કેટલીક અમર ઉક્તિઓ

0
1301
Chandrakant Mehta

અમરત્વની અભીપ્સા આમ તો માણસની મૂળભૂત ઇચ્છાઓમાંની એક છે, જે ક્યારેય પરિપૂર્ણ થતી નથી. આમ છતાં માણસ દ્વારા બોલાયેલા શબ્દો કે લખાયેલી રચનાઓ અમર થઈ ગયાના દાખલાઓ છે. કેટલીક પંક્તિઓ કે વાક્યાંશો ચોટડૂક હોય છે. એમાં જિવાતી જિંદગીનો ધબકાર ઝિલાયો હોય છે. શાશ્વત કોઈક સત્ય છુપાયું હોય, ભાષાની ઝડઝમક કે લયનો હિલ્લોળ પણ હોય. ક્યારેક ભાષાની સરળતા કે નજાકતનું સૌંદર્ય પ્રગટતું જોવા મળે, જેના થકી એ લોકજીભે ચઢી જાય. આપણી રોજિંદી જિંદગીમાં એવા કેટલાય શબ્દપ્રયોગો અને મહાવરાઓ થકી આપણે વાતચીતને સરળ અને રસપ્રદ બનાવતા રહીએ છીએ. આવા શબ્દો ટૂંકામાં શ્રેષ્ઠ અભિવ્યક્તિ કરવાની ક્ષમતા ધરાવે છે. આપણે વેપારી પ્રજા છીએ. આપણે સીધીસટ વાતમાં માનીએ છીએ. એટલે એવું પણ કહેવાયું છે કે,
‘ભાષાને શું વળગે ભૂર
જે રણમાં જીતે સૂર.’
ઘણી વાર એવું સંભળાતું હોય છે કે ‘તમારે મમ, મમથી કામ છે કે ટપ, ટપથી’ એનો મતલબ એટલો જ થાય કે ‘તું કામથી મતલબ રાખ ને ભાઈ!’
મહાભારત જેવા મહાન ગ્રંથમાંથી અનેક ઉક્તિઓ અને અવતરણો લોકહૃદયમાં જડાઈ ગયાં છે, જેમ કે ધર્મરાજા યુધિષ્ઠિર સત્યના માર્ગ ઉપરથી જરાક ડગ્યા તો અમર વાક્ય મળ્યું ‘નરો વા કુંજરો વા’. ધૃતરાષ્ટ્ર જેવું ખલ પાત્ર માણસની સ્વાર્થવૃત્તિને આબેહૂબ ઊપસાવે છે અને પ્રચલિત થાય છે ‘મામકા પાન્ડવા ચૈવ’ – જેના કારણે જ જગતમાં ખટરાગ ચાલ્યા કરે છે. જે બહાદુર છે પણ વિવેકી નથી, એના આચરણમાં નર્યું જુઠાણું છે. છતાંય એના મુખમાંથી શાશ્વત સત્ય જેવું વાક્ય મળે છે એ દુર્યોધનના શબ્દો ‘જાનામી ધર્મમ્ ન ચ મેં પ્રવૃત્ત…’ અને ‘કાબે અર્જુન લૂંટિયો વહી ધનુષ વહી બાણ’માં ‘સમય બળવાન છે’નું ચિત્રણ કરે છે. આ બધાં જીવનનાં સત્ય રજૂ કરતાં વાક્યો છે.
રામાયણમાં ‘લક્ષ્મણરેખા’ની વાત આપણને શિસ્ત શીખવે છે – તો ‘અભિમાન તો રાજા રાવણનું પણ ટક્યું નથી’ એવું સનાતન સત્ય એલાર્મની ગરજ સારે છે. તો ‘રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાઈ’ જેવું ખુમારીયુક્ત આદર્શમઢ્યું અવતરણ જાણે આપણી સંસ્કૃતિનો મુદ્રાલેખ બની જાય છે!

મહાત્મા ગાંધીના ઘણા શબ્દો અને વાર્તાલાપો લોકોમાં આપોઆપ સ્વીકૃત થઈ જતા, જેમ કે ‘મારું જીવન એ જ મારો સંદેશ છે.’ એમણે શરૂ કરેલાં રાજકીય આંદોલનોમાં પણ ‘સાયમન ગો બેક’ કે ‘ક્વિટ ઇન્ડિયા’ જેવા નારાઓ ઇતિહાસમાં અંકિત થઈ ગયા છે. એમણે ગરીબો માટે પ્રયોજેલો ‘દરિદ્રનારાયણ’ શબ્દ પીડિતોના ગૌરવ અને આત્મસન્માનને ઉજાગર કરે છે. ‘સત્યાગ્રહ’ કે ‘સત્યના પ્રયોગો’ની તો વાત જ ન્યારી છે અને નરસિંહ મહેતાના ‘જે પીડ પરાઈ જાણે રે…’ માનવગૌરવની ટોચરૂપ પંક્તિઓ છે. સાહિત્યકારોને ટપારતાં ગાંધીજીએ કહેલું વાક્ય યાદગાર બન્યુંઃ ‘
‘કોશિયો પણ સમજી શકે એવી
ભાષામાં લખવું જોઈએ…’

