કોરોનાની બાજી વણસી શકે..

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના કેસોમાં ઝડપથી વૃદ્ધિ વચ્ચે કેન્દ્ર સરકારે સોમવારે જણાવ્યું હતું કે હાલમાં સક્રિય કેસોના પાંચથી દસ ટકા મામલાઓમાં જ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી રહી છે. જોકે સરકારે ચેતવણી પણ આપી હતી કે સ્થિતિમાં ઝડપથી બદલાવ પણ થઈ શકે છે. 

કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને પત્ર લખીને સતર્ક રહેવા તથા આરોગ્ય સેવા અપગ્રેડ કરવા જણાવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેર દરમ્યાન એક્ટિવ કેસના ૨૦-૨૩ ટકા દર્દીને હોસ્પિટલની જરૂર પડી હતી તેની તુલનામાં હાલમાં સક્રિય કેસોના ૫-૧૦ ટકાને જ હોસ્પિટલની જરૂરત પડી રહી છે. આમ છતાં સતર્ક રહેવાની જરૂર છે. કોરોના વાઇરસના વધતા કેસો ઉપરાંત મુખ્ય ચિંતાનો વિષય ઓમિક્રોન અને ડેલ્ટાની ઉપસ્થિતિ છે. સરકારે જણાવ્યું હતું કે સ્થિતિને લઈને હાલમાં કશું નક્કર નથી. આવનારા સમયમાં સ્થિતિ બદલી પણ શકે છે. હોસ્પિટલમાં દાખલ થનારાઓની સંખ્યામાં અચાનક વધારો પણ થઈ શકે છે. રાજ્યોને કોવિડ કેર સેન્ટરોમાં બેઝિક કેર અને વ્યવસ્થાપનમાં ટેલિકન્સલ્ટેશન સેવાઓ તથા સ્વયંસેવકોને કૌશલ્ય પ્રદાન કરવા નિવૃત્ત તબીબી વ્યવસાયિકો અથવા એમબીબીએસના વિદ્યાર્થીઓને જોડવા પણ જણાવવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય સુવિધાઓ દ્વારા લેવાઈ રહેલી ફી પણ ઉચિત હોય તે સુનિશ્ચિત કરવા પણ રાજ્યોને જણાવવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here