કવિ રાવજીની વૈશ્વિક અનુભૂતિનાં કલ્પનો અને એની ધૂળમિરશ્રત ભાષા… ધન્યતાની ક્ષણો

0
1041

પ્રિય પ્રાર્થના,
મહુવાના કૈલાશ ગુરુકુલમાં સંસ્કૃતસત્ર-18માંથી પરત આવ્યો. માલણકાંઠે મોરારીબાપુ સાથે રહેવું, વિચારવું એ જીવનનો એક લહાવો છે. અનેક ઋષિઓના વિજ્ઞાન વિચારને યાદ કર્યા, સારું રહ્યું. જોકે મેં એવા પ્રશ્નો ઉઠાવ્યા છે કે એક લેવલ સુધી ગૌરવગાન સારું જ છે, આપણા આત્મગૌરવને પુષ્ટ કરે છે, આજની ઝડપથી બદલાતી દુનિયામાં ટકી રહેવા માટેની ઊર્જા મળે છે, પણ આપણે આપણી જાતને કેટલાક અઘરા પ્રશ્નો પણ પૂછવા જોઈએ. આપણે ક્યાં ખોટકાઈ ગયા? ક્યારે આપણાં પુષ્પક વિમાન અટકી ગયાં.
પ્રાર્થના, મારું માનવું છે કે એક વ્યક્તિ તરીકે જેમ સખત પરિશ્રમ અને સાધનાપૂર્વકની બુદ્ધિશુદ્ધિ આવશ્યક છે તે જ રીતે સામાજિક રીતે આપણી સામૂહિક ચેતનાની પણ આવી જ સાધના જરૂરી છે. મને જે મઝા આવી તે મોરારીબાપુની ખુલાશની આવી. એમણે આમંત્રણ દીધું, આવો, અને આદિ શંકરાચાર્ય સભાગૃહમાં આવીને દરેક પ્રકારના વિષયોની ચર્ચા કરો. આ એક અદ્ભુત વાત હતી. આવું જ ગઈ સાલ પોતાની ષષ્ટિપૂર્તિ ઊજવાતી હતી ત્યારે ભાઇશ્રીએ કરેલું. એમણે ચલો, માનવતાકી ઓંર ચલે એવા થીમ ઉપર જ બધા બોલે એવી રીતે આમંત્રણ આપ્યાં. અને અનેક લોકો બોલ્યા. એક વાતાવરણ ઊભું થયું, માણસ ડોક્ટર, વકીલ કે મોટા એક્ઝિક્યુટિવ બનવાની ઉતાવળમાં માનવ બનવાનું ભૂલી ન જવું જોઈએ. મને લાગે છે, ગુજરાતના આ બે સંતો એક સરસ પરિપાટી પર સમાજને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે. આપણા સમય માટે આ જ્ઞાનસત્રો બહુ ઉપકારક થવાનાં છે, કારણ યુનિવર્સિટીઓને કોક સારા વાયુમણ્ડલના નિર્માણ માટે શહેરથી દૂર રાખવાની હતી, એ ઘણી દૂર રહી ગઈ. કોઈ યુનિવર્સિટીના સભાખંડોમાં આવાં સાંસ્કૃતિક કંપનોની ચર્ચા થતી હોય તેવું જાણ્યું નથી. જો, આ વિષયમાં હું ખોટો સાબિત થઈશ તો મને આનંદ થશે. બીજી તરફ, સાહિત્યિક સંસ્થાઓ કશીક ન સમજાય તેવી આત્મમુગ્ધતામાં સરી પડી છે. સાહિત્યકારો એમણે જ રચેલાં પાત્રોની મર્યાદાના મગન-મહેલમાં પુરાઈ ગયા છે. તેજોદ્વેષીઓ પોતાની ખટપટલીલાઓથી આ બધું લીલું લાગે એવો નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યા છે. આવા સમયે, આ બન્ને મહાપુરુષો [મોરારીબાપુ અને રમેશભાઈ ઓઝા ભાઈશ્રી સાથે યથાશક્તિ જોડાવવાની ધન્યતા અનુભવી રહ્યો છું.
