ગુજરાતના રાજકારણના ભીષ્મ પિતામહ અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન

 

ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું લાંબી માંદગી બાદ દુઃખદ અવસાન થયુ છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતા સવારે ૧૦ વાગ્યે અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં ૯૩ વર્ષીય દિગ્ગજ નેતાનુ નિધન થયું છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના દુઃખદ અવસાનથી ગાંધીનગરસ્થિત તેમના નિવાસસ્થાને શોકની લાગણી ફેલાઈ છે. તેમની સાથે વર્ષોથી કામ કરતા કર્મચારીઓ ઘેરા શોકમાં આવ્યા છે. કેશુભાઈ પટેલ ગાંધીનગર સેકટર ૧૯માં  ક-૨૦૩માં રહેતા હતા. સોમનાથ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી તરીકે તેમને આ મકાનની ફાળવણી કરવામાં આવી હતી.

કેશુભાઈ પટેલ ગુજરાત ભાજપના સંસ્થાપકમાંના દિગ્ગજ નેતાઓમાંથી એક હતા. દેશભરના નેતાઓએ આ દિગ્ગજ નેતાને શ્રદ્ધાંજલિ આપી છે. ગુજરાતે કદાવર નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ગુમાવ્યા છે. કેશુભાઈની મોભી તરીકેની છાપ હતી, તેથી લોકોમાં તેઓ કેશુબાપાના હુલામણા નામે ઓળખાતા હતા. 

ગુજરાતના રાજકારણના ભીષ્મ પિતામહ કહેવાતા કેશુભાઈ પટેલના નિધનથી ગુજરાતમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. તો સાથે જ એક શૂન્યવકાશ પણ સર્જાયો છે. જનસંધથી લઈને ભાજપના મૂળિયા રાજકારણમાં ઊંડા ઉતારવામાં કેશુબાપાનો મોટો ફાળો છે. ભાજપના લાખો કાર્યકર્તાઓનો હાથ પકડીને તેઓએ રાજનીતિમાં ચાલતા શીખવાડ્યું હતું. ગુજરાતે એક અઠવાડિયાના ગાળામાં ત્રણ દિગ્ગજ મહાનુભાવોને ગુમાવ્યા છે. મહેશ અને નરેશ કનોડિયા જેવા દિગ્ગજ કલાકારો બાદ કેશુભાઈ પટેલનું નિધન ગુજરાત માટે મોટી ખોટ સાબિત થઈ છે. કેશુભાઈને રાજકીય કારકિર્દીને વેગ આપવામાં બે ઘટનાઓ બહુ જ મહત્ત્વની ગણાય છે.  

કેશુભાઈ વિસાવદરમાં જન્મ્યા હતા, પરંતુ તેમની કર્મભૂમિ રાજકોટ રહી હતી. પરિવારમાં ખેતીની આવક બહુ જ નબળી હતી. તેથી તેઓએ મોરબીમાં લોટ દળવાની ઘંટી શરૂ કરી હતી. મોરબીમાં મચ્છુ ડેમ બંધાતો હતો, ત્યારે લોટ દળવાની ઘંટી નાંખીને તેઓએ તેમાંથી થોડી આવક રળી લીધી હતી. તેના બાદ તેઓ આરએસએસમાં જોડાયા હતા. સંઘના સ્વંયસેવક તરીકે ગામે ગામે સાઈકલ લઈને ફરતા હતા. પ્રચાર કરવામાં તેઓએ કોઈ કચાશ બાકી ન રાખી. 

પરંતુ ૧૯૬૦ના દાયકામાં બનેલી એક ઘટના તેમને રાજકીય સ્તરે અમદાવાદ સુધી લઈ જવામાં મોટુ કારણ બની હતી. રાજકોટમાં એક સમયે લાલિયો નામના ગુંડાની ધાક હતી. આ ગુંડો લોકોને પરેશાન કરતો હતો અને તેમની પાસેથી હપ્તો ઉઘરાવતો હતો. ત્યારે કેશુભાઈએ ભર બજારમાં તેને માર માર્યો હતો. ત્યાંથી તેમનો નેતા તરીકેનો સિક્કો પડી ગયો હતો. 

કેશુભાઈ જનસંઘથી પક્ષ સાથે સંકળાયેલા હતા. સૌરાષ્ટ્રના નેતા તરીકેની છાપ લાલિયાની ઘટના બાદ ઉભરી હતી. ત્યાર બાદ રાજકોટમાં આ દરમિયાન તેઓએ દૂધની ડેરી શરૂ કરી હતી. પછી ૧૯૮૦થી ભાજપના ટોચના નેતા તરીકે રાજ્ય સ્તરે ગણતરી થવા લાગી. 

અમદાવાદમાં એક સમયે ડોન લતિફ નામના ગુંડાની ધાક હતી. ત્યારે અમદાવાદના દરિયાપુર, પોપટીયા વાર્ડ, જોર્ડન રોડ વગેરે વિસ્તારોમાં હિન્દુઓ તો ઠીક, પોલીસ પણ જઈ શક્તી ન હતી, ત્યાં  લતિફની દાદાગીરી સામે કેશુભાઈએ અવાજ ઉઠાવ્યો, એટલું જ નહિ, લતીફના ગઢ સમાન પોપટીયા વાર્ડમાં લોકદરબારનો જાહેર કાર્યક્રમ યોજ્યો હતો. તેનાથી નીડર અને હિમંતવાન નેતા તરીકેને છબી રાજ્યસ્તરે ઉભરી આવી. એ પછી સ્થાનિક ચૂંટણીઓમાં તેઓએ લતિફને મુદ્દો બનાવ્યો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કબજો કરીને ઈતિહાસ સર્જ્યો હતો. એ જ સફળતા આજના ભાજપની મજબૂતી માટે કારણભૂત ગણાય છે. 

