ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય

 

અમદાવાદઃ રાજ્યમાં ત્રણ દિવસ પહેલા યોજાયેલી ૬ મહાનગરપાલિકાની ચૂંટણના પરિણામો આવ્યા છે. આ વખતની મનપા ચૂંટણીના પરિણામોએ એકદમ નવી સમીકરણો બનાવ્યા છે. ઓવરઓલ જોઇએ તો રાજ્યની તમામ ૬ મનપામાં ભાજપનો કેસરિયો લહેરાયો છે. તો કોંગ્રેસના સૂપડા સાફ થયા છે. જે રીતે દેશમાં કોંગ્રેસ નબળી પડી રહી છે, તેનો વધુ એક પરચો ગુજરાત મનપાની ચૂંટણીમાં જોવા મળ્યો છે. આ તરફ આમ આદમી પાર્ટી (ખ્ખ્ભ્)ની ગુજરાતના રાજકારણામાં એન્ટ્રી થઇ છે. સુરતમાં ૨૭ સીટો પર આપનો વિજય થયો છે. જેની સામે સુરતમાં કોંગ્રેસ પોતાનું ખાતુ ખોલવામાં પણ સક્ષમ રહી નથી. તો આ તરફ અમદાવાદમાં ઓવૈસીની પાર્ટી (ખ્ત્પ્ત્પ્)એ ૭ સીટો પર વિજય મેળવીને ગુજરાતમાં એન્ટ્રી કરી છે. તો સૌરાષ્ટ્રના જામનગરમાં બસપાએ પાંચ સીટો સાથે ગુજરાતમાં પોતાનું ખાતુ ખોલ્યું છે. ભાજપે ૪૮૩ સીટ મેળવી છે, તો કોંગ્રેસ માત્ર ૫૫ સીટમાં સમેટાઈ ગઈ છે.

ગુજરાતાની ગત ૨૦૧૫ની મહાનગરપાલિકાની ચૂંટણીની વાત કરીએ તો, ૨૦૧૫ના વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ ૬ મનપાની કુલ ૩૯૦ બેઠક પર કબ્જો મેળવ્યો હતો. જ્યારે ૧૭૫ બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. તો વર્તમાન મનપાની ચૂંટણીમાં ભાજપે રાજ્યની મનપાની કુલ ૪૮૩ બેઠકો પર જીત મેળવી છે. તો કોંગ્રેસ માત્ર ૫૫ સીટો પુરતી સિમિત રહી ગઇ છે. રાજ્યમાં ૬ મનપાની કુલ ૫૭૬ સીટો માટે ચૂંટણી યોજાઇ હતી. ભાજપે તમામ ૬ મનપામાં ૨૦૧૫ના વર્ષની સરખામણી ઘણુ સારું પ્રદર્શન કર્યું છે. જ્યારે તમામ શહેરોમાં કોંગ્રેસની નાવ ડૂબી છે. 

ગુજરાતની ૬ મનપામાં કોંગ્રેસનો કારમો પરાજય થયો. ત્યારે કારમી હાર બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, જનતાના જનાદેશનો સ્વીકાર છે. શહેરી વિસ્તારમાં સંગઠન વધારવા ચર્ચા કરીશું. ફરી વિશ્વાસ જાગે તેવી લડાઈ લડીશું. હારમાંથી શીખ લઈ ફરી લોકોના હકની લડાઈ લડીશું. તો પંચમહાલના ગોધરામાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ મહાનગર પાલિકામાં કોંગ્રેસની થયેલી કારમી હાર મુદ્દે નિવેદન આપતા કહ્યું કે, આગામી દિવસોમાં પ્રદેશ કોંગ્રેસ વિચાર વિમર્શ કરશે. ઓછું મતદાન પણ કોંગ્રેસની હાર પાછળનું પરિબળ હોવાનું જણાવ્યું. આ સાથે જ આગામી જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ સારા પ્રદર્શન સાથે જીત નોંધાવશે તેવો દાવો કર્યો. તેમણે કહ્યું કે, કોંગ્રેસે લઘુમતી સમાજ સાથે પોતાની લાગણી અને માંગણી યોગ્ય રીતે રજુ કરી હોત તો વધુ સારું પ્રદર્શન કરી શકાયું હોત. 

