કેટલાક કઠણ પ્રશ્નોના નરમ ઉત્તરો

એક વાર ગૌરીવ્રત નિમિત્તે મેં એક જાણીતા વર્તમાનપત્રમાં લેખ લખેલો. આ લેખમાં મેં પુરુષોને થઈ રહેલા કેટલાક અન્યાયોની હૃદયની ઊંડી કરુણાથી જિકર કરેલી. આ લેખ વાંચીને એક મહિલાએ મને કડક પત્ર લખ્યો અને વર્તમાનપત્રના તંત્રી દ્વારા મને મોકલાવ્યો. મારા સદ્ભાગ્યે અને એ મહિલાના દુર્ભાગ્યે મારું સરનામું એમને મળી શક્યું નહિ; નહિતર, મને રૂબરૂ મળીને મારી સાથે ઉગ્ર ચચર કરવાની એમની ઇચ્છા હતી. હું કોઈ સાથે ઉગ્ર ચચર કરી શકતો નથી – એમાંય મહિલાઓ સાથે તો નમ્ર ચર્ચા પણ કરી શકતો નથી એટલે એક રીતે એ મહિલા મહોદયાને મારું સરનામું ન મળ્યું એ સારું જ થયું, મારા માટે તો સારું થયું જ. મને લખેલા પત્રમાં એ મહિલાશ્રીએ મને કેટલાક સવાલો પૂછ્યા છે અને એ સવાલોના જવાબ આપવાનું મને આહ્વાન કર્યું છે. આ મહિલા પરણેલાં છે એવો નિર્દેશ એમના પત્રમાંથી મળે છે. આ મહિલાશ્રી હાસ્યલેખો ક્યારેય વાંચતાં જ નથી, કારણ કે હાસ્યલેખકો સ્ત્રીઓની મજાકો કરે છે એ એમનાથી સહન થતું નથી – આવું પણ એમણે જણાવ્યું છે. એમના પતિદેવે બીતાં બીતાં (આ મારું અનુમાન છે) એમને મારો લેખ બતાવ્યો. આ કારણે એમણે વાંચ્યો. વાંચવાને કારણે તેઓ ઉશ્કેરાયાં ને આવો સ્ત્રીવિરોધી ને પુરુષોને નાહક ભડકાવનારો લેખ લખવા બદલ એમણે મારી ઝાટકણી કાઢી હતી. પત્રનો જુસ્સો અને પત્રની ભાષાથી હું ઘણો પ્રભાવિત થયો હતો. એમના પતિને મેં કદી જોયા નથી;
પણ, પત્ર વાંચ્યા પછી એ ગરીબડા પુરુષમુખની કલ્પના હું કરી શક્યો છું.
પત્ર ઘણો લાંબો છે એટલે પત્રમાં મને પૂછવામાં આવેલા પ્રશ્નો જ અહીં ઉતાર્યા છે ને પછી સ્ત્રીસન્માનની ભાવનાથી પ્રેરાઈને એ પ્રશ્નોના ઉત્તરો આપવાનો પ્રયત્ન પણ કર્યો છે.
પ્રશ્ન 1ઃ સ્ત્રીઓની બૌદ્ધિક કક્ષા પણ ઊંચી હોઈ શકે એવું સ્વીકારતાં તમને પુરુષોને ચૂંક કેમ આવે છે?
પ્રશ્ન 2ઃ ‘સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ’ આવું કહી કહીને તમે પુરુષો સ્ત્રીઓના મનમાં લઘુતાગ્રંથિ પેદા કરો છો. હું તમને પૂછું છું કે સ્ત્રી પુરુષને લાત મારે તો તમે એને બૌદ્ધિક પ્રહાર ગણવા તૈયાર થશો?
પ્રશ્ન 3ઃ પુરુષો સદીઓથી વિશેષાધિકારો ભોગવતા આવ્યા છે, પણ હવે વિશેષાધિકારોના દિવસો પૂરા થયા છે એમ માનજો. તમે આ અંગે પુરુષોને ચેતવવા તૈયાર છો?
પ્રશ્ન 4ઃ સ્ત્રીઓના હાથમાં રસોડું પકડાવી દઈ તમે પુરુષોએ સ્ત્રીઓને ઘોર અન્યાય કર્યો છે, એ વાતનો જાહેર સ્વીકાર કરવા તમે તૈયાર છો?
પ્રશ્ન 5ઃ સ્ત્રીઓ બહુ બોલબોલ કરે છે એવો આક્ષેપ તમે પુરુષો ઘણી વાર કરો છો, આ માટે તમારી પાસે કોઈ આધાર-પુરાવા છે?
આ પ્રશ્નો ઘણા અઘરા છે એ મારે કબૂલ કરવું જોઈએ. ઓપ્શન માટે પણ આમાં અવકાશ રાખવામાં આવ્યો નથી. દ્યુતસભામાં દ્રૌપદીના પ્રશ્નોના મારાથી ભીષ્મપિતામહ મૂંઝાઈ ગયા હતા એમ જ આ પ્રશ્નોથી હું મૂંઝાઈ ગયો છું. સ્ત્રી હંમેશાં પુરુષજાતિ માટે પ્રશ્નમૂર્તિ રહી છે. પ્રશ્નમૂર્તિના પ્રશ્નોના ઉત્તર દેવાનું પુરુષો માટે ક્યારેય સહેલું નથી હોતું; છતાં, ઉત્તરો આપવાનું સાહસ કરું છું.
