ગુજરાતમાં કોરોના વાઇરસ નથી એવું કહેતાં જ અમદાવાદમાં મળ્યો શંકાસ્પદ કેસ

 

અમદાવાદઃ ભારતમાં પણ હવે કોરોના વાઇરસે પગપેસારો કર્યો છે ત્યારે આ વચ્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક શંકાસ્પદ કોરોના વાઇરસનો દરદી દાખલ થયો છે. સિંગાપુરથી પરત ફરેલી મહિલા હાલ શંકાસ્પદ કેસ તરીકે હોસ્પિટલમાં દાખલ થઈ છે. આ મહિલા બીજી માર્ચે અમદાવાદ પરત ફરી હતી. ૨૩ વર્ષીય મહિલાને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાઈ હતી. ડોક્ટરો દ્વારા મહિલાના બ્લડ સેમ્પલ લઈ તેની સારવાર શરૂ કરાઈ છે. 

અમદાવાદ સિવિલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. કોરોના વાઇરસના દરદીને સારવાર આપવા તમામ વ્યવસ્થાઓ સાથે વિશેષ વોર્ડ તૈયાર કરાયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ, કોરાના વાઇરસને લઈ બધી જ કામગીરી કરવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઇરસના રિપોર્ટ માટે લેબ પણ તૈયાર કરાઈ છે. 

કોરોના વાઇરસ પર નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં કોરોના વાઇરસનો એક પણ કેસ હજુ સુધી નોંધાયો નથી. કેન્દ્રીય આરોગ્ય સચિવ દ્વારા દેશનાં તમામ રાજ્યોના આરોગ્ય કમિશનર અને સચિવ સાથે વિડિયો કોન્ફરન્સ કરીને ગાઇડલાઇન આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે આપેલી ગાઇડલાઇનના આધારે રાજ્ય સરકાર પગલાં ભરી રહી છે. અમદાવાદ સહિત રાજ્યની સિવિલ હોસ્પિટલોમાં જરૂરી સુવિધા ઊભી કરવામાં આવી રહી છે. ગુજરાત કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર હોવાનો દાવો પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરવામાં આવ્યો છે તેમજ તેમણે કહ્યું હતું કે અમદાવાદ એરપોર્ટ સહિત તમામ જગ્યાએ સ્કેનિંગ માટેની સુવિધા ઊભી કરવાનો પ્રયત્ન ચાલુ છે.

કોરોના વાઇરસ પર આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ કહ્યું હતું કે ગુજરાતમાં ૨૫ સેમ્પલ લેવામાં આવ્યાં છે, આ તમામ નેગેટિવ છે તેમજ અમદાવાદ એરપોર્ટ પરથી હવે રાજ્યનાં તમામ એરપોર્ટ પર સ્કેનિંગ ચાલુ કરવામાં આવ્યું છે. બહારથી આવતા તમામ લોકોના સ્કેનિંગ કરવામાં આવશે અને તમામને વિનંતી કરવામાં આવી છે. બહારથી આવતા તમામ લોકોએ ડિકલેરેશન ફોર્મ ભરવું પડશે. તમામ મેડિકલ કોલેજમાં આઇસોલેશન વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે. ભવિષ્યમાં કોઈપણ પોઝિટિવ કેસ હશે તો એને જોઈ હોસ્પિટલમાં રાખવામાં આવશે, જેનાથી કોઈને ઇન્ફેક્શન ન લાગે. કેરળમાં ત્રણ કેસ થયા હતા, ત્યારે જાતે ડિકલેરેશન કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે મેડિકલ ઓફિસર આરોગ્ય વિભાગનો તંત્ર અને કંટ્રોલ રૂમમાં સંપર્ક કરે. ફીવર માટેની ૧૦૪ હેલ્પલાઇન છે, પણ એના પર પણ હવે કોરાના વાઇરસની જાણકારી મેળવી શકાશે. કોઈપણ પ્રકારનાં એવાં ચિહ્નો દેખાય તો આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવે. કોઈપણ વ્યક્તિ જાણ કરશે તો મેડિકલ ટીમ તેના ઘર સુધી પહોંચી જશે. 

કેન્દ્ર સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે કે દરેકે હાથ વારંવાર ધોવામાં આવે, હાથ ને આંખો મોઢા પરના સ્પર્શથી બચવું. લોકોએ હાથ મિલાવવાની જગ્યાએ નમસ્તે અભિવાદન કરવાની પણ અપીલ કરી છે. આગામી દિવસોમાં ઘણા બધા મેળા આવી રહ્યા છે, ત્યારે આ પ્રકારનાં ચિહ્નો ધરાવનારા લોકો ક્યાંય ન જાય એવી અપીલ કરવામાં આવી છે. ચીન સહિત ૨૧ દેશોમાંથી આવેલા તમામ લોકોનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. આપણા દેશમાં કોઈ કેસ વધવા ના જોઈએ એ માટેનાં પગલાં કેન્દ્ર સરકાર લઈ રહી છે. 

૫ જાન્યુઆરીથી જે લોકો ભારતમાં આવ્યા તેમનું સ્કેનિંગ કરવામાં આવ્યું છે. ૧૫૮૨ લોકો વિદેશથી આવ્યા છે, તમામનું સ્કેનિંગ કરવામાં આવ્યું છે. કોઈએ દવાના સંદર્ભે ગભરાવાની જરૂર નથી. ગુજરાત પાસે તમામ દવાઓ ઉપલબ્ધ છે અને વિનામૂલ્યે એ ઉપલબ્ધ કરાવાશે. ઈરાનથી ૮૪ લોકો આવ્યા છે એ તમામનું સ્કેનિંગ થયું છે. જાહેરમાં ભેગા થવા પર કોઈ બેન્ડ મુકાયો નથી. જોકે કોઈને પણ શરદી-તાવ જેવાં ચિહનો દેખાય તો તેઓ જાહેરમાં ન જાય એવી અપીલ કરાઈ છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here