એક મહિનો સમર કેમ્પમાં રહેવાથી નિખાર આવે!

0
957

 

કે હું જાણું છું

‘શું કરું? હું શું કરું?’

પણ હજી થોડી ચર્ચા તો કરવા દે. પછી નક્કી કરું, મારે શું કરવું?

રાની વિચારતી હતી, થોડીક ડિસ્ટર્બ પણ હતી. આમેય છેલ્લા દસ દિવસથી લગભગ પથારીવશ હતી.

રાજ ખૂબ ઉત્કટ પ્રેમી હતો. પથારીમાં તે તેને ખૂબ પ્રેમ કરતો, તે પણ તેને પથારીમાં ખૂબ જ પ્રેમ કરતી. લગ્નને પાંચ વર્ષ થયાં, પણ બન્ને ઉત્કટ પ્રેમી રહ્યાં હતાં.

પથારીની બહાર પણ રાજ રાનીને ખૂબ પ્રેમ કરતો. વહેલા ઊઠીને રાની માટે ચા બનાવવી, પછી તેને ઉઠાડવી. કોઈક વાર નાસ્તો પણ બનાવવો, શાક સમારવું, રસોઈમાં મદદ કરવી, સૂચન કરવાં, ઓફિસથી સમયસર આવી જવું.

દરેક બર્થ-ડે પર સરપ્રાઇઝ ગિફ્્ટ આપવી, તે એને લવગિફ્ટ કહેતો. વેડિંગ એનિવર્સરી તો તે ઠાઠમાઠથી ઊજવતો. કહેતો, આવું લગ્નજીવન તો હજારે કોઈકનું જ હશે. લેટ અસ સેલિબ્રેટ.

અને તેને ઉચકી લેતો. વહાલ કરતો. ગૂંગળાઈ જવાય એવું વહાલ કરતો. વહાલ કરતો ત્યારે તેને સમયનું ભાન પણ નહોતું રહેતું.

હમણાંનુંય તેને સમયનું ભાન નહોતું રહેતું. દસ દિવસથી એની સેવાચાકરી તન, મન અને ધનથી પણ કરતો. રાતેય જાગતો જ રહેતો, એ ન સૂઈ જાય ત્યાં સુધી.

માંડ ઉઠાતું, છતાંય નાજુકાઈથી તેને બેઠી કરતો. બાથરૂમ ટોઇલેટ સુધી લઈ જતો. શરીર દબાવી આપતો. સમયસર દવા આપતો. દસ દિવસની ઓફિસેથી રજા લીધી હતી. હજીય કદાચ લંબાવશે.

આજે બપોરે તેની આંખ ખૂલી. બાથરૂમ જવું હતું, પણ રાજ નહોતો. તેણે ધીરે ધીરે બેઠા થવાનો પ્રયત્ન કર્યો. બેઠી થઈ. રાજને બૂમ પાડી, પણ અવાજ એકદમ ધીમો નીકળ્યો. એ ખુદ સાંભળી શકી નહિ એટલે કામવાળીને બૂમ પાડવાનું માંડી વાળ્યું.

દીવાલને ટેકે ટેકે બાથરૂમ જઈ આવી. ખૂબ થાકી ગઈ. હાંફવા લાગી. માંડ માંડ પલંગ પર બેઠી.

ક્યાં ગયો રાજ? મને એકલી તો મૂકતો જ નથી. પલંગ પાસે જ બેસી રહે છે. પોતાની જરૂરિયાતો પણ ભૂલી ગયો છે.

ક્યાં ગયો રાજ? જોઉં… કદાચ આમતેમ ગયો હશે.

ઊભી થઈ. દીવાલને ટેકે ટેકે છેલ્લા રૂમ તરફ જવા લાગી. છેલ્લી રૂમ પહેલાંના પેસેજ તરફ વળી.

ના જોઈ શકી.

