કર-રાહત વિનાનું વિરાટ બજેટઃ નીતિન પટેલે સતત નવમી વખત બજેટૂ રજૂ કર્યું

 

ગાંધીનગરઃ કોરોનાકાળ બાદ ગુજરાતમાં વર્ષ ૨૦૨૧-૨૨નું અંદાજપત્ર બુધવારે વિધાનસભા ગૃહમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને નાણાપ્રધાન નીતિનભાઇ પટેલે સતત ૯મી વખત રજૂ કર્યું હતું. જાહેર કરેલા બજેટનું કદ ગત વર્ષના અંદાજપત્ર કરતાં રૂા. ૯,૭૪૨ કરોડના વધારા સાથે રૂા. ૨.૨૭ લાખ કરોડનું છે. મહત્ત્વની વાત એ છે કે, રાજ્ય સરકારે અંદાજપત્ર ૨૦૨૧-૨૨માં હયાત વેરાના દરોમાં કોઇ પણ જાતનો વધારો નથી કર્યો અને કોઇ પણ જાતના નવા વેરા નાખ્યા નથી. તેમ છતાં પણ રાજ્ય સરકાર એવું માની રહી છે કે, ૨૦૨૧-૨૨ના વર્ષના અંતે રૂા. ૫૮૭.૮૮ કરોડની પુરાંત રહેશે તેવો અંદાજ છે. સરકારે નવો વેરાબોજ નાખ્યો નહોતો, તેમ વેરામાં કોઇ રાહત પણ આપી નહોતી. આ વખતના અંદાજપત્રમાં કૃષિ, ખેડૂત કલ્યાણ, શૈક્ષણિક વ્યવસ્થા, આરોગ્ય સુવિધાઓ, પીવાના પાણી જેવી પાયાની જરૂરિયાતો, મહિલા અને બાળવિકાસ વિભાગ, નવી ઔદ્યોગિક નીતિ, નવી પ્રવાસન નીતિ તેમજ નવી સોલાર નીતિ દ્વારા રોજગાર સર્જન થાય તેવા અગત્યના ક્ષેત્રો પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે.  

નીતિન પટેલે પાંચ વર્ષમાં બે લાખ નવી ભરતીની અને અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન માટે રૂા. ૧૫૦૦ કરોડની ફાળવણી કરી હતી. અંદાજપત્રમાં જાહેર કરવામાં આવેલી નવી યોજનાઓ વિશે નીતિનભાઇએ જણાવ્યું હતું કે,  આગામી પાંચ વર્ષમાં સરકારી કચેરીઓ, બોર્ડ, કોર્પોરેશનો, અનુદાનિત સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં લાયકાત ધરાવતા અંદાજે બે લાખ યુવાનોની નવી ભરતી કરાશે, જ્યારે આગામી પાંચ વર્ષ દરમિયાન મેન્યુફેક્ચરિંગ, ફાર્મા, એનર્જી, એન્જિનીયરિંગ સહિત અન્ય સર્વિસ સેક્ટર જેવા વિવિધ ક્ષેત્રોમાં ૨૦ લાખ યુવાનો માટે રોજગારીની તકો ઊભી થશે. આગામી પાંચ વર્ષ માટે ૧ લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના-૨નો અમલ કરવામાં આવશે. રાજ્યના દરિયાકિનારાના ૧૫ જિલ્લાના ૩૯ તાલુકાના ૭૦ લાખની વસતી ધરાવતા સાગરખેડુ વિસ્તારના વિકાસ માટે રૂા. ૫૦ હજાર કરોડની સાગરખેડુ સર્વાંગ કલ્યાણ યોજના-૨ અમલમાં મૂકવામાં આવશે. રાજ્યમાં આગામી દિવસોમાં ૨ મેગા ટેક્ષટાઇલ પાર્ક સ્થપાશે. આ ઉપરાંત ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં બલ્ક ડ્રગ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને રાજકોટ ખાતે મેડિકલ ડિવાઇસ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપાશે. વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર શહેરોમાં મેટ્રોલાઇટ-મેટ્રોનીઓ જેવી નવી ટેકનોલોજીવાળી મેટ્રો સેવા પૂરી પાડવા માટે રૂા. ૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ૪ લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટબ વિનામૂલ્યે આપવામાં આવશે જેના માટે રૂા. ૮૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણમુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાના ઉદ્દેશથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે પ્રથમ વર્ષે રૂા. ૧૦ હજાર તથા બીજા વર્ષે રૂા. ૬ હજારની સહાય કરવામાં આવશે, જેના માટે ચાલુ વર્ષના બજેટમાં રૂા. ૩૨ કરોડ ફાળવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે તેમના જીવનસાથે સંકળાયેલા સ્થળોનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરાશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here