તને ખબર છે, મને મઝા આવી રહી છે, વાંચવાની. પછી એને મમળાવવાની. આજે જ રાવજી પટેલની એક કવિતા વાંચતો હતો, કવિતાનું શીર્ષક છે, અસંખ્ય રાત્રિઓને અંતે…હું મારા કોક દિવસ પ્રસિદ્ધ થનારા સાહિત્યના કોઈ પુસ્તકમાં એનો રસાસ્વાદ તો કરાવીશ, પણ અહીં જે લય મને બાઝી પડ્યો છે એણે આજની આ સપ્ટેમ્બરની સાંજ શણગારી દીધી છે. જો સાંભળ,
ઘાસ તણી નસમાં સૂતેલો સૂર્ય, ક્યાં ક્યાં હડફેટાયો…
બળદ તણી તસતસતી મેઘલ ખાંધ સરીખો, પહાડ દબાયો,
વીંછણના અંકોડા જેવાં બિલ્ડિંગોથી હરચક ભરચક શહેર દબાયાં,
જુવા જેવું ગામ નદીને તટ ચોંટેલું, એ ચગદાયું,
હગડગ હગડગ ગર્ભ વિશ્વનો કંપે,
મારી આંગળીઓમાં સ્વાદ હજી સિસોટા મારે!
ડાકોરની ભાગોળમાં શ્વસતો આ કવિ કેવો સહેલાઈથી આખા બ્રહ્માંડ સાથે જોડાય છે એની મઝા આવે છે. કવિનાં કલ્પનો તમને સ્પર્શક્ષમ અનુભવ કરાવડાવે એ કવિતાનું કૌવત છે. સૂરજને કવિ હડફેટે લે એ એનામાં પ્રગટેલું વિશ્વસ્વરૂપ મને આકર્ષે છે. કવિ ગામડાની ધૂળમાંથી કવિતા લઈને આવ્યા છે અને શહેરીકરણ અને ઊંચી ડોક કરીને ઊભેલાં સ્કાયસ્ક્રેપર એને ગમતાં નથી, એટલે આ કાવ્યાંશમાં એકમાત્ર અંગ્રેજી શબ્દ બિલ્ડિંગ વાંચવાથી કવિની અસુવિધાનો બોધ તો થાય છે, પણ બધું જ જે દબાતું જાય છે, ચગદાતું જાય છે, એ ચિત્ર કવિતાની આંખ બને છે. પણ કવિના બ્રહ્માનંદ સહોદરની અનુભૂતિ તો ત્યારે પ્રગટ થાય છે જ્યારે કવિ વિશ્વના ગર્ભના કંપનને એક નાદ આપે છે, હગડગ હગડગ… કેવી તીણા કાને કવિ સાંભળે છે, આ વિશ્વના ગર્ભનું જન્મ પહેલાંનું કંપન છે, કે નિત્ય નવીન જન્મ ધારણ કરતું આપણને વીંટળાયેલા વિશ્વની એક અનુભૂતિ છે એ વાચકે અનુભવવાનું છે. આ આંગળીઓમાં જે સ્વાદ સિસોટા મારે છે એ અચાનક કાવ્યના વાતાવરણમાં ફેરફાર લાવે છે… મને રાવજીની આ વૈશ્વિક અનુભૂતિનાં કલ્પનો અને એની ધૂળમિરશ્રત ભાષા… પ્રાર્થના, આ શબ્દતીર્થો એ ધન્યતાની ક્ષણો છે.
સપ્ટેમ્બરના અંતમાં લંડન જઈ રહ્યો છું, એટલે ત્યાંથી હવેનો પત્ર લખીશ,…
એ જ,
ભાગ્યેશ… જય જય ગરવી ગુજરાત.

લેખક ગાંધીનગરસ્થિત સર્જક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here