ રીતે રોપાયેલું આ સહકારનું બીજ ઘેઘુર વટવૃક્ષ સુધી વિસ્તરે તેવી શુભેચ્છાઓ પણ આપી હતી.

આ ઐતિહાસીક ઘટનાને હર્ષ અને શુભેચ્છા વ્યક્ત કરી, અનેક ક્લાપ્રેમીઓ, કલાકાર હિતેચ્છુઓ સહિત સમગ્ર કલા જગતે આ પ્રવૃત્તિને ઉત્સાહથી આવકારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here