ફસડાઈ પડાશે એમ લાગ્યું.

ધીરે ધીરે, થાકેલી થાકેલી, તૂટી ગયેલી, હાંફતી હાંફતી પાછી ફરી પલંગ પર પોતાની જાતને ગોઠવી ન શકી… પડતું જ મુકાઈ ગયું.

‘શું કરું?’ હથોડીઓ વાગી માથામાં.

‘કેવી રીતે માફ કરું? આવી વાતને તો કેવી રીતે માફ કરું?’

‘પણ ક્યારેય આવી કોઈ બાબત બની જ નથી. નજર ઉઠાવીનેય તેણે કોઈ રૂપાળી સ્ત્રી સામે જોયું જ નથી!’ અરે, કોઈ પણ સ્ત્રી સામે…’

‘આ પાંચ વર્ષમાં ડેબિટ સાઇડે કશું જ નથી. પ્લસપોઇન્ટ જ છે. માઇનસમાં… આજે જોયું તે જ… કદાચ આ દસ દિવસની સેવાચાકરીએ તેને થકવી દીધો હોય, તનથી અને મનથી પણ. મારે ભૂલી જવું જોઈએ… એનાથી જુદા ન જ પડાય… એકાદ સ્ખલનને કારણે… ના, ના, મારે સંજોગોય જોવા જોઈએ. કદાચ અકળાઈ ગયો હોય અને તેથી જ… કદાચ તેથી જ… રાની આગળ વિચારી ન શકી.

‘આઇ લવ હિમ… ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ…’

રાની બિલકુલ હળવી થઈ ગઈ.

‘મારે તેને જણાવવું જ નથી કે હું જાણું છું…’

માય ફૂ…ટ

‘હાય સ્વીટી, હાઉ આર યુ?’

‘ફાઇન! યુ?’

‘તારી હાજરીમાં તો ફાઇન જ હોઉંને?’ મંદિરાના ગાલ થપથપાવતાં જૈનેશ બોલ્યો.

બન્નેના એરેન્જડ વિવાહ હતા. બન્ને પોતાની ચોઇસથી ખૂબ ખુશ હતાં. બન્નેના પરિવારને પણ સંતોષ હતો. અને એટલે જ બન્નેના મળવા પર કોઈ પાબાન્દી નહોતી. બન્ને અવારનવાર મળતાં. વારતહેવારે એકબીજાને ઘેર જમતાં પણ ખરાં. જોકે જૈનેશની વાતો મંદિરાની આસપાસ જ રહેતી. મંદિરા એના વિશે કંઈ પૂછવા જાય તો તરત જ જૈનેશ મંદિરાને જ સેન્ટર બનાવીને…

 

‘મને થોડો પઝેસિવ લાગે છે’ મંદિરા એની ક્લોઝ ફ્રેન્ડ ઇશીને કહેતી’તી.

‘તું સાલી, લકી કહેવાય. વર તો પઝેસિવ જ સારો. આપણને ખૂબ પ્રેમ તો કરે. દરેક વાતે ખુશ રાખે.

‘અલી, આપણને નહિ, મને’

‘મારે જોઈતોય નથી. તારો પઝેસિવ વર તને મુબારક. ગળે લટકીને કે લટકાવીને ફરજે, પણ જો તુંય થોડી પઝેસિવ બનજે, એને વહાલ કરજે, તો…’

‘બસ! હવે બહુ ચાંપલી ન થા. મને કશી સમજ નથી પડતી એમ માને છે?’

‘સોરી, બસ.’

 

‘તું સ્લીવલેસ ટોપ અને જીન્સમાં… આવું ક્યારેય નહિ પહેરવાનું… મને નથી ગમતું.

‘પણ કેમ? આટલું તો મસ્ત લાગે છે.’

