કચ્છના ચાર શિક્ષકને રાજ્યકક્ષાનું શ્રેષ્ઠ પારિતોષિક એનાયત

 

ભુજઃ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા ૩૦ શિક્ષકને રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૧ માટે શ્રેષ્ઠ શિક્ષકના પારિતોષિક જાહેર કરાયો છે, જેમાં કચ્છના ચાર શિક્ષકનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષકો જાહેર કરાયા છે, જેમાં પ્રાથમિક વિભાગમાંથી ૧૧, માધ્યમિક વિભાગના પાંચ, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી બે તથા માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક આચાર્ય કેટેગરીમાંથી ૬, એચ.ટાટ મુખ્ય શિક્ષકમાં ૪ અને ખાસ શિક્ષક કેટેગરીમાં બે શિક્ષક મળી કુલ ૩૦ શિક્ષકને ઝોન પ્રમાણે શ્રેષ્ઠ શિક્ષકના પારિતોષિક જાહેર કરાયા છે. 

કચ્છમાંથી શ્રેષ્ઠ જાહેર કરાયેલા શિક્ષકો પૈકી ભુજ તાલુકાના લોડાઇ ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા ડો. સ્નેહલ વૈદ્ય, નખત્રાણા તાલુકાના કોટડા (રોહા) ગામે શેઠ એન. વી. હાઇસ્કૂલના રણજિતસિંહ ઝાલા, આદિપુરની સરકારી હાઇસ્કૂલના મદદનીશ શિક્ષિકા ડો. અંજનાબેન મોદી અને માંડવી તાલુકાના ગઢશીશાની પંચાયતી પ્રાથમિક શાળામાં એચ.ટાટ આચાર્ય તરીકે ફરજ બજાવતા ગીતાબા વાઘેલાની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. 

ડો. સ્નેહલ વૈદ્યને કેળવણી અને સામાજિક ક્ષેત્રે ગરિમાપૂર્ણ કામગીરીમાં બહુમૂલ્ય પ્રદાન ઉપરાંત વિવિધ તાલીમોમાં તજજ્ઞની ભૂમિકા સહિતની કામગીરી કરી હતી. તેમના પિતા સ્વ. અરૂણકુમાર મુકુંદરાય પણ એક આદર્શ શિક્ષક તરીકે મુંદરાની આર. ડી. હાઈસ્કુલમાં ફરજ બજાવી હતી. રણજિતસિંહ ઝાલાને ‘શિક્ષક એટલે સમાજનો ઘડવૈયો’ ઉક્તિને સાર્થક કરી શાળાનું પરિણામ ઊંચું લાવવા, દાતાઓના સહયોગે શાળાઓમાં વિદ્યાર્થીઓને ભૌતિક સુવિધા ઉપલબ્ધ કરાવવા સહિતની કામગીરી કરવા બદલ તેમજ ડો. અંજનાબેનને ગુજરાત રાજ્ય પાઠય પુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત ધો. ૧૦ની ગુજરાતીની પ્રથમ અને દ્વિતીય ભાષાના પુસ્તકોમાં લેખન-સંપાદન, એનસીઇઆરટીના શૈક્ષણિક તાલીમી વર્કશોપમાં શિક્ષક તજજ્ઞ તરીકે પ્રતિનિધિત્વ કરી ગુજરાતનું ગૌરવ વધારવા સહિતની કામગીરી બદલ તેમજ ગીતાબા વાઘેલાને ‘મારો નવતર પ્રયોગ’ અંતર્ગત મુખ્ય શિક્ષક તરીકે સતત નવતર પ્રયોગ કરી શિક્ષણ ગુણવત્તામાં સુધારણા, બાળકોના ચારિત્ર્ય ઘડતર સહિતનાં કાર્યો બદલ શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ જાહેર કરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here