એલર્જીથી થતી શરદી

0
1944
Dr. Rajesh Verma

સામાન્ય રીતે શરદી સાત દિવસમાં મટી જાય છે છતાં પણ આ રોગથી બચવા માટે બહુ ધ્યાન આપવામાં આવતું નથી. દુનિયાભરના વૈજ્ઞાનિકો એક એવી ઔષધિ શોધવામાં લાગ્યાં છે કે જેથી શરદીનાં લક્ષણ દેખાતાં જ અટકી જાય, પરંતુ એર્લજીજન્ય શરદીનો સવાલ છે તો તેની તરફ કોઈ વિશેષ ધ્યાન અપાયું નથી. કોઈ એવી ઔષધિ હજી સુધી શોધાઈ નથી એવી પરિસ્થિતિમાં રોગીએ શું કરવું જોઈએ તેની જાણકારી આ આર્ટિકલમાં આપવામાં આવી રહી છે.

શરદી ઉત્પન્ન થવાનાં કારણોમાં એર્લજીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે, જેના સંપર્કમાં આવવાથી છીંક આવવાની શરૂ થઈ જાય અને છીંકો આવવાની અટકે જ નહિ. આ પ્રકારની શરદી વર્ષમાં ત્રણથી ચાર વાર થાય છે, જેના કારણે સ્વાસ્થ્ય પર અસર પડે છે. લાંબા સમય સુધી શરદી રહેવાથી નાકમાં કફ ભરાઈ રહે છે. આ રોગને એલેર્જિક રાઇનાઇટિસ કહેવામાં આવે છે. શરદી લાંબો સમય રહેવાથી માથાના દુખાવાની તકલીફ પણ થઈ જાય છે.

સાઇનસ પર પડેલી અસર પ્રમાણે દુખાવો ઓછો-વધારે થયા કરે છે. કેટલાક દિવસ સુધી નાસિકામાંથી ગાઢો હલકો પીળા રંગનો દુર્ગંધિત પદાર્થ નીકળવાનો શરૂ થઈ જાય છે. તેને એટ્રોપિક રાઇનાટિસ કહેવામાં આવે છે. નાકમાં પોપડી પણ જામી જાય છે, જેને દૂર કરવાથી લોહી પણ નીકળતું હોય છે.

સામાન્ય શરદી અને એલર્જીજન્ય શરદીમાં અંતર – સામાન્ય શરદી વિષાણુ સંક્રમણથી થતી હોય છે, જ્યારે એર્લજીવાળી શરદી એલર્જીના કારણે થાય છે.

સામાન્ય શરદી એક અઠવાડિયામાં જ ઠીક થઈ જાય છે, જ્યારે એલર્જીજન્ય શરદીને મટતાં ઘણી વાર લાગે છે.
સામાન્ય શરદી વર્ષમાં એકાદ બે વાર થાય છે. જ્યારે એલર્જીજન્ય શરદી લાંબા સમય સુધી ચાલી શકે છે.

સામાન્ય શરદીમાં શરીરનો દુખાવો, તાવ અને માથાનો દુખાવો એ સામાન્ય લક્ષણ છે, જ્યારે એલર્જીવાળી શરદીમાં મુખ્ય લક્ષણમાં છીંક આવવી, નાકમાંથી પાણી નીકળવું અને નાકમાં ખૂજલી આવવી.

એલર્જિક શરદીનાં લક્ષણઃ આ પ્રકારની શરદીમાં રોગીના ચહેરા પર પરેશાની દેખાય છે. તેનું કારણ એ છે કે સંક્રમણ થવાથી આંખોમાં લાલાશ અને મોઢામાં કડવાશ આવી જાય છે. નાકનું ટેરવું ખંજવાળવાથી સોજો આવી જાય છે, નાકથી અવાજ આવે છે. મોં સુકાઈ જાય છે શ્વાસોશ્વાસમાં પણ તકલીફ, નાકમાં હિસ્ટામીનનો સ્રાવ થવાથી ઝનઝનાહટ થયા કરે છે હિસ્ટામીનને લીધે છીંકો પણ આવે છે તથા નાકથી પાણી વહે છે.

એલર્જિક શરદીથી પ્રભાવિત થયેલી વ્યક્તિ – 3 વર્ષ થી 18 વર્ષની વય સુધીના એલર્જિક શરદીની ઝપેટમાં આવી જતા હોય છે. ખરેખર તો આ ઉંમર સુધીના લોકોમાં રોગપ્રતિરોધક શક્તિ પૂર્ણપણે વિકસિત થતી નથી. વયસ્કોની અપેક્ષામાં બાળકોમાં આ રોગનું સંક્રમણ 1પ ટકા વધારે હોય છે. બાળપણમાં એલર્જી થવાની શક્યતા વધારે હોય છે, પરંતુ જેમ જેમ ઉંમર વધારે થાય તેમ રોગપ્રતિકારકતા વધતી જાય છે. આ પ્રકારની શરદીથી પીડિતને દમ પણ થઈ જતો હોય છે.
એલર્જીવાળી શરદી હવા-પાણીથીઃ ઉત્તર ભારતમાં શિયાળામાં એલર્જીથી થતી શરદી વધારે જોવામાં મળે છે, કેમ કે આ મોસમમાં હવામાં નમી બહુ ઓછી હોય છે. સૂકી હવા હોવાથી નાકની શ્લેષ્મા ઝિલ્લીની નમી એટલે ભીનાશ ઓછી થઈ જાય છે, જેના લીધે મ્યુકસ અને નાકના નાના વાળ એર્લજીને રોકી શકતા નથી. મુંબઈમાં વરસાદની મોસમમાં નમી વધારે હોવાથી નાકનાં નાના નાના વાળ પ્રભાવિત થઈ જાય છે, જેથી સંક્રમણને રોકી શકતા નથી. ગરમીની મોસમમાં આ શરદીનું સંક્રમણ બહુ ઓછું જોવા મળે છે, પરંતુ ફૂલોની પરાગને લીધે ખતરો બહુ હોય છે, જે હવા સાથે ઊડતાં રહેતી હોય છે. જો કોઈ વ્યક્તિને આખુ વર્ષ શરદી રહે તો નિશ્ચિતપણે તેના સંપર્કમાં આવનારને એલર્જી થાય છે.