‘એટલે જ નહિ પહેરવાનું. તે દિવસે તું બ્લેક જીન્સ અને રેડ ટોપ પહેરીને આવી’તી ત્યારે મારા સર્કલમાં બધાએ બહુ જ નોન-વેજ કોમેન્ટ્સ…’

‘આમેય તારા ફ્રેન્ડ્સ દરેક છોકરી માટે ગમે તેવી કોમેન્ટ્સ કરે જ છે ને? એમાં શું? એમનો તો જાણે ધંધો થઈ પડ્યો છે….

‘એમાં શું… શું? મેં ના કહ્યું ને આવા ખુલ્લા ડ્રેસીસ નહિ પહેરવાના એટલે નહિ જ પહેરવાના’ જૈનેશનો અવાજ ઊંચો થઈ ગયો.

 

‘અરે, નવો મોબાઇલ લીધો. જોઉં?’

મંદિરાએ નવો સ્માર્ટ ફોન જૈનેશને આપ્યો.

જૈનેશે ફટાફટ ટચ કરી કરીને…

‘શું જુએ છે?’

‘આટલા બધા એસ.એમ.એસ.? કોના છે?’

‘તું મારા એસ.એમ.એસ. શેના જુએ છે? મેં તને ફોન જોવા આપ્યો’તો…

‘તારો વર છું… આટલા બધા એસ.એમ.એસ., થોડાક નોનવેજ પણ છે. કોના છે?

‘મારી ફ્રેન્ડ્સના’

‘હી કે શી?’

‘જૈનેશ બિહેવ યોરસેલ્ફ… આવી શંકા…’

‘કરવી જ પડે ને? મારે અત્યારથી જ તને કન્ટ્રોલ કરવી પડે. આજે એસ.એમ.એસ. કરે, કાલે કોઈ ક્લિપ ફરતી થાય તો

‘જૈનેશ…’ મંદિરા ચિલ્લાઈ, ‘તને મારા પર આટલી બધી…’

‘તે હોય જ ને! હું કહું છું તોય તું ડ્રેસ બાબતમાં સાંભળતી નથી અને વળી આ એસ.એમ.એસ…

‘હજી તું મારો વર નથી થયો. આટલી બધી સત્તા ન જમાવીશ.’

‘થવાનો જ છું ને? જો હું કહું તેમ જ તારે કરવાનું, કોને મળવું, કોને એસ.એમ.એસ. કરવા, કેવા ડ્રેસ પહેરવા, કોની સાથે બોલવું, કેવાં મુવીઝ જોવાં…’

‘એ… આ અઢારમી સદી નથી…’

‘સદીને ફદી… હું કહું એમ જ કરવાનું.’ અન્ડરસ્ટેન્ડ?’

મંદિરા સાંભળી રહી. સમસમી ઊઠી અને મોટેથી બોલી, ‘માય ફૂટ… યુ ઓર્થોડિક્સ… નેરો માઇન્ડેડ…’

‘સંભાળીને બોલજે… મેં કહ્યું ને… એક વાર કહ્યું એટલે બસ ખલ્લાસ…’

‘ખલ્લાસને… તો લે બસ ખલ્લાસ… આજથી મારું ને તારું બ્રેક અપ…’

હૈદરાબાદી ટોસ્ટ

‘હવે થોડીક વાર તો બેસ…’

‘દાદી, સાત વાગ્યે એક પાર્ટીને મળવાનું છે. હું છની લોકલ પકડીશ તો…’

‘આમેય તું કેટલા બધા વખતે આવ્યો. ચાર મહિના થયા… મુંબઈમાં છે તોય મળે છે? અઠવાડિયે એક વાર આવે તો મને કેટલું સારું લાગે…’

‘દાદી, તું મુંબઈ કહે છે, પણ કેટલાય દેશો મુંબઈ કરતાંય નાના છે…’

‘છોડ એ વાત. સાંભળ, તારા દાદાના ગયા પછી તું આવે છે તો મને બહુ જ સારું લાગે છે. પાર્ટીને કાલે મળજે. મેં આજે તારી ભાવતી આઇટમ બનાવી છે…’

‘ઓ દાદી, યુ આર ગ્રેટ, તેરા જવાબ નહિ… માય બ્યુટિફુલ, ગોર્જિયસ લેડી…’

‘ઓ બબૂચક. હું તારી પ્રેમિકા નથી.’