તેમના પરિવારજનો અને હિતેચ્છુઓ પ્રતિ મારી સંવેદના. તેમના દીકરા ભરતભાઈ સાથે વાત કરી અને દિલસોજી વ્યક્ત કરી. ઓમ શાંતિ. મારા જેવા અનેક કાર્યકર્તાઓનું કેશુભાઈએ  માર્ગદર્શન કરી ઘડતર કર્યું. તેમના મિલનસાર સ્વભાવને કારણે ખુબ લોકપ્રિય હતા. તેમની વિદાયથી ભારે ખોટ પડી છે. એમના અવસાનથી આપણે સૌ ભારે ગ્લાની અનુભવીએ છીએ. કેશુભાઇએ જનસંઘ અને ભાજપને મજબૂત કરવા ગુજરાતના ખૂણે ખૂણાનો પ્રવાસ કર્યો. તેમણે કટોકટીનો પુરી હિંમત અને મક્કમતાથી પ્રતિકાર કર્યો. ખેડૂતોનું હિત તેમના હૈયે વસેલું હતું. તેઓ ધારાસભ્ય, સાંસદ, મંત્રી કે મુખ્યમંત્રી, કોઈ પણ પદ પર હોય, હંમેશા ધ્યાન રાખ્યું કે ખેડૂતલક્ષી નિર્ણય થાય.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના અવસાનના દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા. એમનું લાબું સાર્વજનિક જીવન ગુજરાતની જનતાની સેવામાં સમર્પિત રહ્યું. કેશુભાઈના અવસાનથી ગુજરાતની રાજનીતિમાં એક ખાલીપો ઉભો થયો છે જેને ભરવો સરળ નથી. એમના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ભાજપાના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના નિધન પર શોક વ્યક્ત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે આદરણીયશ્રી કેશુભાઇ પટેલના પરિવારજનો સાથે ફોન પર વાત કરી સાંત્વના પાઠવી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેશુભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી તેઓએ કેશુભાઈ પટેલને ગુજરાતમાં જનસંઘથી લઇને  ભાજપા સુધી વટ વૃક્ષ ઉભુ કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ પ્રદાન કરનારા સમર્પિત નેતૃત્વ કર્તા ગણાવ્યા હતા. તેઓએ કહ્યું કે, કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું હતું એટલું જ નહિ ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યોથી ભાજપાને અપ્રતિમ લોકચાહના અપાવી છે. કેશુભાઈના અવસાનથી  આપણને સૌને મોટી ખોટ પડી છે અને આ ખોટ આપણને સદાય સાલશે. સદગત કેશુભાઈના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ સૌ વતી કરી છે.

ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, ભાજપાના વરિષ્ઠ આગેવાન  અને અમારા મોભી એવા પૂર્વમુખ્યમંત્રી કેશુભાઇ પટેલના નિધનના સમાચારથી હું અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. તેમનું આખું જીવન રાષ્ટ્રસેવા અને જનસેવાના કાર્યો માટે સમર્પિત કર્યું હતું. ગુજરાતના વિકાસમાં તેમનું યોગદાન સદાય યાદ રહેશે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેમજ તેમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે.

તેમની સાથે ખભે ખભો મિલાવીને કામ કરનાર શંકરસિંહ વાઘેલાએ શોક વ્યક્ત કરતા કહ્યું કે, ૫૨ વર્ષના અમારા સંબંધો હતા. રાજકોટના સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલ અમારા કેશુભાઈ, ધરતી સાથે જોડાયેલા, તેમની આગેવાનીમાં મેં મારી રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. આજે અમારા લાગણીબંધ સંબંધો તૂટ્યા છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. 

શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, એક અંગત રીતે મારા શુભચિંતક, વડીલ, આશીર્વાદ આપી શકે તેવા સ્થાન પરના વ્યક્તિ ગુમાવ્યા છે. ગુજરાતે ક્યારે ન પૂરી શકાય તેવી મોટી ખોટ સાથે એક અભૂતપૂર્વ ભણતર, ગણતર અને જ્ઞાન સહિતનું વ્યક્તિત્વ ગુમાવેલ છે. હું મારા વતી અને મારા પક્ષવતી સ્વ. કેશુભાઈ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરું છું અને તેમના પરિવારજનોને એક આદરણીય વ્યક્તિ ગુમાવ્યાથી આવી પડેલ દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ અર્પે તેવી પ્રાર્થના. 

ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું કે ગુજરાતના પૂર્વ ઘ્પ્,જનસંઘ-ભાજપનાં મોભી, સોમનાથ ટ્રસ્ટનાં પ્રમુખ કેશુભાઈ પટેલનાં અવસાનથી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. ભગવાન તેમનાં આત્માને શાંતિ આપે અને પરીવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.