એકલતાના એવરેસ્ટ પર

0
1478

શિયાળાની વહેલી સવારે અજવાળાની સામે હારી ગયેલા અંધારામાં મારા ‘હું’ને માથે ફૂલ બેસે છે. લાગેે કે એકાંતમાં જ આપણે કેવળ ‘આપણે’ હોઈએ છીએ. અંધારાના ઉપકારો અનંત છે. અજવાળું સતત આપણી પ્રાઇવસી પર તરાપ મારે છે. અંધારું આપણા એકાંતને શણગારે છે. એકાંત (અલોનનેસ) અને એકલતા (લોન્લીનેસ) વચ્ચેનો તફાવત સૂક્ષ્મ છે તોય સ્પષ્ટ છે, આમંત્રણ આપ્યા વિના એકાંત નથી મળતું. એકલતા તો ટાઢિયો તાવ છે. તાવનું પણ અભિવાદન છે. હેન્રી ડેવિડ થોરો વોલ્ડન તળાવને કાંઠે દિવસો સુધી સંપૂર્ણ એકાંત માણતો રહ્યો. એકાંતને પોતાના પરમ મિત્ર ગણાવીને એણે કહેલું I never found a companion that was so companionable as solitude. એકલતા (lonelyness) અને એકાંત (aloneness) વચ્ચેનો તફાવત વિકરાળ છે. એકલતા ખટકે છે, જ્યારે એકાંત ગમે છે. અગ્નિ દઝાડે છે, પરંતુ તાપણું હૂંફ આપે છે.

શિયાળાનો કડકડતો સૂનકાર ઓઢીને જ્યારે હું એકલતાના એવરેસ્ટ પર આસન જમાવીને બેસું ત્યારે એકાંત મારી પીઠ પર હળવેકથી હાથ ફેરવે છે. એ વેળાએ સરૂપતા, કુરૂપતા અને અરૂપતા વચ્ચેના ભેદ પણ સાવ ઠંડા પડી જાય છે. એવી કોઈ મત્સ્યવેધી ક્ષણે જીવનનો અર્થ અને અનર્થ બન્ને સમજાવા માંડે ત્યારે મારા ‘હું’ને માથે બેઠેલું ફૂલ ખીલી ઊઠે છે. ફૂલનું ખીલવું એટલે શું? ફૂલનું ખીલવું એટલે ફૂલના અસ્તિત્વની સાર્થકતાનો મહોત્સવ. કોઈ ફૂલ મારા હાથમાં છે, એટલા જ કારણસર એ માત્ર મારું ફૂલ બની જાય ખરું? એ ખીલેલા ફૂલની સુગંધ મારી પાસે ઊભેલો માણસ પણ પામે ત્યારે મારે ફૂલ સાથે ઝઘડવું કે એ માણસ સાથે? જગતની અવળચંડાઈને કારણે ફૂલનો કોઈ માલિક હોઈ શકે, પરંતુ સુવાસનો માલિક તો કેવળ પરમેશ્વર જ હોવાનો! પત્ની હોય ત્યાં ધણી હોય, પરંતુ પ્રેમનો ધણી કેવળ પરમેશ્વર જ હોય છે. જગતમાં જ્યાં જ્યાં ધણીપણું કે ધણિયાણીપણું મજબૂત બને ત્યાં પ્રેમને જરૂર થોડો સુકારો લાગતો હોય છે. સુરત બાજુના ખેડૂતોમાં બોલાતાં બે વાક્યો નાનપણમાં સાંભળેલાં. જ્યારે છોડ પર ફૂલ બેસે ત્યારે તેઓ કહેતા કેઃ ‘ફુટારો લાગ્યો.’ જ્યારે છોડ ચીમળાવા લાગે ત્યારે તેઓ કહેતા કેઃ ‘સુકારો લાગ્યો.’ જે માણસ પ્રેમ ન પામે તેને સુકારો લાગી જાય છે. પ્રેમનો પરચો પામે ત્યારે એની માણસાઈને લાગેલો ફુટારો લાગે છે. માણસાઈને લાગેલો ફુટારો શાંતિ તથા પ્રસન્નતા પ્રગટાવે. પસંદગી આપણા હાથમાં! રડવું કે હસવું એ તો માણસની અંગત પસંદગી ગણાય. જીવનમાં બન્ને અપરિહાર્ય છે.

નદીના ઉદ્ગમસ્થાન જેવું પવિત્ર  સ્થાનક જગતમાં ભાગ્યે જ બીજું હોઈ શકે. બીજા ક્રમે એકાંત જરૂર આવી શકે, કારણ કે આપણા પોતાના ઉદ્ગમ સુધી પહોંચવા માટેની કેડી પર કોડિયું પ્રગટાવવાનું કામ એ કરી શકે. જેને લોકો રહસ્યવાદ (મિસ્ટસિઝમ) કહે છે તેનું ખરું સૌંદર્ય એકાંતમાં પ્રગટ થાય તો થાય! એકલતાની વાત જરા જુદી છે. એકલતા જેવી મહાન યુનિવર્સિટી શેની? એકલતાની એક ખૂબી જાણી રાખવા જેવી છે. એકાંતના રણમાં તો એ પજવે જ, પરંતુ ભીડના અરણ્યમાં પણ એની પજવણી અટકતી નથી. ટૂંકમાં એકલતાને એકાંતની ઝાઝી ગરજ નથી હોતી. કેળના પાન પર ચળકતું ઝાકળબિંદુ ક્યારે ખરી પડે તે કહેવું મુશ્કેલ છે. એ ખરી પડે તે પહેલાંનો સમય મૂલ્યવાન છે. શિયાળાની વહેલી સવારે આપણા ‘હું’ પર બેઠેલા ફૂલ પર ક્યાંકથી ઝાકળબિંદુ આવી પડે તો માનવું કે શિયાળો સાર્થક થયો! શું આપણે શિયાળાને નિરાશ કરીશું?

