ગુજરાતમાં કર્ફ્યુ દરમ્યાન રાજ્ય સરકાર સંચાલિત એસ.ટી. બસો નહીં પ્રવેશે 

 

અમદાવાદઃ રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે ૧૭ માર્ચ ૨૦૨૧થી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે ૧૦થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કર્ફ્યૂની આ વ્યવસ્થા ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી અમલમાં રહેશે. જેને પગલે એસટી નિગમ દ્વારા રાત્રિ કર્ફ્યૂ દરમિયાન ચારેય શહેરોમાં રાતના ૧૦ વાગ્યા બાદ એસટીની એકપણ બસને શહેરની અંદર પ્રવેશ નહીં કરાવવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત રાતના ૯ વાગ્યા બાદ એકેય બસ શહેરની અંદરથી ઉપડશે નહીં. છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૮૯૦ કેસ નોંધાયા છે, તો સુરતમાં ૨૬૨, અમદાવાદમાં ૨૦૯, રાજકોટમાં ૯૫ અને વડોદરામાં ૯૩ નવા કેસ નોંધાયા છે. 

આ વચ્ચે અમદાવાદના ૮ વોર્ડમાં રાત્રે ૧૦ વાગ્યા બાદ બધું બંધ કરવાની મંગળવારે જાહેરાત કરાઈ હતી. ત્યારે હવે કોરોના સંક્રમણને જોતાં ગુજરાતના ચાર મહાનગરોમાં કર્ફ્યૂનો સમય વધારી દેવાયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી કોર કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર જો કોરોના કેસ સતત વધશે તો સરકાર હજી આકરા નિર્ણયો લઈ શકે છે. 

ગત જૂન-જુલાઇ, ૨૦૨૦ જેવી પરિસ્થિતિ ઉદ્ભવશે તો સરકાર ઉપરોક્ત સમયગાળામાં પણ વધારો કરી શકે છે. અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન પ્રચાર પ્રસારના તાયફામાં તમામ રાજકીય પક્ષો ભાન ભૂલ્યા હતા. નેતાઓ અને કાર્યકરોના બિનજવાબદારીભર્યા વર્તન સામે અધિકારીઓ દ્વારા આંખે પાટા બાંધીને ધુતરાષ્ટ્ર જેવો રોલ ભજવવામાં આવ્યો હતો. ચૂંટણી પત્યા બાદ પણ રાજકીય પક્ષોના તાયફા સમાપ્ત થયા ન હતા. રાજકીય પક્ષોએ ડીજેના તાલે ઉજવણી કરી અને વિજય સરઘસો કાઢ્યા હતા. ગુજરાતમાં નવી પ્રવેશેલી આપ પાર્ટીના વડા કેજરીવાલ સહિત ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી. આર. પાટિલે કોરોના ગાઇડલાઇનનો સંપૂર્ણપણે ભંગ કરીને સુરતમાં મોટા સરઘસો કાઢ્યા હતા. એવું અનુમાન મૂકી શકાય છે કે, રાજકીય પક્ષોએ જ કોરોનાનો પાયો ગુજરાતમાં ફરી નાખવાની શરૂઆત કરી દીધી હતી. 

આ ઉપરાંત તાજેતરમાં દાંડીયાત્રા અને ક્રિકેટના ઉન્માદથી કોરોના રિટર્ન્સ થયો છે. આમ, રાજકીય પક્ષોના નેતાઓના ભોગે આમ આદમીને ભોગવવાનો વારો આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોરોના વેક્સિન બાદ પોઝિટિવ થવાનો એકાદ કેસ આવ્યો છે. કેન્દ્ર સરકારે ૧૪.૫૦ લાખ વધુ ડોઝ મોકલ્યા છે. પૂરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે. વેક્સિન આપવા અંગે કોઇ અવ્યવસ્થા નથી. અગાઉ કોરોના વાઇરસના કેસ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મોટો નિર્ણય કર્યો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં યુકે સ્ટ્રેન અને આફ્રિકા સ્ટ્રેનના કેસ મળી આવ્યા છે. કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે ગંભીર બનતી જઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here