કૂંપળની કમનીયતાથી વધીને, વિસ્મયકારક એવું જગતમાં બીજું કંઈ નથી!

0
858

વહેલી સવારે બગીચામાં અમસ્તી જ લટાર મારવાનું કામ એ ઝાકળભરી મહોલાત જેવું હોય છે. આવા અનુભવથી વંચિત રહેવું એ અફસોસજનક ઘટના હોય છે.
આપણે ભલે કોઈ રાજામહારાજા કે નામાંકિત વ્યક્તિ ન હોઈએ. આપણા આગમનની છડી પોકારનાર ભલે કોઈ છડીદાર દરવાજે ન હોય, આમ છતાં સવારના પહોરમાં ઝાકળભીનાં પાંદડાં અને તેની મુલાયમ જાજમ આપણી સવારીનું જે ઉષ્માભર્યું સ્વાગત કરે છે એ કોઈ પણ શહેનશાહને ઈર્ષ્યા કરાવે એવું હોય છે.
આકાશમાં ઊમટેલી વાદળીઓમાં અવનવી રંગપૂરણીઓ ખીલી ઊઠે છે. લહેરાતી હવાની લહેરખીઓ મંદ-મંદ સંગીતની સુરાવલિઓ વહાવી રહી હોય છે. સૂર્યના પ્રગટવાની તમામ તૈયારીઓ થઈ રહેલી જોવા મળે છે. આમ ઝાંખું છતાં ઓજસપૂર્ણ અજવાળું સમગ્ર પરિવેશને નવી જ અનુભૂતિ કરાવતું ધીમા પગલે મક્કમ ગતિથી પ્રસરી રહ્યું હોય છે, બલકે ધબકી રહ્યું હોવાનું લાગે છે.
બાગનો સમગ્ર વૈભવ કોઈક વૈભવશાળી રજવાડાથી જરાય ઊતરતો નથી જણાતો. વૃક્ષો આળસ ખંખેરીને જવાબદાર વડીલોની માફક સજ્જ થઈને ઊભાં હોય છે. નીચે પથરાયેલું ઘાસ નવી નજાકત સાથે ઝાકળભીની સપાટી તળે ચમકી રહ્યું હોય છે. લીલીછમ મેંદીની હારબંધ લાઇનો શિસ્તબદ્ધ સૈનિકોની માફક તૈનાત થયેલી જોવા મળે છે. આ બધાની વચ્ચે બાગ જાણે શિસ્તબદ્ધ બનીને સૂર્યના આગમનની છડી પોકારવા તત્પર બની જાય છે. આ તમામ ઘટનાઓની વચ્ચે કોઈક એકાદ અવાવરું ખૂણે કે કોઈક વૃક્ષની બરછટ ડાળખીમાં અથવા તો રૂક્ષ ધરતીની સપાટી ઉપરથી સાહજિક રીતે પ્રગટ થતી કૂંપળનું પ્રાગટ્ય પ્રકૃતિના આગમનની સુરાવલિ પ્રગટાવતું લાગે છે. કૂંપળનું ફૂટવું અને કોઈક ભોળા શિશુ જેવું એનું વિસ્મયકારક અસ્તિત્વ આપણા મનોજગતમાં અવનવાં સ્પંદનો જગાવી જાય છે. કદાચ આવી જ કોઈક રોમાંચક ઘટના નિહાળીને જ ઉદયન ઠક્કર નામના કવિને આવી સરસ પંક્તિઓ સૂઝી હશેઃ
‘કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે,
કૂંપળની પાસે શું કોઈ કોમળ હથોડી છે?’
આવું કહેનાર કવિની માફક આપણી આંખો આવી તાજ્જુબભરી તરકીબો જોવા માટે તૈયાર હોતી નથી. કૂંપળ જેવી નાજુક અને નાવીન્યસભર ઝીણી સંચારી ઘટના કઠોરતમ સપાટીને મુલાયમ રીતે ભેદીને પ્રગટે છે. એમાં ક્યાંય કોલાહલ નથી, ફક્ત નાજુક હલચલ હોય છે. પ્રકૃતિના આવા નાના અમથા સંચારને જોવાની દષ્ટિ ક્રમશઃ સમગ્ર સંસારની વ્યાપકતાને જોવાની દષ્ટિ આપી જાય છે.
