ઉત્તર ભારતમાં વિનાશકારી પૂરનું જોખમ, હિમાચલ પ્રદેશમાં હિમશીલાઓ ઓગળી રહી છે

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશની આસપાસ હિમશીલાઓ ઓગળવાથી સતલજ, રાવી અને ચિનાબ નદીઓનાં નીરમાં પુરવઠો અને વહેણનો ધસારો વધી જતાં સમગ્ર ઉત્તર ભારતમાં વિનાશકારી પૂર આવી શકે છે એવી ચેતવણી શિમલામાં આવેલા ક્લાયમેટ ચેન્જ સેન્ટરે ઉચ્ચારી હતી. સેટેલાઇટ દ્વારા લેવાયેલા ફોટોગ્રાફ્સના આધારે સેન્ટરે આ ચેતવણી આપતાં કહ્યું હતું કે સતલજ, ચિનાબ અને રાવીની કોતરોમાં અતિશય વેગે વહેતાં પાણીના ઝરા સર્જાયા છે.
સતલજની કોતરોમાં ૧૬ ટકા, ચિનાબની કોતરોમાં ૧૫ ટકા અને રાવીની કોતરોમાં ૧૨ ટકા જેટલાં ઝરણાં અને ધોધ વધી ગયાં હતાં. એનાં પાણી ધસમસતાં મેદાની વિસ્તારોમાં ઊતરી આવીને પંજાબ તથા ઉત્તર ભારતમાં વિનાશ વેરી શકે છે.
ક્લાયમેટ ચેન્જ સેન્ટરે કેન્દ્ર સરકારને મોકલેલા રિપોર્ટમાં જણાવાયા મુજબ, બરફ ઓગળવાથી બનેલા કેટલાંક સરોવરો તો દસ હેક્ટરથી પણ વધુ વ્યાપ ધરાવે છે. ૨૦૨૦ના વર્ષમાં ખાસ કરીને જુલાઇથી સપ્ટેમ્બર વચ્ચેના સમયગાળામાં અત્યંત સાવધ રહેવાની જરૂર છે. ૨૦૦૫માં તિબેટમાં બનેલું પારછુ સરોવર એ વિસ્તારમાં કેવી ખુવારી વહોરી ચૂક્યું છે એની યાદ તાજી કરાવતાં આ રિપોર્ટમાં જણાવાયું હતું કે ગ્લોબલ વોર્મિંગને પગલે દુનિયાભરમાં હિમશીલાઓ ઓગળી રહી છે અને ઠેર ઠેર તબાહી મચાવી રહી છે. મોટી મોટી નદીઓની કોતરોમાં રાતોરાત નવાં સરોવર રચાઈ જાય છે અને એ પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઊતરતાં ભારે વિનાશ વહોરે છે. કેન્દ્ર સરકારે આ મુદ્દે સતત સાવધ રહેવાની જરૂર છે એવી ચેતવણી આ રિપોર્ટમાં ઉચ્ચારવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here