અમદાવાદની વાત કરીએ તો ૨૦૧૫ના વર્ષમાં ૧૯૨માંથી ભાજપને ૧૪૨ બેઠક મળી હતી. જ્યારે કોંગ્રેસના ફાળે ૪૯ બેઠક ગઈ હતી. એક બેઠક અપક્ષના ફાળે ગઈ હતી. ત્યારે આ વર્ષે અમદાવાદ મહાનગરપાલિકામાં અત્યાર સુધીના પરિણામોમાં ભાજપે ૧૫૯ બેઠક કબ્જે કરી છે જ્યારે કોંગ્રેસ માત્ર ૨૫ બેઠકો પુરતી સિમિત થઇ છે. એટલે કે ગત ચૂંટણીની સરખામણીએ ભાજપને ૧૭ બેઠકો વધારે મળી છે. તો કોંગ્રેસે પોતાની ૨૪ બેઠકો ગુમાવી છે. 

રાજકોટની વાત કરીએ તો ૨૦૧૫ની ચૂંટણીમાં કુલ ૭૨માંથી ૩૮ બેઠકો પર ભગવો લહેરાયો હતો, જ્યારે ૩૪ બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. આ વર્ષે રાજકોટ મહાનગરપાલિકામાં અત્યાર સુધીના પરિણામોમાં ભાજપે ૬૮ બેઠક જીતી. જ્યારે કોગ્રેસે ૪ બેઠક જીતી આ વખતે રાજકોટમાં ભાજપે ૩૦ બેઠકોના વધારા સાથે જંગી વિજય મેળવ્યો છે. તો ૨૦૧૫માં જે કોંગ્રેસ પાર્ટી બહુમતિથી માત્ર ૩ સીટો દૂર હતી તેનું આ વખતે ૩૦ સીટો પર ધોવાણ થયું છે. 

જામનગરમાં ૨૦૧૫માં કુલ ૬૪માંથી ભાજપના ફાળે ૩૮ બેઠક ગઈ હતી. જ્યારે કોંગ્રેસના ફાળે ૨૪ બેઠક ગઈ હતી અને ૨ બેઠક અન્ય પક્ષના ફાળે ગઈ હતી. તેની સામે આ વર્ષે ૧૨ બેઠકના વધારા સાથે ભાજપે ૫૦ સીટો મેળવી છે અને તેની સામે કોંગ્રેસે ૧૩ બેઠકો ગુમાવી છે. કોંગ્રેસને જામનગરમાં ૧૧ બેઠક મળી. ખાસ વાત એ છે કે ત્રણ બેઠક પર બસપાનો વિજય થયો છે.

ભાવનગરમાં ગત મનપાની ચૂંટણીમાં બાવનમાંથી ૩૪ બેઠક પર કમળ ખિલ્યું હતું. જ્યારે કોંગ્રેસના ફાળે ૧૮ બેઠક ગઈ હતી. આ વર્ષે ૧૦ બેઠકના વધારા સાથે ભાજપે ૪૪ બેઠક પર વિજય મેળવ્યો છે, કોંગ્રેસને ૮ બેઠક મળી. કોંગ્રેસની ૧૦ સીટોમાં ઘટાડો થયો છે. 

સંસ્કારી નગરી વડોદરામાં ૨૦૧૫માં કુલ ૭૬માંથી ભાજપના ફાળે ૫૮ બેઠક ગઈ હતી. જ્યારે કોંગ્રેસના ફાળે ૧૪ બેઠક ગઈ હતી. ચાર બેઠક અન્ય પક્ષના ફાળે ગઈ હતી. ત્યારે આ વખતે ભાજપને ૧૨ સીટોનો વધારો મળ્યો છે અને કુલ ૬૯ સીટો પર વિજય મેળવ્યો છે. સામા પક્ષે કોંગ્રેસે ૭ બેઠકો ગુમાવી છે અને ૭ બેઠકો જીતી છે. 

સુરતની વાત કરીએ તો ગત ચૂંટણીમાં કુલ ૧૧૬માંથી ભાજપના ફાળે ૮૦ બેઠક ગઈ હતી. જ્યારે કોંગ્રેસના ફાળે ૩૬ બેઠક ગઈ હતી. ત્યારે આ વખતે સુરત મનપાની કુલ ૧૨૦ બેઠકો હતી તેમાંથી ૯૩ બેઠક પર ભાજપનો વિજય થયો છે, એટલે કે ૬૭ સીટોનો વધારો. જ્યારે સુરતમાં કોંગ્રેસે એક પણ બેઠક જીતી નથી. તો આપનો ૨૭ બેઠક પર વિજય થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here