એશિયન ગેમ્સ 2018ઃ ભારતીય ખેલાડીઓએ ચાર ગોલ્ડ મેડલ જીત્યા

 એશિયન ગેમ્સમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવનાર બજરંગ પુનિયા અને (એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવનારી પહેલી મહિલા પહેલવાન વીનેશ ફોગાટ. (ફોટોસૌજન્યઃ પીટીઆઇ અનેે રોઇટર્સ )

જકાર્તાઃ ઇન્ડોનેશિયામાં ચાલી રહેલી 18મી એશિયન ગેમ્સમાં સૌરભ ચૌધરીએ નિશાનબાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પુરુષોની શૂટિંગની રમતમાં ભારતે બે મેડલ જીત્યા હતા. 10 મીટર એર પિસ્તોલ હરીફાઈમાં સૌરભ ચૌધરીએ સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો, તો અભિષેક વર્માએ કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. સૌરભ ચૌધરી તો હજી માત્ર 16 વર્ષનો છે, એણે 240.7ના સ્કોર સાથે નવો એશિયન ગેમ્સ રેકોર્ડ કર્યો છે અને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. હરિયાણાના 29 વર્ષના અભિષેક વર્માએ 219.3 પોઇન્ટ્સના સ્કોર સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. સૌરભ ચૌધરી ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાનો રહેવાસી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સૌરભને રૂ. 50 લાખનું ઇનામ આપવાની અને નોકરી આપવાની જાહેરાત કરી છે.
સૌરભે આ પહેલાં જર્મનીમાં ત્લ્લ્જ્ જુનિયર વર્લ્ડ કપ સ્પર્ધામાં પણ નવો વર્લ્ડ રેકોર્ડ કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેના એ દેખાવને પગલે એની પસંદગી એશિયન ગેમ્સ માટેની ભારતીય શૂટિંગ ટીમમાં કરવામાં આવી હતી.
એશિયન ગેમ્સના પાંચમા દિવસે શૂટર રાહી સર્નોબતે 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડન સફળતા મેળવતાં ભારતને ચોથો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ સાથે 18મા એશિયાડમાં ભારતના 4 ગોલ્ડ, 3 સિલ્વર અને 8 બ્રોન્ઝ એમ કુલ 15 મેડલ્સ થઈ ગયા છે. ભારતીય મેન્સ હોકી ટીમે પણ ગોલ્ડ મેડલ તરફ આગેકૂચ કરતાં ગ્રુપ મેચમાં હોન્ગકોન્ગને 26-0ના રેકોર્ડ સ્કોરથી કચડી નાખ્યું હતું. આ સાથે ભારતે તેના હોકી ઇતિહાસમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સૌથી મોટા અંતરના વિજયનો 86 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો.
18મી એશિયન ગેમ્સના બીજા દિવસે ભારતની મહિલા પહેલવાન વીનેશ ફોગાટે 50 કિલોગ્રામ વર્ગની ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં જાપાની યુકી ઇરાને 6-2થી પછાડી ગોલ્ડ જીત્યો છે. વીનેશ ફોગટ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા પહેલવાન બની છે. ગત એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારી વીનેશે આ વખતે સારું પ્રદર્શન કર્યું છે. આ ઉપરાંત ભારતીય નિશાનેબાજ દીપક કુમારે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો. 10 મીટર એર રાઇફલ સ્પર્ધાની ફાઇનલમાં દીપકે 247.7 પોઇન્ટ મેળવી બીજું સ્થાન હાંસલ કર્યું, જ્યારે ચીનના શૂટર યાંગ હાઓરાને 249.1 પોઇન્ટની સાથે ગોલ્ડ મેડલ પર કબજો મેળવ્યો હતો.
એશિયાઈ ગેમ્સમાં પહેલા જ દિવસે ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ગોલ્ડ અપાવનાર છે કુસ્તીબાજ બજરંગ પુનિયા. એણે પુરુષોની ફ્રીસ્ટાઇલ કુસ્તીની રમતમાં, 65 કિ.ગ્રા. વર્ગની ફાઇનલમાં જાપાનના પહેલવાન તાકાતીની દાઈચીને 11-8 સ્કોરના તફાવતથી પરાજય આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here