કોરોના મહામારીના કારણે વિશ્વભરના દેશોના મહત્વના અને અગ્રણી રાજનેતાઓની વિદેશ- મુલાકાત પર અનાયાસ લાગેલો પ્રતિબંધ હવે ટૂંકસમયમાં દૂર થવાના સંકેત….

 

      કોરોના મહામારીને કારણે વર્ષ 2020 તો આખા જગતમાં સૂનકાર, ભય અને સન્નાટાનું વાતાવરણ સર્જાયું હતું. રોગ, – નાઈલાજ રોગ અને ટપોટપ ખરતાં પાંદડાની જેમ માનવોનાં મૃત્યુ થયા હતા. દુનિયાના મોટા ભાગના રાષ્ટ્રોમાં મોતના ઓછાયા ફેલાયા હતા. અનેકાનેક લોકોનાં મોત થયાં હતા. લોકોનું સમગ્ર જીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. લોકડાઉન, ધંધા- રોજગારની પાયમાલી, વાહન- વ્યહવાર પરના પ્રતિબંધો- જાણે માનવજીવન સ્થગિત, ગતિહીન, લકલાગ્રસ્ત બની ગયું હતું. કોરોનાથી બચવાના ઉપાયો શોધાતા હતા. દવાઓનાં સંશોધનો શરૂ થયાં હતા. સેવાભાવી તબીબો અને સ્વાસ્થ્ય- કર્મચારીઓની નિસ્વાર્થ સેવા અને યોગદાનને કારણે જગતના જન જીવનમાં નવી આશાનો , નવી શ્રધ્ધાનો સંચાર થયો હતો. હવે જાન્યુઆરીથી કોરોનાની વેકસીન અસ્તિત્વમાં આવ્યા બાદ , વેકસીન આપવાનું શરૂ કરાયા બાદ અમેરિકા, ઈંગ્લેન્ડ, ભારત સહિતના દુનિયાના દેશોમાં હવે લોક- જીવન ગતિમાન બનતું જાય છે. ચોક્કસ પ્રતિબંધો સાથે વિદેશ- પ્રવાસોની પણ શરૂઆત કરવામાં આવી રહી છે. 

 આથી હવે દેશના અને વિદેશના અગ્રણી – વડા રાજકીય મહાનુભાવોની મુલાકાત- પ્રવાસોનો આરંભ થવાની શક્યતા બલવત્તર બની છે. હાલના માર્ચ મહિનાની 26 તારીખથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાનો આરંભ થઈ રહ્યો છે. 26 માર્ચના મોદી બંગ્લાદેશની મુલાકાતે જઈ રહ્યા છે. દેશનું વિદેશ મંત્રાલય વડાપ્રધાન મોદીની મે, 1 2021માં શરૂ થનારી યુરોપીય સંધની યાત્રાની તૈયારીઓ કરી રહ્યું છે. યુરોપીય સંધની સત્તાવાર યાત્રા બાદ મોદીજી જૂન, 2021માં સાત દેશોના સમૂહની બેઠકમાં ભાગ લેવા માટે બ્રિટનની મુલાકાત લેવાના છે. 

          મોદીના વિદેશ- પ્રવાસની સાથે સાથે બીજી પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.કેટલાક વિદેશી મહાનુભાવોની ભારત મુલાકાત અંગે ગંભીર વાટાઘાટો ચાલી રહી છે. જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગા અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત અંગે જાપાન અને રશિયાના વિદેશ મંત્રાલય સાથે સંપર્ક અને  વાતચીતનો દૌર શરૂ થઈ રહ્યો છે. જાપાન અને રશિયા- બન્ને દેશોના વડાઓ ગત- ડિસેમ્બર- 2020માં ભારતની મુલાકાતે આવવાના હતા, પરંતુ કોરોના મહામારીના પ્રકોપને કારણે આ મુલાકોતો રદ કરવી પડી હતી. આ વરસે બ્રિક્સ સંગઠનની પરિષદની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે. જો કે કોરોનાનો ભય હજી વિશ્વમાંથી સદંતર નષ્ટ થયો નથી. હજી કોરોનાના નવા કેસો આવી રહ્યા છે. આમ છતાં કોરોના વેકસીનની ઉપલબ્ધિ થવાથી જન- જીવનમાં એક પ્રકારની રાહત અનુભવાય છે. આથી જો પરિસ્થિતિ અનુકૂળ રહી તો 2021ના મધ્ય સમયગાળામાં બ્રાઝિલ, રશિયા, દક્ષિણ આફ્રિકા અને ચીનના વડા ભારતની મુલાકાત લે એવી સંભાવના છે. 

      સત્તાવાર માહિતી અનુસાર, ભારતમાં અત્યાર સુધીમાં એક કરોડ, 63 હજાર લોકોને કોરોનાની વેકસીન આપી દેવામાં આવી છે. 

    રાજકીય વર્તુળોમાં જાણકારો એવી ચર્ચા કરી રહ્યા છે કે, કોરોનાને લીધે હવે બે દેશના મહાનુભાવો વચ્ચે અનિવાર્યપણે યોજાતી વર્ચ્યુઅલ બેઠકનું પણ એક રાજનીતિક વ્યૂહ- રચના તરીકે આગવું મહત્વ છે. પરંતુ બે દેશના રાજનેતાઓ વ્યક્તિગત રીતે પરસ્પર મળે તે વધુ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનને ભારતની મુલાકોતે આપવાનું તેમની સાથેની ટેલિફોન- વતચીત દરમિયાન આમંત્રણ આપ્યું હતું. 

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી બાંગ્લાદેશ યાત્રા પહેલાં વિદેશમંત્રી પી. જયશંકર 4 માર્ચના બંગ્લાદેશની મુલાકાતે જઈ રહ્યા છે. તેઓ ઢાકામાં બંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના તેમજ વિદેશપ્રધાનની સાથે ચર્ચા કરશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here