‘કોમેડી કા તડકા’ – હાસ્ય-ભારતીય રાંધણકળાનો બેજોડ સમન્વય

સિનેમામીટ પ્રોડક્શન્સના અમિત શર્મા પોતાના નવા શો કોમેડી કા તડકા દ્વારા ભારતીય-અમેરિકન સમુદાય માટે હાસ્ય અને ભારતીય રાંધણકળાના સમન્વયની રસપ્રદ રેસિપી લઈને આવ્યા છે.
આ શોમાં સ્થાનિક કલાકારો ડિમ્પલ કપૂર, હરવિન્દરપાલ સિંહ, જેસી નાગપાલ, નીલ અગ્રવાલ, મોનિકા અગ્રવાલ અને કીર્તિ જૈનનો સમાવેશ કરાયો છે. મુંબઈના સિનિયર મ્યુઝિક પ્રોડ્યુસર – કમ્પોઝર આશિષ રેમો છે, જેઓ આ લાઇનમાં પચીસ વર્ષનો અનુભવ ધરાવે છે અને આ શોમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપશે. કોમેડી કા તડકા કોમેડી શો છે, જે ભારતીય વ્યંજનો રાંધવાની અજોડ તરકીબો અને ખૂબ મદદરૂપ સુવિધા પૂરી પાડે છે. અજિત શર્માએ આ શોની માહિતી આપતાં જણાવ્યું કે ભવ્ય-સ્વાદિષ્ટ ભારતીય વ્યંજનોને ખૂબ જ સરળતાથી, મનોરંજનરૂપે રજૂ કરવાનો અમારો હેતુ છે. અમે ભારતીય ખોરાકને વૈશ્વિક સ્તરે ઘેર ઘેર, કોમેડી અને વાર્તાકથનના અજોડ સમન્વયથી લઈ જવાનો હેતુ ધરાવીએ છીએ. વિવિધ વાનગીઓ બનાવાની સરળ પદ્ધતિથી ફક્ત યુવાનો અને ઊભરતી નવી પેઢીને જ નહિ, પણ બિનભારતીયોને પણ સ્વાદિષ્ટ ભારતીય વ્યંજનો બનાવવાનું પ્રોત્સાહન મળશે. 10મી સપ્ટેમ્બરે ન્યુ જર્સીના સમરસેટમાં મેરીગોલ્ડ બેન્ક્વેટમાં શોની સ્ક્રીનિંગ ઇવેન્ટ યોજાઈ હતી, જેમાં શોના પ્રોડક્શનના બે માસ પૂર્ણ થવાની ઉજવણી કરાઈ હતી. શર્માએ જણાવ્યું હતું કે આ શોમાં પોતાના ભારતીય મસાલા અને કિચનની વસ્તુઓને પ્રમોટ કરવા માગતી કોઈ પણ ફૂડ બ્રાન્ડસને અમે આવકારીએ છીએ. શર્મા 20 વર્ષથી ટેલિવિઝન અને ફિલ્મ કન્ટેન્ટ પ્રોડક્શનમાં વાયકોમ, સ્ટારપ્લસ, કલર્સ, નેટજિયો, સોની, ઝી, એમેઝોન સાથે સંકળાયેલા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here