કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય શૂટરોનો દબદબોઃ ભારત 12 ગોલ્ડ સાથે ત્રીજા સ્થાને

(ડાબે) કોમનવેલ્થ ગેમ્સમાં બેડમિન્ટન મિક્સ્ડ ટીમ સ્પર્ધામાં ભારતે ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં બેડમિન્ટન મિક્સ્ડ ટીમસ્પર્ધામાં ભારતે પ્રથમ વાર ગોલ્ડ જીત્યો છે. સાઇના નેહવાલ અને કિદામ્બી શ્રીકાંતના શાનદાર પ્રદર્શનથી ભારતે ગોલ્ડ મેળવ્યો છે. (ફોટોસૌજન્યઃ પીટીઆઇ) (વચ્ચે) ભારતીય શૂટર હીના સિદ્ધુએ 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. (ફોટોસૌજન્યઃ પીટીઆઇ) (જમણે) 2018 કોમનવેલ્થ ગેમ્સમાં બુધવારે યોજાયેલી વીમેન્સ ડબલ્સ ટ્રેપ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતતી ભારતીય શ્રેયસી સિંહ ઉજવણી કરી રહી છે.(ફોટોસૌજન્યઃ એએફપી)

ગોલ્ડ કોસ્ટઃ ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2018માં ભારતીય શૂટરોએ દબદબો જાળવી રાખ્યો હતો. ભારતીય શૂટરોએ ડ્રીમ રન જારી રાખતાં બુધવારે વધુ એક ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ભારતની શ્રેયસી સિંહે ડબલ ટ્રેપ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે ઓમ મીઠારવાલ અને અંકુર મિત્તલે અનુક્રમે 50 મીટર પિસ્તોલની અને ડબલ ટ્રેપ શૂટિંગની ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ સાથે ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત 12 ગોલ્ડ, ચાર સિલ્વર અને આઠ બ્રોન્ઝ સાથે 24 મેડલ જીતીને મેડલ ટેબલમાં ત્રીજા સ્થાને છે. મેડલ ટેબલમાં ઓસ્ટ્રેલિયા 57 ગોલ્ડ સહિત કુલ 145 મેડલ સાથે પ્રથમ સ્થાને અને ઇંગ્લેન્ડ 25 ગોલ્ડ સહિત કુલ 76 મેડલ સાથે બીજા સ્થાને છે.
શ્રેયસી સિંહે કહ્યું કે મારી કારકિર્દીનો આ માઈલસ્ટોન મેડલ છે, જે જિંદગીનું સંભારણું બની રહેશે.

મંગળવારે ભારતીય શૂટર હીના સિદ્ધુએ 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ધાર્યું નિશાન પાર પાડતાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે હીના સિદ્ધુ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની એવી સૌપ્રથમ ખેલાડી બની છે જેણે એકથી વધુ મેડલ જીત્યા હોય. તેણે આ અગાઉ 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતની ટોચની શૂટર હીના સિદ્ધુ વ્યવસાયે ડેન્ટિસ્ટ છે. હીના સિદ્ધુનો પતિ અને કોચ રોનક પંડિત પણ ભૂતપૂર્વ ઇન્ટરનેશનલ શૂટર છે. પેરા પાવર લિફ્ટિંગમાં સચીન ચૌધરીને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

સોમવારે ભારતે વધુ ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. અનુભવી શૂટર જિતુ રાયે 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ જીત્યો હતો, જ્યારે મહિલા ટીમ પછી પુરુષ ટીમે પણ ટેબલ ટેનિસમાં ગોલ્ડ જીત્યો હતો. ભારતે ટેબલટેનીસમાં પ્રથમ વાર મહિલા અને પુરુષ બન્ને ટીમસ્પર્ધામાં ગોલ્ડ જીત્યો હતો.

ભારતે બેડમિન્ટન મિકસ્ડ ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો હતો. વેઇટલિફ્ટિંગમાં પ્રદીપસિંહેે સિલ્વર મેડલ જીત્યો હતો. મહિલાઓની 10 મીટર એર રાઇફલની ફાઇનલમાં રસાકસી પછી ભારતની મેહુલી ઘોષે નજીવા અંતરે ગોલ્ડ ગુમાવ્યો હતો અને સિલ્વર મેડલ જીત્યો હતો. અપૂર્વી ચંદેલાને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
ટેબલ ટેનિસમાં સુરતના હરમીત દેસાઈએ ભારતીય પુરુષ ટીમને ગોલ્ડ મેડલ જિતાડવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરતાં સોમવારે નાઇજીરિયાને 3-0થી પરાજય આપ્યો હતો. હરમીત સહિત ભારતીય ટીમને ગોલ્ડ મેડલ મળતાં સુરતમાં હરમીતના પરિવારમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો. હરમીતનાં માતા-પિતા અર્ચના- રાજુલભાઈએ કહ્યું કે હરમીતનું લક્ષ્ય ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here