કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદના અયોધ્યા અંગેના પુસ્તક મુદ્દે રાજકારણ ગરમાયું 

 

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી યુપીમાં પોતાને મજબૂત કરવાના પ્રયાસ કરી રહી છે. હવે પૂર્વ કાયદા મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદના એક પુસ્તકને લઈને વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ખુર્શીદના પુસ્તકને લઈને રાજકીય નિવેદનબાજીનો દોર શરૂ થયો છે. ખુર્શીદે આ પુસ્તક અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને લખ્યું છે. ખુર્શીદે પુસ્તકમાં એક તરફ અયોધ્યા પર કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો છે અને આ મુદ્દાથી આગળ વધવાની સલાહ આપી છે. બીજીતરફ કોંગ્રેસના નેતાએ આ પુસ્તકમાં હિન્દુત્વની તુલના આઈએસઆઈએસ અને બોકો હરામ જેવા આતંકવાદી સંગઠન સાથે કરી છે. આ તુલનાથી વિવાદ જામ્યો છે. બુધવારે મોડી સાંજે પુસ્તકનું વિમોચન કરાયું ત્યારથી અત્યાર સુધીમાં દિલ્હી પોલીસમાં આ મામલે ફરિયાદ પણ દાખલ થઈ ગઈ છે.

વિવેક ગર્ગ નામના વકીલે દિલ્હી પોલીસ કમિશનર સમક્ષ ફરિયાદ કરી છે અને ખુર્શીદ વિરુદ્ધ કેસ દાખલ કરવા અપીલ કરી છે. ખુર્શીદ સામે હિન્દુત્વને બદનામ કરવાનો આરોપ લગાવાયો છે. પુસ્તકમાં સલમાન ખુર્શીદે જણાવ્યું છે કે હિન્દુત્વનો ઉપયોગ રાજકીય લાભ માટે થાય છે, ચૂંટણી પ્રચાર દરમિયાન આનો વધુ ઉલ્લેખ કરવામાં આવે છે. પુસ્તકમાં તેમણે જણાવ્યું કે સનાતન ધર્મ અથવા ક્લાસિકલ હિન્દુઈઝમને કોરાણે મુકીને હિન્દુત્વને પ્રોત્સાહન આપવામાં આવે છે. ખુર્શીદે પોતાના પુસ્તકમાં હિન્દુત્વની તુલના આઈએસઆઈએસ અને બોકો હરામ જેવા આતંકવાદી સંગઠન સાથે કરતા જણાવ્યું કે, સાધુ-સંતોના સનાતન અને પ્રાચીન હિન્દુ ધર્મને અલગ કરી દેવામાં આવે છે જે આઈએસ અને બોકો હરામ જેવા જેહાદી ઈસ્લામી સંગઠનો જેવું છે. પુસ્તકમાં દેશમાં હિન્દુત્વવાદી રાજકારણના પ્રભાવ પર ચર્ચા કરતા સલમાન ખુર્શીદે લખ્યું કે, હું જે પક્ષમાં છું તે કોંગ્રેસ પાર્ટીમાં હંમેશા આ અંગે ચર્ચા કરવામાં આવે છે. કોંગ્રેસમાં એક એવો વર્ગ છે જેમને પસ્તાવો છે કે અમારી પાર્ટીની છબિ લઘુમતિ પાર્ટીની છે. આ વર્ગ અમારા નેતૃત્વની જનોઈધારી ઓળખની તરફેણ કરે છે. આ વર્ગે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવા વકાલત કરી પરંતુ કોર્ટના ચુકાદાના બીજા પહેલુંને નજરઅંદાજ કર્યો જેમાં એવું પણ જણાવાયું છે કે મસ્જિદ માટે પણ જમીન આપવાનો હુકમ કોર્ટે કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here