કાંચી કામકોટિ પીઠમના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું નિધન

કાંચીપુરમઃ શ્રી કામકોટિ પીઠમના 69મા શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું બુધવારે કાંચીપુરમમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. સમાજસુધારક તરીકે સન્માન મેળવનાર શંકરાચાર્યની રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદના ગૂંચવાયેલા કોકડાને ઉકેલવાના પ્રયાસો બદલ પ્રશંસા થઈ હતી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, તામિલનાડુના મુખ્યમંત્રી કે. પલાનીસામી વગેરેએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. હોસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યું હતું કે 82 વર્ષના શંકરાચાર્યને બુધવારે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આદિ શંકરાચાર્ય દ્વારા લગભગ 2520 વર્ષ અગાઉ સ્થાપિત શ્રી કામકોટિ પીઠમના 69મા શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું નિધન થતાં હવે વિજયેન્દ્ર સરસ્વતી તેમના અનુગામી બનશે. અહીં શ્રી કાંચી કામકોટિ પીઠમમાં જગદ્ગુરુ શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીના પાર્થિવ દેહને શ્રદ્ધાળુઓનાં દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો.
સન 1994માં જયેન્દ્ર સરસ્વતીની નિમણૂક મઠાધિકારી તરીકે કરવામાં આવી હતી. તેઓ શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી સ્વામીગલના ઉત્તરાધિકારી બન્યા હતા. આધ્યાત્મિક, શૈક્ષણિક, આરોગ્ય, સમાજસેવા ક્ષેત્રે સંસ્થાને નવી ઊંચાઈએ લઈ જવાનું શ્રેય જયેન્દ્ર સરસ્વતીને આપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here