ગુજરાતનાં આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિની એરોવિલ ફાઉન્ડેશન તામિલનાડુમાં બદલી

 

અમદાવાદઃ ગુજરાતનાં આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિની તાત્કાલિક અસરથી એરોવિલ ફાઉન્ડેશન તામિલનાડુનાં સચિવ તરીકે ત્રણ વર્ષ માટે બદલી કરવાના આદેશો થયા હતા. કોરોનાના કાળમાં ગુજરાતનાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ તરીકેની જવાબદારી નિભાવનારાં જયંતી રવિ અનેક વિવાદોમાં રહ્યાં હતાં. રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાંની સાથે જ એકાએક તેમની બદલી થતાં સચિવાલય અને ઉચ્ચ અધિકારીઓમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

ગુજરાતમાં કોરોના શરૂ થતાંની સાથે જ આરોગ્ય અગ્ર સચિવ તરીકે જયંતી રવિના માથે મોટી જવાબદારી આવી પડી હતી. રાજ્યમાં કોરોનાના કેસોની સાથે હોસ્પિટલ, બેડ, સારવાર, ટ્રેસિંગના મામલે ગુજરાતનું આરોગ્યતંત્ર નિષ્ફળ ગયું હોવાની બુમરાણ મચી ગઇ હતી. જ્યારે બીજી લહેર દરમિયાન ઓક્સિજન અને ઈન્જેક્શનની અછતની સાથે હોસ્પિટલોમાં બેડ પણ ખૂટી પડતાં રાજ્યમાં મેડિકલ ઈમર્જન્સી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

રાજ્યનાં આરોગ્ય અગ્ર સચિવ તરીકે સૌથી પહેલી જવાબદારી જયંતી રવિના માથે હોવાથી બીજી લહેરની મેડિકલ ઈમર્જન્સીમાં સરકારના તમામ વિભાગો અને રાજકીય આગેવાનોએ તેમના માથે માછલાં ધોયાં હતાં. પરિણામે, છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસોને કાબૂમાં લાવવા માટે જયંતી રવિ દ્વારા આપવામાં આવતી સલાહ અને સૂચનોને કેટલાક ચોક્કસ અધિકારીઓ અવગણીને સરકાર સાથે બેસી તેમની ઉપરવટ જઈને નિર્ણયો લેતાં હોવાની ફરિયાદોને કારણે તેઓ નારાજ હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here