‘ઐતિહાસિક દિવસ’, બે શક્તિશાળી આરબ દેશોએ ઈઝરાયેલને આપી માન્યતા

 

વોશિંગ્ટનઃ ખાડી દેશો અને ઈઝરાયેલના સંબંધોમાં મંગળવારે ઐતિહાસિક વળાંકની શરૂઆત જોવા મળી હતી. વ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અધ્યક્ષતામાં થયેલા સમારોહમાં શ્ખ્ચ્ અને બેહરીને ઈઝરાયેલ સાથે ઐતિહાસિક શાંત સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા. સમજૂતિ મુજબ ખાડીના આ બે પ્રમુખ દેશોએ ઈઝરાયેલ સાથે સંબંધોને સંપૂર્ણ રીતે સામાન્ય કરતા તેને માન્યતા આપી. સમજૂતિને અબ્રાહમ (કે ઈબ્રાહિમ) સંધિ નામ આપવામાં આવ્યું છે. 

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઐતિહાસિક સમજૂતિને ‘નવા મિડલ ઈસ્ટ’ની શરૂઆત ગણાવી છે. તેમને આશા છે કે તેનાથી પશ્ચિમ એશિયામાં નવી વ્યવસ્થાનો પ્રાંરભ થશે તથા રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ચરમસીમાએ પહોંચેલા પ્રચાર વચ્ચે તેમની છબી શાંતિ લાવનારા એક નાયક તરીકેની પણ બનશે. 

યુએઈ અને બેહરીન હવે ત્રીજા અને ચોથા અરબ દેશ બન્યા છે જેમણે ૧૯૪૮માં અસ્તિત્વમાં આવેલા ઈઝરાયેલને માન્યતા આપી છે. બંને દેશો અગાઉ ફક્ત ઈજિપ્ત અને જોર્ડન જ એવા અરબ દેશો હતાં કે જેમણે ઈઝરાયેલને ક્રમશઃ ૧૯૭૮ અને ૧૯૯૪માં માન્યતા આપી હતી. દાયકાઓથી મોટાભાગના અરબ દેશો ઈઝરાયેલનો એમ કહીને બહિષ્કાર કરતા આવ્યા છે કે જ્યાં સુધી પેલેસ્ટાઈનનો વિવાદ ઉકેલાશે નહીં ત્યાં સુધી તેઓ તેની સાથે કોઈ સંબંધ નહીં રાખે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અધ્યક્ષતામાં થયેલા સમારોહમાં યુએઈ અને બેહરીનના પ્રતિનિધિઓએ અલગ અલગ ઈઝરાયેલના પ્રતિનિધિ સાથે સમજૂતિ પર હસ્તાક્ષર કર્યાં. ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સમજૂતિનું સ્વાગત કરતા કહ્યું કે, ‘આ એક ઐતિહાસિક દિવસ છે. તે શાંતિની નવી સવારની શરૂઆત છે.’ યુએઈના વિદેશમંત્રી અને ત્યાંના શક્તિશાળી ક્રાઉન પ્રિન્સના ભાઈ શેખ અબ્દુલ્લાહ બિન ઝાયેદ અલ નાહયાને કહ્યું કે તેનાથી દુનિયાભરમાં આશાનું એક નવું કિરણ જાગશે. બેહરીનના વિદેશમંત્રી અબ્દુલ્લા આતિફ અલ ઝાયનીએ પણ ઐતિહાસિક સમજૂતિનું સ્વાગત ર્ક્યું અને સાથે એવી પ્રતિબદ્ધતા પણ જતાવી કે તેમનો દેશ પેલેસ્ટાઈનની પડખે રહેશે. જો કે પેલેસ્ટાઈનના લોકોએ આ સમજૂતિની ટીકા કરી  અને તેને ખતરનાક વિશ્વાસઘાત ગણાવ્યો. ૧૩ ઓગસ્ટના રોજ ઈઝરાયેલ-યુએઈ સમજૂતિની જાહેરાત થઈ હતી, જ્યારે ઈઝરાયેલ બેહરીન સમજૂતિની જાહેરાત ગત અઠવાડિયે થઈ હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પહેલ  પર આ ઐતિહાસિક સમજૂતિનો પાયો નંખાયો. તેની પાછળ ટ્રમ્પના સલાહકાર અને જમાઈ જેરેડ કુશનરે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. યુએઈ અને બેહરીનના નેતાઓ સાથે ફોન પર વાત કર્યા બાદ ટ્રમ્પે પોતે બંને સમજૂતિઓ અંગે જાહેરાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here