પરોઢના પગરવ થકી પ્રગટ થતો પાંદડાંનો પમરાટ કે ઘાસનો તાજગીભર્યો તરવરાટ ઘડીભર જોનારને મુગ્ધ કરી જાય છે. એવું કહેવાય છે કે સવારના સમયે આપણે જે સ્ફૂર્તિ અનુભવીએ છએ એવી સમગ્ર દિવસ દરમિયાન અનુભવી શકાતી નથી. એટલે જ આપણે કહીએ છીએ કે ‘જેની સવાર સુધરી, એનો દિવસ સુધર્યો.’ માણસ પણ આમ જોઈએ તો પ્રકૃતિનો એક અંશ છે. યંત્રપ્રધાન અજાયબીઓ કે ટેક્નોલોજીની તરકીબો થકી આપણે હરણફાળો ભરીએ કે અવકાશમાં છલાંગો મારીએ, પરંતુ માણસની મૂળભૂત પ્રકૃતિમાં કુદરત તરફનું આકર્ષણ અક્ષુણ્ણ રહેલું હોય છે. આપણને સૌ કોઈને પ્રાકૃતિક પરિવેશ ગમતો હોય છે. વહેતાં ઝરણાં કે પહાડીઓનું સૌંદર્ય ગમે છે. ગાઢ જંગલોનો વૈભવ કે અફાટ રણપ્રદેશનો નજારો આકર્ષે છે. ફીણમોજાંમાંથી છલકાતું સામુદ્રિક સુખ એ પ્રત્યેકને ગમે છે. યંત્રવત્ આપણી જિંદગીમાં ઘણી વાર આપણે મૂળ સ્વભાવથી વિપરીત રીતે વર્તન કરતા હોઈએ છીએ. અને કોઈક નિષ્ઠુર કે જડ વ્યવસ્થાનો હિસ્સો બનીને રહી જઈએ છીએ. આવું બનવું એ ઘણી વાર આપણા હાથની વાત પણ રહેતી નથી.
આ તમામનું મુખ્ય કારણ એ આપણી બુદ્ધિ અથવા તો મનનો વિહાર છે. માણસ પોતાને મળેલી સભાનતાથી જ કે ભવિષ્ય વિશેની ચિંતાથી અને મોટા ભાગે તો બીજાની દષ્ટિથી જીવન જીવવાના અભિગમના કારણે પોતાનું ગંતવ્યસ્થાન ભૂલી જાય છે. માણસ સિવાયનાં બીજાં તમામ પ્રાણીઓ કે જીવોને આવી સમસ્યા નડતી નથી, કેમ કે એ તમામ તેઓને મળેલી પ્રાકૃતિક શક્તિ મુજબ સાહજિક રીતે જીવનવ્યવહાર કરે છે અને સમગ્ર પ્રકૃતિના એક અંગ તરીકે વર્તે છે.
આવી વ્યવસ્થામાં અન્ય જીવોને આપણી માફક સામાજિક રીતરસમો, સભ્યતા કે પ્રોટોકોલની પળોજણ નડતી નથી. વહેતું ઝરણું જે રીતે નિર્દોષ બનીને પોતાનું વહેણ શોધી લે છે એ રીતે આવા તમામનો જીવનપ્રવાહ પણ બિલકુલ સહજતાથી ગોઠવાયેલો જોવા મળે છે. ઝાકળને ડર નથી લાગતો કે પોતાનું સૌંદર્ય સૂર્યપ્રકાશથી ઝંખવાઈ જશે. વૃક્ષની ડાળીઓ કે પાંદડાંને સહજપણે ફરફરવાનું કે ચમકવાનું ગમતું હોય છે. એના માટે કોઈ ઉપચારો કે વ્યવહારોની જરૂર પડતી નથી. પોતાના પ્રભાવક આગમનથી કોઈક ડાળખી, અવાવરું ખડક કે કઠોર ધરતીની સપાટી ભેદીને સ્વયં પ્રગટ થતી કોઈક કૂંપળની અદા નિરાળી હોય છે. કૂંપળની આંખમાં શિશુસહજ ભોળું લાગતું વિસ્મય છવાયેલું જોવા મળે છે. આપણને ઈશ્વરની ગેબી શક્તિ કે રહસ્યમય અસ્તિત્વની ભલે જાણકારી ન હોય, આવી ઘટના થકી આપણે ઘડીભર એ બાબતે વિચારતા થઈ જઈએ છીએ. ગમે તેવો નાસ્તિક લાગતો કે બુદ્ધિના બજારનો બેતાજ બાદશાહ લાગતો માણસ પણ દંગ રહી જાય એવી આ બાબત હોય છે. ખરેખર કૂંપળની કમનીયતાથી વધીને બીજી કોઈ વિસ્મયકારક ઘટના જગતમાં હોતી નથી!

લેખક વરિષ્ઠ સરકારી અધિકારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here