કેરળમાં ચામાચીડિયાથી ફેલાતા જીવલેણ નિપાહ વાઇરસથી 16 નાગરિકોનાં મૃત્યુ

કેરળમાં ચામાચીડિયાના કારણે ફેલાયેલા નિપાહ વાઇરસે કેર વર્તાવતાં કોઝીકોડમાં એનિમલ હસબન્ડરી ડિપાર્ટમેન્ટ અને વન વિભાગના સત્તાવાળાઓએ એક ઘરના કૂવામાંથી ચામાચીડિયાંને પકડ્યાં હતાં. (ફોટોસૌજન્યઃ પીટીઆઇ)

કોચીઃ કેરળના કોઝીકોડ અને મલ્લાપુરમ જિલ્લામાં ચામાચીડિયાથી ફેલાતા નિપાહ (એનઆઇવી) વાઇરસે કાળો કેર વર્તાવતાં 16 નાગરિકોનાં મોત થયાં છે, જ્યારે આ વાઇરસથી પીડિત છ નાગરિકોની સ્થિતિ ગંભીર છે. સ્થાનિક માધ્યમોના જણાવ્યા મુજબ આ વાઇરસની અસર 25 નાગરિકોને થઈ છે અને તેમને તબીબી સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જાનવરોથી કોઝીકોડના ચાંગરથ ગામમાં એક જ પરિવારના ચાર નાગરિકોનાં મોત થયાં હતાં અને તેમની સારવાર કરતી એક નર્સનું પણ મોત થયું છે, જયારે મલ્લાપુરમમાં ચારનાં મોત થયાં છે.
કેરળનાં આરોગ્યમંત્રી કે. કે. શૈલજાએ ત્રણ નાગરિકોનાં મોતની પુષ્ટિ કરી છે. પુણેની વાઇરોલોજી ઇન્સ્ટ્યિૂટ દ્વારા લોહીના ત્રણ સેમ્પલમાં નિપાહ વાઇરસ હોવાનું જણાયું છે. કોઝીકોડમાં કંટ્રોલ રૂમ ઊભો કરાયો છે. આ વાઇરસથી દર ચારમાંથી ત્રણનાં મોત થાય છે.
નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલની હાઈવેલલની એક ટીમ કોઝીકોડ ગઈ હતી અને આ મામલે તપાસ હાથ ધરી છે.
મુખ્યમંત્રી પી. વિજયને જણાવ્યું હતું કે કોઈ પણ ખાનગી હોસ્પિટલ નિપાહ વાઇરસથી અસરગ્રસ્ત દર્દીની સારવારનો ઇનકાર કરી શકશે નહિ. વાઇરસને ફેલાતો અટકાવવા રાજ્યના સ્વાસ્થ્ય-શ્રમમંત્રીએ કોઝીકોડમાં બે કંટ્રોલરૂમ પણ બનાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ વાઇરસ 20 વર્ષ અગાઉ સૌપ્રથમ વાર મલેશિયામાં જોવા મળ્યો હતો. આ વાઇરસ મલેશિયાથી સિંગાપોર અને બાંગલાદેશ થઈને ભારતમાં આવ્યો છે. ફ્રૂટ બેટ્સ (ચામાચીડિયા) આ વાઇરસ ફેલાવે છે. જાનવરોથી માણસમાં ફેલાતો આ ચેપી રોગ છે, જે બન્નેને ગંભીર બીમાર કરી શકે છે. આ ખૂબ જ ઝડપથી ફેલાતો વાઇરસ છે અને દર્દીને તરત સારવાર ન મળે તો 48 કલાકમાં તે કોમામાં જઈ શકે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ વાઇરસને ટોપ ટેન જીવલેણ વાઇરસમાં સામેલ કર્યો છે અને સ્પષ્ટતા કરી છે કે આ વાઇરસની કોઈ જ દવા કે ઇલાજ હજી સુધી શોધાયાં નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here