ગુજરાતમાં આભમાંથી અગનવર્ષાઃ મોસમની સૌથી વધુ 45.7 ડિગ્રી સુરેન્દ્રનગરમાં

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં મે માસના અંતિમ અઠવાડિયામાં કાળઝાળ ગરમી પડી રહી છે. આભમાંથી અગનવર્ષાના કારણે નાગરિકો આકુળવ્યાકુળ છે. પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશામાં વહેતા સૂકા અને ગરમ પવનોના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીમાં વધારો થયો છે. અમદાવાદ સહિત ગુજરાતનાં એક ડઝનથી વધુ શહેરોમાં લૂ અને ગરમ પવનના કારણે તાપમાન 44-45 ડિગ્રી છે.
મોસમની સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં 45.7, ડીસામાં 45.2, અમદાવાદમાં 44.6, ઈડરમાં 44.6, કંડલા એરપોર્ટમાં 44.6, ગાંધીનગરમાં 44.5, રાજકોટમાં 44.4, ભૂજમાં 44.2, અમરેલીમાં 44, વડોદરામાં 42.4, મહુવામાં 42.2, ભાવનગરમાં 41.9, નલિયામાં 41 ડિગ્રી ગરમી નોંધાઈ છે. અમદાવાદમાં મોસમની સૌથી વધુ ગરમી 44.6 ડિગ્રી બુધવારે નોંધાઈ હતી. આ અગાઉ 17મી મેએ 44.6 ડિગ્રી અમદાવાદમાં નોંધાઈ હતી.
અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન આ સીઝનમાં સૌપ્રથમ વાર અનુક્રમે 44.6 અને 44.5 ડિગ્રી થતાં નાગરિકો પરેશાન થઈ ગયા હતા. સુરેન્દ્રનગરમાં ગરમીથી બે વ્યક્તિનાં મોત થયાં હતાં. મ્યુનિસિપલ કોર્પોરેશને ઓરેન્જ એલર્ટ જારી કરી નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે.
બીજી બાજુ સમગ્ર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં બુધવારે વહેલી સવારે એકાએક પલટો આવ્યો હતો. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશની બોર્ડર પર અપર એર સરક્યુલેશન સર્જાતાં વાપી, વલસાડ, ધરમપુર, સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. આકરી ગરમી વચ્ચે વરસાદનાં ઝાપટાં પડતાં ઠંડો પવન ફૂંકાયો હતો અને લોકોને આંશિક રાહત મળી હતી. ગયા અઠવાડિયે ‘સાગર’ વાવાઝોડાની સંભવિત અસરના પગલે સૌરાષ્ટ્રના દરિયાકિનારાના નાગરિકોને એલર્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ ‘સાગર’ તો યમન જતું રહ્યું હતું, એ પછી હવે ‘મેકુનુ’ નામના વાવાઝોડાની આગાહીથી સૌરાષ્ટ્રનાં બંદરો પર ફરી ચેતવણીસૂચક સિગ્નલો લગાવવામાં આવ્યાં છે. અરબી સમુદ્રમાં નૈઋ઱્ત્ય દિશામાં ડીપ ડિપ્રેશનથી આ વાવાઝોડું સક્રિય થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here