શરદી ઉત્પન્ન કરવાવાળી એલર્જેન્સની ઓળખઃ શરદી થવાનાં કારણો જાણવા માટે ચિકિત્સક દ્વારા ઘણાં બધાં પરીક્ષણો કરવામાં આવે છે, તેમ છતાં વ્યક્તિ સ્વયં કેટલાંક કારણોને પોતે જ જાણી શકે છે કે કયાં કારણોથી શરદીથી તે પીડિત છે. દાખલા તરીકે જો બિલાડીને ખોળામાં બેસાડવાથી છીંકો આવવા માંડે અને નાકમાંથી પાણી પડવા લાગે તો તે એલર્જિક લક્ષણ છે. તે વ્યક્તિને પાલતુ જાનવરના વાળથી એલર્જી છે. ભીનાશવાળી જગ્યામાં સાફસફાઈ કરવાથી છીંક આવવા લાગે છે તો તે વ્યક્તિને ફૂગથી એલર્જી છે. આમ છતાં ઘણી વાર જ્યાં સુધી ત્વચા પરીક્ષણ ન કરવામાં આવે ત્યાં સુધી એલર્જીને ઓળખી શકાતી નથી.

એલર્જી ઉત્પન્ન કરનારાં મુખ્ય કારણોઃ 1. પરાગ – ફૂલોની પરાગ હવામાં ઊડતી રહેતી હોય છે. આ પરાગથી એલર્જી ઉત્પન્ન થાય છે. આ કારણે બગીચામાં રમતાં બાળકોને એલર્જિક શરદી થવાની શક્યતા વધારે હોય છે.

ર. ધૂળ – ગાલીચા અને પડદા, રજાઈમાં ધૂળ બહુ જોવા મળે છે, જેથી પ્લાસ્ટિકના પડદા, વિનાઇલ ફ્લોરિંગનો ઉપયોગ કરવો જોઈએ. મૈટ્રેસ અને તકિયા પર પ્લાસ્ટિકના કવરનો ઉપયોગ કરવો જોઈએ. ધૂળને વેક્યુમ પમ્પથી હટાવવી જોઈએ.

3. ફૂગ અને ભેજ – બાથરૂમમાં ભીનાશને લીધે ફૂગના સ્પોરસ ઊગી જાય છે. આથી ફૂગ અને ભેજ હટાવવા માટે સૂકાપણું રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

4. પાલતુ જાનવરની યોગ્ય દેખરેખની સાવધાની – પાલતુ જાનવરને સૂવાના રૂમમાં ન આવવા દેવા જોઈએ. જાનવરને હાથ લગાવ્યા પછી હાથ ધોવા જોઈએ.

પ. ખોટી ટેવોનો ત્યાગ – મદ્યપાન એટલે કે દારૂ અને ધ્રૂમપાન કરતા રહેનારની સંવેદનશીલતા વધતી જાય છે. આલ્કોહોલ લોહીનળીમાં ફેલાઈ જાય છે જેના લીધે નાક વધારે વહે છે, આંખોમાંથી પાણી નીકળે છે અને એન્ટીહિસ્ટામીન ઔષધિ પણ અસર કરતી નથી.

6. ગંધકારી પદાર્થ – કેટલીક એવી વસ્તુઓ કે જેમાંથી સતત ગંધ નીકળતી રહે છે, જેમ કે સાબુ, અત્તર, ફિનાઇલ, ડેટોલ વગેરે. આ વસ્તુઓના સંપર્કમાં આવવાથી પણ એલર્જિક પ્રતિક્રિયાઓ થવા લાગે છે.

7. ખાદ્ય પદાર્થ – કેટલીક વ્યક્તિઓને દૂધ, દહીં, ઈંડાં, માછલી, દાળ જેવા અન્ય પદાર્થો ખાધા પછી બેચેની વધી જતી હોય છે તો આ વસ્તુઓનું સેવન ન કરવાની કોશિશ કરવી જોઈએ.

8. કોઈ કીડાનું કરડી જવું – પાંખોવાળા જીવડાથી બચવું જોઈએ, ખાસ કરીને મધમાખીથી બચવું. આવા જીવડા ડંખ મારે તો લાલશ આવી જાય છે અને સોજો આવી જાય છે (ક્રમશઃ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here