કોરોનાના વિસ્ફોટને કારણે ૧૫૦ની જ મર્યાદામાં યોજી શકાશે સમારંભ-લગ્નો

 

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના વિસ્ફોટને પગલે સરકાર એક પછી એક નવા નિયંત્રણો જારી કરી રહી છે. ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા જતા કહેરના પગલે રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદામાં રહે તેવો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ ફેરફારો આવતીકાલે એટલે કે તારીખ ૧૨મી જાન્યુઆરી ૨૦૨૨થી અમલમાં આવશે અને તારીખ ૨૨મી જાન્યુઆરી ૨૦૨૨ના સવારે ૬ વાગ્યા સુધી અમલમાં રહેશે. આ અગાઉ સમગ્ર રાજ્યમાં તમામ પ્રકારના સામાજિક, રાજકીય, શેક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો તેમજ લગ્ન સમારંભોમાં મહત્તમ ૪૦૦ વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે તેવો નિર્ણય લેવાયો હતો. 

લગભગ ચાર દિવસના સમયગાળામાં જ સરકારે પલટી મારી દીધી છે. હવે ૧૫મીથી કમૂરતા પૂરા થતાં લગ્નગાળો શરૂ થઇ રહ્યો છે ત્યારે ફરી સરકારે તેની કોરોના સંબંધી માર્ગદર્શિકા બદલી નાખી છે. હવે ૪૦૦ને બદલે સંખ્યા ઘટાડીને ૧૫૦ને મંજૂરી આપવામાં આવશે. એમાં પણ બંધ જગ્યાએ સમારોહ યોજાય તો ૫૦ ટકાની મર્યાદા રહેશે. કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય મુજબ રાજ્યમાં બંધ સ્થળોએ યોજાતા સમારોહમાં જગ્યાનીક્ષમતાના ૫૦ ટકા પરંતુ વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની સંખ્યામાં યોજી શકાશે. રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં ૧૫૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. આવા લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા પરંતુ વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદામાં જ યોજવાના રહેશે. 

લગ્ન પ્રસંગ માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે.રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જારી કરવામાં આવેલી ગૃહ વિભાગની માર્ગદર્શિકાની અન્ય બાબતો આગામી ૨૨ જાન્યુઆરી ૨૦૨૨ના સવારે ૬ સુધી અમલમાં રહેશે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનના કેસોમાં વિસ્ફોટ સર્જાતા રાજ્ય સરકારે આગામી ૧૦થી ૧૨ જાન્યુઆરીના યોજનાને મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી સાથે સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આગામી ૧૫મી જાન્યુઆરી સુધી તમામ સરકારી કાર્યક્રમોને રદ કરવાના આદેશો જારી કર્યા છે. આ સંજોગોમાં રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી ગૃહ વિભાગે ૮ મહાનગરો અમદાવાદ શહેર, સુરત શહેર, રાજકોટ શહેર, ભાવનગર શહેર, જામનગર શહેર, જૂનાગઢ શહેર અને બે અન્ય શહેરો આણંદ તથા નડિયાદમાં રાત્રિના ૧૦થી સવારે ૬ કલાક સુધી રાત્રિ કર્ફ્યુ તેમજ સમગ્ર રાજ્યમાં કેટલાક નિયંત્રણો મૂકવામાં આવ્યા છે.

 

લગ્નસરાની આ સિઝન પણ બગડી, ૪૦ ધંધાઓ પર કોરોનાનું ગ્રહણ

અમદાવાદઃ સરકારની નવી ગાઇડલાઇન પ્રમાણે હવેથી લગ્ન પ્રસંગોમાં ૪૦૦ની જગ્યાએ ફક્ત ૧૫૦ લોકોને બોલાવવાની મર્યાદ નક્કી કરાતા લગ્ન અવસર લઇને બેઠેલા હજારો લોકો ભારે મુંઝવણમાં મુકાઇ ગયા છે, અચાનક આવેલી ગાઇડલાઇનો લગ્નસરાની સિઝનનો આખો માહોલ બદલી નાંખ્યો છે. જેને લઇને વર-કન્યા બંને પક્ષના લોકો અવઢવની સ્થિતિમાં મુકાઇ ગયા છે કે શું કરવું? અત્યાર સુધીના નક્કી કરાયેલા આયોજન પર પાણી ફરી વળતા આનંદનો અવસર ફિક્કો પડી ગયો છે.

કમુરતા બાદ લગ્નસરાની સિઝન ખુલે છે સરકારની નવી ગાઇડલાઇનના કારણે ફરી એક વખત લગ્નસિઝન સાથે સંકળાયેલા વિવિધ ૪૦ જેટલા ધંધાઓની દશા બગાડી દીધી છે. પાર્ટી પ્લોટ, કેટરિંગ, ફોટોગ્રાફી-વીડિયો ગ્રાફી, બ્યુટીપાર્લર , બેન્ડબાજા, ફુલહાર, સંગીત-સંધ્યા, ઇવેન્ટ, કલાકારો, ટ્રાવેલ્સ, હોટલ સહિતના ધંધાઓના ધંધા ઠપ થઇની આરે આવીને ઉભા છે.

એડવાન્સ બુકિંગ કરીને બેઠેલા લોકો માટે ઓર્ડર રદ કરાવવા લોઢાના ચણા ચાવવા જેવું બની ગયું છે. આ અંગે મનોજ પટેલના જણાવ્યા મુજબ તેઓએ દીકરાના લગ્ન માટે પાર્ટીપ્લોટ, કેટરીંગ, હોટલ, બ્યુટીપાર્લર સહિતનાના વિવિધ કાર્યક્રમોના એડવાન્સ આપી દીધું છે. પાર્ટીપ્લોટવાળા રિફંડ આપવા તૈયાર નથી. કેટરિંગવાળા ૪૦૦ વ્યક્તિના પૈસા લેવાનું કહે છે. કંકોત્રી વહેચાઇ ગઇ છે. હવે ૧૫૦ની મર્યાદામાં લોકોને બોલાવવાના છે તો કોને ના પાડવી તે એક પ્રશ્ન ઉભો થયો છે. લગ્નપ્રસંગ લઇને બેઠેલા દરેક પરિવારની આ સમસ્યા છે. સામાજિક સંબંધો બગડી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here