કેન્દ્ર સરકારે ઓબીસીમાં કઈ જ્ઞાતિને સમાવવી અને કોને બાકાત રાખવી એની સત્તા હવે રાજ્ય સરકારોને સોંપી દીધી …

 

    સંસદના બન્ને ગૃહોમાં ઓબીસી બિલ પસાર થયા બાદ  હવે ઓબીસી અંગે નિર્ણય કરવાની સત્તા રાજ્ય સરકારોને હસ્તક આપી દેવાઈ છે. જો કે નજીકના ભવિષ્યમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ઝાઝો સમય નથી રહ્યો . ત્યારે આવી પરિસ્થિતિમાં કઈ જ્ઞાતિને ઓબીસી નો દરજ્જો  આપવો અને કોને ન આપવો એ વિકટ સવાલ છે. ગુજરાતની રાજ્ય સરકાર અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે આ સમસ્યા શિરોવેદના જેવી છે. 2017માં થયેલી ચૂંટણી વખતે જ પ્રારંભ થયેલા પાટીદાર અનામત આંદોલનને કારણે ભાજપને ચૂંટણીમાં જબરો ફટકો પડ્યો હતો. તે ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠકો પર જ વિજય મળ્યો હતો. 

  હવે જયારે ઓબીસીનો અખત્યાર રાજ્યને સોંપવામાં આવ્યો છે ત્યારે તો આ બધું સરળતાથી ઉકેલી શકાય તેમ નથી. ગુજરાતમાં તો અન્ય જ્ઞાતિઓ પણ પોતાને ઓબીસીમાં સમાવવામાં આવે એવી માગણી કરીને રાજ્ય સરકારની ચિંતા વધારી રહી છે. ભાજપને આ બાબત વધુ સમસ્યારૂપ બનતી લાગે છે. કેન્દ્ર સરકાર ઓબીસી બિલ પસાર કરી દીધા બાદ હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે તે ગુજરાતમાં તમામ ઓબીસી જ્ઞાતિઓને નવેસરથી સરવે કરવાની સાથે જનરલ કેટેગરીમાં આવતી પછાત જ્ઞાતિઓને પણ ઓબીસીનું સ્ટેટસ આપવાની  માગણી સરકાર સમક્ષ રજૂ કરી દીધી છે. પાટીદારો, બ્રાહ્મણો, રાજપૂતો અને વણિકો પણ ઓબીસીમાં દાખલ કરવાની ડિમાન્ડ કરતા રહ્યા છે. 2017ની ચૂંટણીમાં ભાજપને આ અનામતના સવાલે હેરાન પરેશાન કરી હતી. ભાજપને 99 બેઠકો મળી ને કોંગ્રેસને ફાળે 77 બેઠકો આવી હતી. 

   કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે રાજ્યોને ઓબીસી નક્કી કરવાની સત્તા અપાઈ એ માટે આનંદ વ્યક્ત કરીને કેન્દ્ર સરકારના આ નિર્ણયને સમર્થન આપ્યું છે. હાર્દિકનુંકહેવું છેકે, છેલ્લા 30 વરસોમાં ઓબીસીમાં સામેલ અનેક જ્ઞાતિઓએ વિકાસ કર્યો છે. એમને હવે વધુ અનામતની જરૂર નથી. ભાજપ હવે આ અંગે પોતાનો અભિગમ સ્પષ્ટ કરે એવી માગણી પણ તેમણે કરી હતી. હાર્દિક પટેલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, જનરલ કેટેગરીને આપવામાં આવેલ 10 ટકા ઈબીસી અનામત પણ યોગ્ય રીતે લાગુ કરવામાં આવી નથી. ઈબીસીમાં ગણાતા યુવાનોને 100 કરોડ રૂપિયાની સહાય આપવાની વાતો પણ માત્ર કાગળ પર જ રહી છે. રાજ્યનું ઈબીસી વેલફેર કોર્પોરેશન પણ અર્થહીન બની રહ્યું છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here