કોરોના વધુ વિકરાળ બન્યો : નવાં ૧૪,૧૨૦ કેસ ૧૭૪નાં મૃત્યુઃ અમદાવાદમાં સૌથી વધુ

 

અમદાવાદઃ કોરોના અંગે સરકાર ભલે વિવિધ અસરકારક પ્રયત્નોનો દાવો કરી રહી હોય પરંતુ ગુજરાતમાં કોરોના વધુને વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ગત ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૪, ૧૨૦ કેસ અને ૧૭૪ મૃત્યુ નોંધાયા છે. સૌથી વધુ અમદાવાદમાં ૫,૭૪૦ કેસ અને સુરતમાં ૨૨૯૬ કેસ નોંધાયા છે. ૨૭મીએ ગુજરાતમાં ૧૪,૩૫૨ કેસ નોંધાયા હતા અને ૨૮મીએ ૧૪,૧૨૦ કેસ નોંધાયા છે. જેથી ગઇકાલ કરતાં ૨૩૨ કેસ ઓછાં નોંધાયા છે, પરંતુ મૃત્યુઆંકમાં નોંધાઇ રહેતો ઉત્તરોત્તર વધારો યથાવત છે.

આજે અમદાવાદમાં ૫,૭૪૦, સુરતમાં ૨૨૯૬, વડોદરામાં ૮૫૮, જામનગરમાં ૭૨૧, મહેસાણામાં ૪૯૧, રાજકોટમાં ૪૩૪, ભાવનગરમાં ૩૮૫, સુરેન્દ્રનગરમાં ૨૫૧, ગાંધીનગરમાં ૨૩૪, બનાસકાંઠામાં ૨૩૩, કચ્છમાં ૧૮૩, દાહોદમાં ૧૮૧, પાટણમાં ૧૮૦ અને મહીસાગરમાં ૧૫૫ કેસ નોંધાયા છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં ૧૫૦થી ઓછાં કેસ નોંધાયા છે. કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ મોટાં શહેરો પૂરતું જ મર્યાદિત ન રહેતા નાનાં જિલ્લાઓમાં પણ પ્રસર્યુ છે. જેમાં બનાસકાંઠા, સુરેન્દ્રનગર, દાહોદ, પાટણ અને મહીસાગર જિલ્લાનો સમાવેશ થાય છે. આજે સૌથી વધુ ૨૬ મૃત્યુ અમદાવાદમાં નોંધાયા છે, ત્યારબાદ જામનગરમાં ૨૫, સુરતમાં ૧૯, વડોદરામાં ૧૬ અને રાજકોટમાં ૧૫ કોરર્ના દર્દીના મૃત્યુ થયાં છે. આ દર્દીઓ માત્ર કોરોનાના કારણે જ મૃત્યુ પામ્યા છે. કોમોર્બિડ કોરોના દર્દીઓ એટલે કે કોરોના સાથે જેવી કે હૃદયરોગ, ડાયાબિટિસ, અસ્થમા, કિડની કે અન્ય કોઇ બીમારી હોય અને દર્દીનું મૃત્યુ થાય તો આવાં મૃત્યુ ને સરકાર કોરોનાના કારણે થયેલું મૃત્યુ ગણતી નથી અને તેનો આંકડો પણ જાહેર કરતી નથી. આજના મૃત્યુ બાદ રાજ્યનો કુલ મૃત્યુઆંક ૬,૮૩૦ થયો છે. નવાં ૧૪,૧૨૦ કેસ સામે આજે ૮૫૯૫ દર્દીઓ સાજાં થતાં તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે અને કુલ ડિસ્ચાર્જનો આંક ૩,૯૮,૮૨૪ પર પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યારે ૧,૩૩,૧૯૧ કેસ છે. જેમાંથી ૪૨૧ દર્દીઓ વેન્ટિલેટર પર અને ૧,૩૨,૭૭૦ દર્દીઓ સ્ટેબલ છે. રિકવરી રેટ હવે ઘટીને ૭૪.૦૧ પર પહોંચી ગયો છે. આજે ૧,૩૫,૨૫૬ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here