ડચ કવિ અને વિચારક હબ ઓસ્ટેરહ્યુસ પોતાની ડાયરીમાં લખે છેઃ

મને એક વાર કોઈ માણસને ભગવાનનું નામ લેતી વખતે રડતો જોયો. વળી બીજા માણસને ભગવાનનું નામ ગણગણતો સાંભળ્યો.

એણે કહ્યુંઃ હું તો પ્રાર્થના કરું છું. બેમાંથી કોઈએ મને કહ્યું નહિ કે ભગવાન તરફથી શો જવાબ મળ્યો.

મેં એ બન્નેને પૂછ્યુંઃ જો જવાબ ન મળતો હોય તો

પ્રાર્થના કરવાનો શો અર્થ? બન્ને જણા બોલ્યાઃ

શાંત રહેવું એ તો પ્રાર્થના

કરવા કરતાંય વધારે પજવનારું છે!

સૂર્યનું પ્રત્યેક કિરણ સાવ એકલું જ હોય છે, પરંતુ લોકો એ એકલાઅટૂલા કિરણને જોવા માટે ટેવાયા જ નથી. કિરણો એકબીજાંમાં ભળી જઈને જે વિશાળ ટોળું રચે તેને લોકો અજવાળું કહે છે. અજવાળું કિરણના વ્યક્તિગત અસ્તિત્વને ટોળાનો ભોગ બનાવી દે છે. ભીડની હઠ આગળ બિચારું કિરણ લાચાર છે. કિરણથી ભીડની ગુસ્તાખી સહન ન થાય ત્યારે એ પોતાની તેજોમય એકલતા લઈને ભાગી છૂટે છે. દેશી નળિયાંથી છવાયેલા કોઈ સાવ અજાણ્યા છાપરા પર પહોંચી જઈને સાવ નાની ફાટમાંથી એ કિરણ ઝૂંપડીમાં ઊતરી પડે છે. કશુંક અલૌકિક બની રહ્યું છે એવો અણસાર ઝૂંપડીમાં આમતેમ અટવાતી અસંખ્ય રજકણોને આવી જાય છે. સીધી લીટીની વ્યાખ્યા સમા એ કિરણમાં થનગનતી રજકણોનું નૃત્ય તમે કદી એકચિત્તે જોયું છે? કવિ હરીન્દ્ર દવેની પંક્તિ યાદ છે? ‘એક રજકણ સૂરજ થવાને સમણે!’

અજાણ્યા નિર્જર રસ્તા પર ચાલતો માણસ ગાઈને કે સીટી વગાડીને કે પછી લાકડી ઠોકીને પોતાના ડરને દૂર રાખવા મથે છે. એનો પોતાનો અવાજ પણ નિર્જનતાને થોડીક ભરેલી બનાવે છે. એને એક આશ્વાસન પ્રાપ્ત થાય છે કે પોતે સાવ એકલો નથી. એકાદ સદી પહેલાં માણસ ગામ છોડે કે તરત એકાંતની સીમ શરૂ થઈ જતી. માણસ જ્યારે પણ રણમાં, અરણ્યમાં, સમુદ્રમાં, ખેતરમાં કે વગડામાં એકલો પડી જતો ત્યારે એને સૂનકાર પજવતો. સદીઓથી પજવતી સૂનકારની સતામણીનું જાણે સાટું વાળતો હોય તેમ માણસ હવે ટીવી, રેડિયો કે લાઉડસ્પીકર પરથી મોટા અવાજે વહેતાં ગીતો, સંવાદો અને જાહેરખબરો સાંભળતો રહીને બનાવટી સલામતીનો અનુભવ કરે છે. રસ ન પડે તેવી બાબતો પણ એ ટીવી પર આંખ માંડીને લાચારીપૂર્વક એ જોયા કરે છે. આવી સાર્વત્રિક લાચારીનું રહસ્ય સૂનકારની સતામણીમાં રહેલું છે. મનનો ટોપલો ખાલી રહી જશે એવો ડરથી માણસ એમાં ગમે તે ચીજ ભરવા તૈયાર છે. શું ફૂલની છાબડીમાં ગોઠવવા માટે ફૂલ ન મળે, તો એમાં દૂધીનાં છોડાં ભરવાનાં? ખાલી છાબડીનો મહિમા કરીને મરીઝ કહે છે, ‘બીજી છે એની શોભા કે ખાલી પડી રહે.’ મનનું પણ એવું જ. મરાઠી કવિ ઇન્દિરા સંત કહે છેઃ

આકાશ માટે પક્ષી જોઈએ, પક્ષી માટે વૃક્ષ જોઈએ,

વૃક્ષ માટે આંગણું જોઈએ, આંગણા માટે ઘર જોઈએ. એક આંખમાં આનંદનું જળ જોઈએ, બીજી આંખમાં સ્નેહના કણ જોઈએ, બન્ને આંખોમાં આકાશ સહિત બધું જ સરખું જોઈએ!     (ક્રમશઃ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here