‘અરે હોય, તું તો મારી ખૂબ ખૂબ વહાલી પ્રેમિકા છે. આઇ લવ યુ દાદી… બસ રોકાઈ જાઉં છું. જરા પુનીને ફોન કરી લઉં…

‘હા, તારી સ્વીટુને ફોન કરી લે’ દાદીયે મોડર્ન હતી. ‘તારી પુત્રી માટે હૈદરાબાદી ટોસ્ટ લેતો જજે’

દાદી હતી એના મોટા દીકરાને ત્યાં. પંકજ અવારનવાર મળવા આવતો. આ વખતે જરા વધારે ટાઇમ થઈ ગયો એટલે દાદી જવા દેતી નહોતી.

આમ જ વાતોમાં અડધો કલાક ક્યાં પસાર થઈ ગયો તે ખબર પણ ન પડી.

‘તું ટીવી જો કે તારી કાકી સાથે વાત કર…’

પંકજે ટીવી ઓન કર્યું.

ન્યુઝ આવતા હતા.

છની લોકલમાં બોમ્બ બ્લાસ્ટ થયો’તો. તેનાં કમકમાટીભર્યાં દશ્યો… પંકજ જોઈ ન શક્યો. અને દોડતો કિચનમાં જઈ દાદીને વળગી પડ્યો અને મોટેથી બોલી ઊઠ્યો, ‘ઓ દાદી, તેં મને રોક્યો, નહિ તો…’ અને એ ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યો.

માની લેજો કે…

‘રાજેન મને એક વિચાર આવે છે.’

‘બોલ’

‘દર્શ હવે સાત વર્ષનો થયો. આ સમર વેકેશનમાં એને ટ્રેકિંગમાં કે સમર કેમ્પમાં મૂકીએ. એક મહિનો બરાબર એક્ટિવ રહેશે અને એની પર્સનાલિટીમાં નિખાર આવી જશે.

‘દિવ્યા હજી દર્શ બહુ નાનો છે. અત્યારથી એની પર્સનાલિટી…’

‘શેનો નાનો? આજુબાજુવાળાના ત્રણેય છોકરા સાત વર્ષના જ છે ને… એ બધાય સમર કેમ્પમાં જવાના જ છે. બધું જાતે કરતા થશે તો ઘણું બધું શીખશે. સ્વાવલંબીયે થશે.’

‘હવે તેં ધાર્યું છે તો… ક્યારે જવાનું છે?’

‘પહેલી મેથી. મેં પેલા ત્રણ જણની સાથે રજિસ્ટ્રેશન તો કરાવી જ દીધું છે.’

‘ઓ.કે…. હું જઉં… મારે ઓફિસનું મોડું થાય છે.’

‘બે મિનિટ… આપણે પણ કેટલાય વખતથી એકલાં ક્યાંય ગયાં નથી. લગ્નના પહેલા જ વર્ષે દર્શ થયો…’

‘તું શું કહેવા…’

‘કંઈ ખાસ નહિ. ટ્રાવેલ એજન્ટને કહીને પંદરેક દિવસનું પ્લાનિંગ કરીને એકાદ સારું પેકેજ લઈ લે. આપણે બન્ને એકલાં…’

‘મમ્મી’, સ્ટડીરૂમમાંથી દર્શ આવીને બોલ્યો, ‘તમે બે એકલાં ક્યાં જવાનાં…’

‘મારા દીકુ, તારે મોન્ટુ, શૈલ અને મિષ્ટી સાથે સમર કેમ્પમાં જવાનું છે.’