આ સાહિત્યકારો પણ ગજબના હોય છે. આમ આદમી ભલે એમની દુર્બોધતાથી ત્રસ્ત હોય, પરંતુ સરળ શબ્દાવલિઓ કે હૃદયોદ્ગારસમી પંક્તિઓ પ્રચલિત પણ થઈ જાય છે.
‘ડગલું ભર્યું કે ના હઠવું’ કહેનાર નર્મદની ખુમારી સ્પર્શી જાય છે તો ‘જય જય ગરવી ગુજરાત દીસે અરુણું પરભાત’ પ્રજાકીય ચેતનાના ધબકારરૂપ ગાન બની જાય છે.
‘નિશાન ચૂક માફ, નહિ માફ નીચું નિશાન’ જેવું પ્રેરણાદાયી વાક્ય બ. ક. ઠાકોર જેવા વિદ્વાન પાસેથી મળ્યું છે. તો ‘હું માનવી થાઉં તોય ઘણું’ કે ‘વ્યક્તિ મટીને હું બનું વિશ્વમાનવી’ અથવા ‘હું ગૂર્જર ભારતવાસી’ એવી ઓળખ આપનારા ઉમાશંકર જોશી સાચા અર્થમાં વિશ્વમાનવી હતા.
‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી…’ કવિહૃદયમાંથી પ્રગટેલી આ અભિપ્સા પણ લોકોને સ્પર્શી જાય છે.

આમ છતાં કંડિકાઓના શહેનશાહ તરીકેનું બિરુદ કોઈને આપવાનું થાય તો બેશક એ ‘કલાપી’ના ફાળે જાય! એમના કવનમાંથી અનેક પંક્તિઓ રોજિંદા વપરાશશી સામાન્ય જરૂરિયાત જેવી બની ગઈ છેઃ
જ્યાં જ્યાં નજર મારી ફરે,
યાદી ભરી ત્યાં આપની’
તમામ પ્રેમીજનોના મેનિફેસ્ટો જેવી આ સમગ્ર રચના ગૂઢ છેઃ
હા પસ્તાવો વિપુલ ઝરણું, સ્વર્ગથી ઊતર્યું છે
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.
આમાં માણસ માત્ર ભૂલને પાત્ર જેવી સરળ વાતનું શબ્દાંકન છે. ગ્રામ્ય માતાનો અમર ઉપદેશ કે સત્ય
‘રસહીન થૈ ધરા દયાહીન થયો નૃપ’
આગિયાને જોઈ ‘જે પોષતું તે મારતું એ ક્રમ દીસે છે કુદરતી’ કે ‘સૌંદર્ય પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે’… કેટકેટલી પંક્તિઓમાં ‘કલાપી’ ધબકે છે! જે આ સર્જકને અમરત્વ આપે છે. લોકસાહિત્ય કે બોલચાલની પરંપરામાંથી અનેક શબ્દાવલિઓ મળે છેઃ ‘મેલ કરવત મોચીના મોચી’ કે ‘એક સાંધે ત્યાં તેર તૂટે છે…’ વગેરે વગેરે. ક્યારેક આવી યાદગાર પંક્તિઓ પણ મળે છે, જે આપણને ટપારે છે.
‘પીપળ પાન ખરંતી હસતી કૂંપિળયાં
મુજ વીતી તુજ વીતશે ધીરી બાપૂડિયાં’

શબ્દોની આવી લીલા કે તેનો વિવિધ અસબાબ જનહૃદયમાં અંકિત થાય છે ત્યારે તેના સર્જકને સાર્થકતાનો અનુભવ થાય છે. આવી કંડિકાઓમાં શિખામણ હોય, ચિંતન હોય, લય કે શબ્દરમત હોય અને શાશ્વત કોઈક સત્ય પણ છુપાયેલું હોય છે. એમાં જે-તે વ્યક્તિ, સમાજ કે સંસ્કૃતિનું પ્રતિબિંબ પણ ઝિલાતું રહે છે. નિર્મળ હૃદયના ઉદ્ગારો સમાન આવી ઉક્તિઓ માનવભાવોનું ચિત્રણ કરે છે, ગૌરવગાન કરે છે. શબ્દપસંદગી અને ભાષાકર્મ એમાં ચોક્કસ જરૂરી હોય છે, પરંતુ હૃદયમાં થતું કૈંક એમાં જરૂરી બાબત હોય છે. એટલે જ એવું કહેવાયું છે કે
‘કૈંક ઉલ્કાપાત અંદર થાય છે
એક પંક્તિ ત્યારે આલેખાય છે!’

લેખક વરિષ્ઠ સરકારી અધિકારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here