કોરોના ઇફેક્ટઃ શ્રમિક પરિવારોની હિજરત રાજસ્થાન, મધ્યપ્રદેશ જવા પ્રયાણ

 

અમદાવાદઃ કોરોનાની મહામારીના કારણે ૨૧ દિવસના લોકડાઉનના લીધે અમદાવાદમાં બાંધકામ ક્ષેત્રે ખૂબ જ મોટી સંખ્યામાં હજારો શ્રમિકો અટવાઇ પડયા છે. ખાસ કરીને રાજસ્થાન, દાહોદ-ગોધરા તરફના શ્રમિક પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ૧૪ એપ્રિલ સુધી મજૂરી બંધ હોવાથી હવે અમદાવાદમાં પડી રહીને શું કરીશું? તેવું વિચારીને તેઓ સહપરિવાર પગપાળા જ વતન ભણી રવાના થઇ ગયા હોવાના દશ્યો ઓઢવથી ઇન્દોર એક્સપ્રેસ હાઇવે પર સર્જાયા છે. જાહેર પરિવહનના તમામ સાધનો બંધ હોવા છતાં આ પરિવારો આગળથી કોઇ સાધન મળી રહેશે તેવી આશા સાથે નીકળી પડયા છે.

સરદાર પટેલ રિંગ રોડ પર ઓઢવ સર્કલથી ઇન્દોર નેશનલ હાઇવે હાલમાં આવા શ્રમિક પરિવારોના પગપાળા સમુહોથી ઉભરાઇ રહ્યો છે. ઘરવખરી, બાળકો, પત્ની સાથે આ પરિવારોએ તેમના વતન માટેની વાટ પકડી લીધી છે. એસ.ટી., રિક્ષા, ખાનગી વાહનો સહિતની તમામ પરિવહનની સેવાઓ બંધ હોવાથી તેઓ માટે પગપાળા જવા સિવાય કોઇ રસ્તો નથી. આ અંગે આ પરિવારોના જણાવ્યા મુજબ તેઓ લુણાવાડા, ગોધરા, સંતરામપુર તરફ જવા નીકળ્યા છે. લોકડાઉનમાં ૨૧ દિવસ અમદાવાદમાં રોકાઇ રહેવું મુશ્કેલ છે. મજૂરી તો ઠીક પરતું ખાવા-પીવાનું કોણ આપશે. ભૂખ્યા અહીં પડયા રહેવું તેના કરતા વતનમાં જતું રહેવું સારું. જાણવા મળતી માહિતી મુજબ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આવા પરિવારોને વતન જવા માટે ખાસ વિશેષ બસોની વ્યવસ્થા કરી હતી તથા તેમના ભોજનની વ્યવસ્થા,  બસની અંદર પોલીસ સાથે તેમને રાજસ્થાન બોર્ડર સુધી મૂકવાની પણ વ્યવસ્થા કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here