ખેડૂત આંદોલનને વધુ વ્યાપક અને મજબૂત બનાવવા હવે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ

 

નવી દિલ્હીઃ ખેડૂતો કૃષિ કાયદાને લઈને જે આંદોલન કરી રહ્યા છે તેનો આજે ૨૨મો દિવસ છે અને હજી પણ ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ શક્ય બન્યુ નથી. ખેડૂતોએ જણાવી દીધું છે કે જ્યાં સુધી તેમની માંગ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ સરહદ પર અડગ રહેશે. બુધવારના રોજ ખેડૂતોએ સિંઘુ બોર્ડર પર પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે તેમણે ડિજિટલ પ્લેટફોર્મ પર આ લડત ચલાવવાનો નિર્ણય કર્યો છે જે ગુરુવારથી શરૂ થશે. ખેડૂતોએ જણાવ્યું કે, જે દિવસથી આંદોલન શરૂ થયું છે તે દિવસથી તેમની પાસે કોઈ ડિજિટલ પ્લેટફોર્મ નથી. ગુરુવારથી તેઓ પ્લેટફોર્મ શરૂ કરશે તેનું નામ કિસાન એકતા મોરચા અને હેશટેગ ડિજિટલ કિસાન એવુ રહેશે એમ જણાવ્યું હતું.

ખેડૂત નેતાઓએ કહ્યું કે અમે શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા છે અને અમે એક અઠવાડિયામાં ૧ કરોડ લોકોને આ આંદોલનમાં જોડીશું. અમે હવે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીશું. લાઈવ કવરેજ પેજ પર આપીશું જેથી માત્ર સરકારને એવું ન લાગે કે આંદોલન માત્ર સિંધુ અને ટિકરી બોર્ડર પર ચાલી રહ્યું છે. આ આંદોલન તમામ જગ્યા પર ચાલી રહ્યું છે. તો બીજી તરફ ખેડૂત આંદોલનને લઈને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે જ્યાં ૧૬ ડિસેમ્બરે જુદી જુદી યાચિકાઓ પર કોર્ટે સુનાવણી કરી હતી. એમાંથી એક અરજી પ્રમાણે કોરોનાકાળમાં ખેડૂતોની ભીડનાં કારણે આવાગમનમાં મુશ્કેલીઓ નડી રહી છે. રસ્તાઓને બ્લોક કરવાથી લાખો લોકો પરેશાન થઈ રહ્યા છે. જે મામલે કોર્ટે એક કમિટી બનાવવાની વાત કરી હતી. જેમાં કોર્ટે સરકાર, આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે દેશભરનાં ખેડૂત સંગઠનોનાં પ્રતિનિધિઓને પણ સામેલ કરવાની વાત કરી હતી.

ગુરુવારે ફરી ૧૨ વાગ્યે કોર્ટમાં સુનાવણી થનાર છે જેમાં ખેડૂતોને રસ્તાઓ પરથી હટાવીને બીજે ખસેડવાની માંગ છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે ક્હ્યું છે કે દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા આંદોલન માત્ર એક રાજ્ય સુધી જ સીમિત છે અને પંજાબનાં ખેડૂતોને વિપક્ષ ભ્રમિત કરી રહી છે. જો કે તેમને આશા છે કે આ મડાગાંઠનો ઉકેલ વહેલી તકે આવશે. બુધવારે દિલ્હીમાં સિંઘુ બોર્ડર પાસે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનાં સમર્થનમાં એક શીખ સંતે આપઘાત કર્યો હતો. આ માહિતી પોલીસે આપી હતી. આ મામલે કોર્ટે ૮ કૃષિ સંગઠનોની પાર્ટી બનાવી છે જેમાં ભારતીય કિસાન યુનિયન (ટિકૈત), બીકેયુ સિધુપુર, બીકેયુ રાજેવાલ, બિકેયુ લાખોવાલ, જમ્હૂરી કિસાન સભા, બીકેયુ દકૌંડા, બીકેયુ દોઆબા, સામેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here