કોંગ્રેસના દિગ્ગજ નેતા આરપીએન સિંહ ભાજપમાં જોડાયા

 

 

નવી દિલ્હી: પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ નેતાઓ દ્વારા પક્ષ પલટો કરવામાં આવી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં અગાઉ ભાજપના કેટલાક નેતાઓ સપામાં સામેલ થયા હતા. ત્યારે હવે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં સામેલ થવા લાગ્યા છે. આવા જ એક કોંગ્રેસના દિગ્ગજ નેતા આરપીએનસિંહે કોંગ્રેસ છોડી દીધી હતી અને ભાજપમાં સામેલ થઇ ગયા છે.

કોંગ્રેસ છોડ્યા બાદ આરપીએન સિંહે કહ્યું હતું કે કોંગ્રેસને આજે એવા લોકો છોડી રહ્યા છે કે જેઓએ પક્ષની નિ:સ્વાર્થભાવે સેવા કરી છે. જોકે હાલ પરિસ્થિતિ એવી છે કે અનેક લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયા બાદ કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા આરપીએન સિંહના રાજીનામાથી કોંગ્રેસમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે.

પરડૌના રાજઘરાનાના પૂર્વ રાજા અને પૂર્વ કેંદ્રીય મંત્રી આરપીએન સિંહે નવી દિલ્હીમાં ભાજપના હેડક્વાર્ટરમાં કેંદ્રીય મંત્રી ધર્મેંદ્ર પ્રધાનની હાજરીમાં ભાજપનું સભ્યપદ સ્વિકાર્યું હતું. ભાજપમાં સામેલ થયા બાદ તેમણે કહ્યું હતું કે મોદીજી, અમિત શાહજી દરેકનો આભાર વ્યક્ત ક‚ં છું કે મને ભાજપ પરિવારમાં સામેલ કર્યો.

૩૨ વર્ષ સુધી હું કોંગ્રેસ પક્ષમાં રહ્યો છું, ઇમાનદારી અને ધગશથી મહેનત કરી છે. જે પક્ષમાં આટલા વર્ષ રહ્યો તે હવે પહેલા જેવી નથી રહી. આરપીએન સિંહ યુપીએ-૨ સરકારમાં કેંદ્રીય ગૃહ રાજ્યમંત્રી રહી ચુક્યા છે. તેઓને કોંગ્રેસે ઝારખંડના પ્રભારી પણ બનાવ્યા હતા. ૨૦૦૯માં તેઓ સાંસદ પણ બન્યા હતા.

બીજી તરફ આરપીએન સિંહના કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થવા પર કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતાએ કહ્યું હતું કે આ બહુ જ લાંબી લડાઇ છે. જેને કાયર લોકો નહીં લડી શકે. આ મુશ્કેલી ભરી લડાઇ સાહસ, વીરતા, બહાદુરીથી જ લડી શકાય તેમ છે. જેને લડવા માટે હિમ્મત જોઇએ અને કાયરો આ લાંબી લડાઇ ન લડી શકે.

આરપીએન સિંહના રાજીનામા બાદ તેમના બે સાથી નેતાઓએ પણ કોંગ્રેસ છોડી અને ભાજપમાં સામેલ થઇ ગયા હતા. જ્યારે પૂર્વ સાંસદ આનંદ ગૌતમે પણ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. આનંદ ગૌતમ પૂર્વ સાંસદ ઉપરાંત કોંગ્રેસના વરીષ્ઠ નેતા પણ છે. દરમિયાન જમ્મુમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય દિના નાથ ભગત ભાજપમાંથી રાજીનામુ આપીને કોંગ્રેસમાં સામેલ થયા હતા.