ઓન્ટેરિયોમાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડઃ ભારત વિરોધી સૂત્રો લખાયા

ઓન્ટેિરયોઃ કેનેડામાં હિન્દુ મંદિરોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ઓન્ટેરિયો પ્રાંતમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. આ અંગે મંદિરના પ્રતિનિધિઓએ પોલીસને જાણ કરી આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મંદિરની દિવાલો પર ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક સૂત્રો લખવામાં આવ્યા છે અને ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રો લખવામાં આવ્યા છે. બીએપીએસ સંસ્થાએ વિન્ડસરમાં સ્વામિનારાયણ મંદિરને નિશાન બનાવવા પર દુઃખ વ્યક્ત કર્યું છે. સંગઠનના પ્રવક્તાએ કહ્યું કે, અમારા મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રોચ્ચાર જોઈને આશ્ચર્ય થયું. તાત્કાલિક કાર્યવાહી માટે ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી કરીને આરોપીના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે. ફૂટેજમાં જોવા મળ્યુ કે માસ્ક પહેરેલા બે લોકો રાત્રે આવે છે અને પછી દિવાલ પર ભારત વિરોધી સૂત્રો લખે છે. જુલાઈ ૨૦૨૨ પછી આ પાંચમી ઘટના છે જેમાં મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા હોય અને દિવાલો પર વાંધાજનક સૂત્રો લખવામાં આવ્યા હોય. ૧૪ ફેબ્રુઆરીના રોજ જીટીએ સ્થિત મિસીસૌગા શહેરમાં રામ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું. કેનેડામાં બ્રેમ્પ્ટનના ગૌરી શંકર મંદિર અને રિચમંડના વિષ્ણુ મંદિરમાં પણ ઘણી મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી હતી. ખાલિસ્તાની સમર્થકોએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પણ ઘણી વખત નિશાન બનાવી છે અને ભારત વિરોધી સૂત્રો લખ્યા છે. ભારતીયો વિરુદ્ધ નફરત અને ભારત વિરોધી ગતિવિધિઓ સંબંધિત કેસોમાં તીવ્ર વધારો થયો છે. ભારત સરકારે આ ઘટનાઓની યોગ્ય તપાસ કરવા વિનંતી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here