ઉત્તર 1ઃ સ્ત્રીઓની બૌદ્ધિક કક્ષા ઊંચા પ્રકારની હોઈ શકે એ સ્વીકારતાં અમને પુરુષોને ચૂંક આવે છે એ સાચી વાત છે, પણ આ ચૂંક કેમ આવે છે એ કહેવાનું અઘરું છે, પણ મારે તમારું અને સમસ્ત સ્ત્રીજગતનું ધ્યાન દોરવાનું છે કે સ્ત્રીઓની બૌદ્ધિક કક્ષા વિશે સ્ત્રીઓનો પોતાનો ખાનગી અભિપ્રાય પણ બહુ ઊંચો નથી હોતો. એક સ્ત્રીલેખકે જ એવું લખ્યું છે કે ‘અમે સ્ત્રીઓ સુંદર છીએ અને મૂર્ખ પણ છીએ. અમે સુંદર ન હોત તો પુરુષો અમને શા માટે પરણત? અને અમે મૂર્ખ ન હોત તો અમે પુરુષોને શા માટે પરણત?’
ઉત્તર 2ઃ આપશ્રીએ એમ પૂછ્યું છે કે સ્ત્રી પુરુષને લાત મારે તો તમે એને બૌદ્ધિક પ્રહાર ગણવા તૈયાર છો? આના ઉત્તરમાં મારે કહેવાનું કે, ‘બહેનશ્રી, સ્ત્રી પુરુષને લાત મારે એ દશ્યની કલ્પના જ મારી રુચિને ભયંકર આઘાત આપે છે. આપણા હાસ્યલેખક વિનોદ ભટ્ટે એવું કહ્યું છે કે ‘પુરુષ સ્ત્રીને મારે એ ટ્રેજેડી કહેવાય અને સ્ત્રી પુરુષને મારે એ કોમેડી કહેવાય, પણ મારે એમાં એટલું ઉમેરવાનું છે કે સ્ત્રી પુુરુષને મારે એ બીજાઓ માટે કોમેડી કહેવાય; પુરુષ માટે તો એ ડબલ ટ્રેજેડી કહેવાય. પુરુષ સ્ત્રીને મારે તો સૌ સ્ત્રી તરફ સહાનુભૂતિ બતાવે; સ્ત્રીને મારનાર પુરુષ ક્રૂર અને હૈયાસૂનો કહેવાય. જ્યારે સ્ત્રી પુરુષને મારે તો માર ખાનાર પુરુષ કોમિક પૂરું પાડવા માટે નિમિત્ત બને. સૌ એ દશ્ય જોઈ રમૂજ અનુભવે, સહાનુભૂતિ કોઈ ન બતાવે. એટલે, સ્ત્રી પુરુષને મારે એ સિચ્યુએશન પુરુષ માટે ડબલ ટ્રેજેડી કહેવાય.
ઉત્તર 3ઃ પુરુષોના વિશેષાધિકારો સમાપ્તિના આરે છે એવું કહી બહેનશ્રી; તમે પુરુષોને આ અંગે સાવધાન કરવા કહો છો, પરંતુ, મને ખાતરી છે કે પોતાના વિશેષાધિકારોના રક્ષણ માટે પુરુષો આખરી દમ તક લડી લેશે; ‘પુરુષ વિશેષાધિકાર ભંગ પ્રતિકાર સમિતિઓ’ સ્થપાશે; વિશેષાધિકાર ગુમાવી ચૂકેલી પુરુષજાતિ માટે કવિઓ કરુણરસનાં કાવ્યો રચશે. સ્ત્રીઓનાં કોમળ હૃદયને આ કાવ્યો સ્પર્શી જશે અને સ્ત્રીઓ સામે ચાલીને પુરુષોને વિશેષાધિકારો પાછા આપશે એવી એક પુરુષ તરીકે મને આશા છે.
ઉત્તર 4ઃ સ્ત્રીઓના હાથમાં રસોડું આવ્યું એમાં સ્ત્રીઓને નહિ, પુરુષોને અન્યાય થયો છે. સ્ત્રી જે રાંધે, જેવું રાંધે, જ્યારે રાંધે, એ પ્રમાણે પુરુષે ખાઈ લેવાનું. એક ઘરમાં રાત્રે ચોર ઘૂસ્યો. ખખડાટ સાંભળી સ્ત્રીએ પુરુષને કહ્યું, ‘ઊઠો ને, રસોડામાં ચોર ઘૂસ્યો છે. મેં બનાવેલી પુરણપોળી એ ખાઈ જશે.’ ‘ખાવા દે’ પતિએ કહ્યું, ‘એ એ જ લાગનો છે !’ પતિની આ વેદના સમજાય છે?
પ્રશ્ન 5ઃ આની કોઈ દેખીતી સાબિતી મારી પાસે નથી, પણ સાંયોગિક પુરાવો છે. જ્યોતીન્દ્ર દવેએ કહ્યું છે કે પુરુષો મગજનો ઉપયોગ બહુ કરે છે એટલે પુરુષનો માથાનો પ્રદેશ ઘસાઈ જાય છે અને એમને ટાલ પડે છે. સ્ત્રીઓ બોલબોલ બહુ કરે છે એટલે એમનો જડબાંનો પ્રદેશ ઘસાતો ગયો ને કાળે કરીને સ્ત્રીઓને દાઢી-મૂછ ઊગતાં બંધ થઈ ગયાં.
હું જાણું છું કે પ્રશ્નોના આ ઉત્તરો નવા પ્રશ્નો ઊભા કરશે. એમ થશે તો એ નવા પ્રશ્નોના ઉત્તરો પણ આપીશ. સ્ત્રીદાક્ષિણ્ય ખાતર પણ એમ કરવાની મારી ફરજ છે એમ હું સમજું છું.

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત લેખકના પુસ્તક ‘મોજમાં રે’વું રે!’માંથી સાભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here