ક્લાઇમેટ ન્યુટ્રાલિટી હાંસલ કરવા G-૨૦ દેશો પ્રતિબદ્ધ

 

રોમઃ વિશ્વના ટોચના અર્થતંત્રોના નેતાઓએ રવિવારે સદીના મધ્ય ભાગ સુધીમાં કાર્બન ન્યુટ્રાલિટી (કાર્બન પેદા કરવા અને વાતાવરણમાંથી તેને શોષિત કરવા વચ્ચે તુલા જાળવવા) હાંસલ કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ સાથે બે દિવસની શિખર મંત્રણાની પૂર્ણાહૂતિ થઈ હતી. અગ્રણી દેશોએ આ બેઠકમાં સંયુક્ત રાષ્ટ્રની સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતેની હવામાન અંગેની કોન્ફરન્સ માટેનો પાયો તૈયાર કર્યો હતો. વિકાસશીલ દેશોએ કોરોનાની રસીનું ઉત્પાદન વધારવાની હાકલની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત જી-૨૦ના નેતાઓએ સંમતિ દર્શાવી હતી કે કોરોના રસીના ઇમર્જન્સી યુઝ ઓથોરાઇઝેશન માટેની ફાસ્ટ ટ્રેક પ્રક્રિયા હાથ ધરવા માટે ડબ્લ્યુએચઓને મજબૂત બનાવાશે.    

સત્તાવાર યાદી અનુસાર જી-૨૦ દેશના નેતાઓ વિદેશમાં કોલસા આધારિત વીજ ઉત્પાદન માટે વિદેશી પબ્લિક ફાઇનાન્સિંગ બંધ કરવા પણ સંમત થયા હતા, પણ સ્થાનિક સ્તરે કોલસાનો વપરાશ બંધ કરવા કોઈ સમયમર્યાદા નિર્ધારિત કરવામાં આવી ન હતી. ભારત, ચીન સહિતના કાર્બન ઓકતાં ટોચના દેશો માટે આ રાહતના સમાચાર છે. જોકે, બ્રિટનને આ નિર્ણયથી ફટકો પડ્યો છે. કારણ કે તે ગ્લાસગોની બેઠક પહેલાં વધુ નક્કર પ્રતિબદ્ધતાની આશા રાખતું હતું.

વિશ્વભરના ગ્રીનહાઉસ ગેસ પ્રદૂષણમાં જી-૨૦ દેશનો હિસ્સો ૭૫ ટકાથી પણ વધુ છે. ઇટલી આવા પ્રદૂષણને ઘટાડવા નક્કર લક્ષ્યાંકની આશા રાખે છે અને સતત વધી રહેલા તાપમાનની અસર સામે ગરીબ દેશોની મદદ કરવાની યોજના ધરાવે છે. આવા દેશો વગર ગ્લાસગોમાં રવિવારથી સત્તાવાર રીતે શરૂ થયેલી વાર્ષિક બેઠક અસરકારક નહીં રહે.

ઇટલીના પ્રીમિયર મારિયો ડ્રાગીએ જણાવ્યું હતું કે, રવિવારે આખરી કાર્યકારી સત્રમાં નેતાઓએ લાંબા ગાળાના લક્ષ્યાંક નિર્ધારિત કરવાના હતા અને તેમને હાંસલ કરવા આ લક્ષ્યાકોમાં ટૂંકા ગાળાના ફેરફાર કરવા પણ જરૂરી હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણે કોલસાનો વપરાશ બંધ કરવાની દિશામાં ઝડપથી કામ કરવું જોઇએ અને રિન્યૂએબલ એનજીમાં વધુ રોકાણ કરવું જરૂરી છે. આપણે ઉપલબ્ધ સ્રોતનો સમજદારીપૂર્વક ઉપયોગ નિશ્ચિત કરવો પડશે. એનો અર્થ એ થયો કે, આપણે આ નવી દુનિયામાં ટેક્નોલોજી અને જીવનશૈલીના ફેરફાર અપનાવતા શીખવું પડશે. સત્તાવાર યાદી અનુસાર જી-૨૦ દ્વારા સમૃદ્ધ દેશોએ ક્લાઇમેટ ચેન્જની અસરોને પહોંચી વળવા ગરીબ દેશોને વાર્ષિક ૧૦૦ અબજ ડોલરની મદદ પૂરી પાડવાની કટિબદ્ધતા દોહરાવી હતી.

જી-૨૦ દેશોમાં કાર્બન ન્યુટ્રાલિટી અથવા નેટ ઝીરો એમિશન હાંસલ કરવાની સમયમર્યાદા નિર્ધારિત કરવા અંગે મડાગાંઠ ઊભી થઈ હતી. શિખર મંત્રણા પહેલાં ઇટલીએ નેટ ઝીરો એમિશન હાંસલ કરવા કોઈ ચોક્કસ વર્ષનો લક્ષ્યાંક આપવાને બદલે સદીના મધ્ય ભાગ સુધી ટાર્ગેટ મેળવવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આખરી નિવેદન અનુસાર જી-૨૦ના નેતાઓએ સદીના મધ્ય ભાગ સુધીમાં કાર્બન ન્યુટ્રાલિટી હાંસલ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here