‘ના મમ્મી મારે નથી જવું. મારે તો મામા-માસીને ત્યાં જવું છે…’

‘ના બેટા, મામા-માસી તો બહાર જવાનાં છે. અને તનેય કેમ્પમાં મજા આવશે…’

‘હું જઉં એટલે તમે બન્નેય એકલાં… એકલાં… મારે તો તમારી સાથે જ આવવું છે. મારે સમર કેમ્પમાં નથી જવું.’ દર્શ પગ પછાડતા, રડમસ અવાજે બોલ્યો.

‘એક વાર કહ્યુંને… જવાનું એટલે જવાનું… નો આર્ગ્યુમેન્ટ…’

‘તમારે મને…’ દર્શ રડતો રડતો, એના વાળ પીંખતો બોલ્યો, ‘તમારાથી દૂર કાઢવો છે ને… જાવ તમારી કિટ્ટા…’

 

‘દર્શ, હવે ટેન્થમાં આવ્યો. એને પંચગીની હોસ્ટેલમાં મૂકીએ તો…’

‘હા, આપણા સર્કલમાં ચાર-પાંચ કપલ તેમનાં ચિલ્ડ્રનને પંચગીની મૂકવાનાં છે, પણ તને નથી લાગતું કે આપણે દર્શને પૂછવું જોઈએ…’

‘વોટ અ જોક… એમાં એને શું પૂછવાનું? આપણે એના બ્રાઇટ ફ્યુચર માટે જ આ ડિસિઝન લઈએ છીએને…’

‘મમ્મી, મારી ઇચ્છા નથી. હું આ સ્કૂલમાં બરાબર સેટ થઈ ગયો છું. મારા સર્કલમાં કોઈ પંચગીની નથી જવાનું. અમે બધા સાથે છીએ. એટલે ગ્રુપ ડિસ્કશન, ક્વેશ્ચન-આન્સર સરસ થાય છે અને અમને યાદ પણ સારું રહે છે. અમારા ટીચર્સ પણ અમારા પ્રોગ્રેસને એપ્રિસિયેટ કરીને અમારા ગ્રુપને…

‘ગ્રુપ ગ્રુપ શું કરે છે? ગ્રુપ તો ત્યાંય થઈ જશે! તું પંચગીનીની આ સ્કૂલ સાથે ક્યાં કમ્પેર કરે છે? તું એક વાર જા તો ખરો…! તું આ સ્કૂલ અને તારું ગ્રુપ બધુંય ભૂલી જઈશ… અમે જઈ આવ્યાં છીએ… તારે જવાનું જ છે!

 

હનીમૂન પરથી આવ્યાને બીજે જ દિવસે દર્શ અને પિહુએ મમ્મી-પપ્પાને કહ્યું, ‘અમને બન્નેને મુંબઈ એક જ કંપનીમાં જોબ મળી ગઈ છે. અમે કાલે જઈએ છીએ…’

‘પણ, આમ એકાએક…?’

‘મમ્મી, એકાએક કશું નથી. લગ્ન પહેલાં જ વાતચીત તો ચાલતી જ હતી. થોડું નેગોશિયેટ કરવાનું જ બાકી હતું…’

‘પણ અમને બન્નેને તમારી સાથે રહેવાનું નહિ મળે. વહુની સાથે રહેવાનું અમનેય મન છે… અને હવે પાછાં એકલાં થઈ જવાનું… અને તમે અમારી પાછલી ઉંમરેય…’

‘પપ્પા એ તમારો સવાલ છે. આમેય એમ માની લેજો કે…’ દર્શે મમ્મી-પપ્પા સામે જોયું. પિહુનો હાથ પકડ્યો ને બોલ્યો, ‘હું હજીયે હોસ્ટેલમાં જ છું.’

(વર્ષા પાઠકના લેખને આધારે)

 

લેખક કેળવણીકાર છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here