ઉત્તર પ્રદેશ કૈરાના લોકસભાની બેઠક ભાજપે ગુમાવીઃ યોગી આદિત્યનાથની પ્રતિષ્ઠા ઝંખવાઈ ગઈ

0
876
IANS

ઉત્તરપ્રદેશ લોકસભાની બેઠકને ભારતીય જનતા પક્ષ કોઈ પણ રીતે જીતવા ઈચ્છતો હતો. આ બેઠક ભાજપમાટે આબરુ જાળવવાનો મુદો્ બની ગઈ હતી. 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે ઉત્તરપ્રદેશની 80 લોકસભાની બેઠકોમાંથી 72 બેઠકો પર જીત મેળવી હતી. 2019ની  આગામી લોકસભા ચૂંટણી પહેલાં કૈરાનાની પેટાચૂંટણી ભાજપ માટે અને ઉત્તરપ્રદેશના ઉમેદવાર યોગી આદિત્યનાથ માટે વટનો સવાલ હતી, જયારે એકઠા થઈને ગઠબંધન કરનારા વિપક્ષો માટે તેમનું જોડાણ કેટલું કારગત નીવડે છે તે પારખવાનો પ્રથમ મોકો હતો. ભાજપના વિરોધ માટે એકત્ર થયેલા વિવિધ પ્રાદેશિક પક્ષોને આ ચૂંટણીમાં મળેલી જીતને કારણે બળ મળ્યું છે. વિરોધી મોરચામાં ઉત્સાહનો સંચાર થયો છે. હવે તેઓ બધા બેવડું જોર લગાવીને ભાજપ સામે ચૂંટણી લડશે. આ અગાઉ ઉત્તરપ્રદેશના ફૂલપુર અને ગોરખપુરમાં ભાજપ પરાજિત થયો અને સપાએ જીત મેળવી હતી. હવે રાજકીય પંડિતોને આગામી ચૂંટણી ભાજપ માટે કપરાં ચઢાણ બની રહેશે એવું લાગે છે. હવે 2019ની લોકસભાની ચૂંટણીમાં જો ઉત્તરપ્રદેશમાં જ ભાજપનો રકાસ થાય તો શાસનનો દોર ભાજપના હાથમાંથી છિનવાઈ જશે, એમાં બેમત નથી. યોગી આદિત્યનાથની ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે વરણી કરીને ભાજપના મોવડીઓએ ભૂલ કરી છે એવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. યોગી આદિત્યનાથ પોતાના જ મતવિસ્તારમાં- ગોરખપુરમાં ભાજપના ઉમેદવારને ન જીતાડી શક્યા. હવે આ કૈરોનાની બેઠક પર ભાજપનો પરાજય એ તો દાઝ્યા પર ડામ જેવો ઘાટ થયો છે. ભાજપના મોવડીમંડળે અને ખાસ તો ભાજપના પ્રમુખ અમિત શાહ અને સુકાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરાજયના કારણો શોધીને મતદારોને ભાજપ પ્રતિ વાળવાના ઉપાયો ત્વરાથી શોધવા પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here