કર્ણાટકની કુમારસ્વામી સરકાર પડી ભાંગી : ચારદિવસ વિશ્વાસના મતની દરખાસ્ત પર ચર્ચા ચાલી …મંગળવારે વિધાનસભામાં ફલોર ટેસ્ટ થયો ..ને સરકાર બહુમત સાબિત ના કરી શકી..

0
928

 

                     છેલ્લા એક મહિનાથી કર્ણાટક રાજયની વિધાનસભામાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે વિધાનસભ્યો બાબત ખેંચતાણ ચાલી રહી હતી. કોંગ્રેસ- જેડીએસની ગઠબંધન સરકારની પરિસ્થિતિ શરૂઆતથી જ ડામાડોળ હતી. 15 વિધાનસભ્યોએ પોતાના રાજીનામા આપ્યા બાદ સરકાર માટે કટોકટીનો માહોલ ઊભો થયો હતો. કોંગ્રસ અને જેડીએસના બળવાખોર સભ્યોએ રાજીનામું આપ્યા પછી કુમારસ્વામીની સરકારનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું હતું. મંગળવારે સાંજે બહુમતી પૂરવાર કરવા યોજાયેલા ફલોર ટેસ્ટમાં સ્પીકરનો બાદ કરતાં સદનમાં વિધાનસભ્યોની સંખ્યા 204 હતી. બહુમતી સાબિત કરવા માટે 103 વિધાનસભ્યો હોવા અનિવાર્ય હતા.  103 વિધાનસભ્યો સરકારની તરફેણમાં મતદાન કરે તો જ સરકાર બહુમતી સાબિત કરી શકે. પરંતુ- કોંગ્રેસ- જેડીએસની ગઠબંધન સરકાર માત્ર 99 મત જ મેળવી શકી, જયારે ભાજપની તરફેણમાં 105 વિધાનસભ્યોએ મત આપ્યા. આથી સરકાર પડી ભાંગી…કુમારસ્વામી 116 વિધાન સભ્યોના ટેકાથી છેલ્લા 14 મહિનાથી સરકાર ચલાવી રહ્યા હતા. જેનું પતન થયું. એચ ડી કુમારસ્વામીએ રાજ્યપાલ વજુભાઈ વાળાને પોતાની સરકારનું રાજીનામું મોકલી આપ્યું હતું, જેનો રાજ્યપાલે સ્વીકાર કર્યો હતો. હવે ભાજપ બહુમતી હોવાથી સરકાર રચવાનો દાવો આગળ ધરશે. મોટેભાગે ભાજપ પ્રદેશ પ્રમુખ યેદિયુરપ્પા ચોથી વાર કર્ણાટકના મુખ્યપ્રધાન બનશે. યેદિયુરપ્પાએ જણાવ્યું હતું કે, આ લોકતંત્રની જીત છે. કર્ણાટકની જનતા કુમારસ્વામીના ગેરવહીવટથી ત્રાસી ગઈ હતી. હું કર્ણાટકની જનતાને ખાત્રી આપું છું કે, અમારી સરકાર રાજ્યમાં વિકાસના નવા યુગની શરૂઆત કરશે. અમે ખેડૂતોની સમસ્યાઓના નિરાકરણને અગ્રતા આપીશું. ભાજપાના નેતા જગદીશ શેટ્ટીએ જણાવ્યું હતું કે, હજી સુધી સ્પીકરે બળવાખોર વિધાનસભ્યોના રાજીનામાનો સ્વીકાર કર્યો નથી. આ વિધાનસભ્યોઓ પણ એક બાબતનો નિર્ણય કરવો જ પડશે કે,તેમણે ભાજપમાં પ્રવેશ લેવો છે કે નહિ…. હાલમાં અમારા પક્ષ પાસે 105 વિધાનસભ્યો છે એટલે બહુમતી હોવાને કારણે અમારો પક્ષ નવી સરકાર રચવા માટે તૈયાર છે. અમે કર્ણાટકમાં સ્થિર સરકાર રચી શકીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here