ઈશાન ભારતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અશ્વમેધનો ડંકો

0
1008

નેઇફિડ રિઓ,વિપ્લવ કુમાર દેવ, કોનરાડ સંગમા

ભારતના આઝાદીના સાત દાયકા સુધી સત્તાના ભોગવટા પછી કોંગ્રેસ હાંફી ગઈ લાગે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘કોંગ્રેસમુક્ત’ ભારતના મિશનનો અશ્વમેધ હવે ઈશાન ભારતનાં આઠમાંથી સાત રાજ્યોને પોતાના પડખામાં લેવામાં સફળ રહ્યા પછી દક્ષિણ ભારતને ફતેહ કરવા ભણી આગળ વધશે. હમણાં માર્ક્સવાદી મોરચાના શાસન તળે છેલ્લાં 25 વર્ષથી સતત રહેલા ત્રિપુરા રાજ્યના બે દાયકાથી મુખ્યમંત્રી રહેલા માણિક સરકારના ગઢને ધ્વસ્ત કરવામાં નરેન્દ્ર મોદી-અમિત શાહની જોડીના વડપણ હેઠળ ભાજપ-સંઘ પરિવારને સફળતા મળી. નાગાલેન્ડ અને મેઘાલયને પણ ભાજપના નેતૃત્વવાળા રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા (એનડીએ)માં સમાવી લઈને કોંગ્રેસ અને માર્ક્સવાદી મોરચાને માત આપ્યા પછી મોદીના અશ્વમેધનો ઘોડો દક્ષિણ ભારતના કર્ણાટકને સર કરવા ભણી આગળ વધવા કૃતસંકલ્પ છે. ઈશાન ભારતનાં આઠ રાજ્યોમાંથી એકમાત્ર મિઝોરમ સિવાયનાં સાત રાજ્યો, આસામ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, સિક્કિમ, મણિપુર અને નાગાલેન્ડ તો મોદી-છત્ર હેઠળ આવી ચૂક્યાં છે. મિઝોરમમાં વર્ષ 2018ના અંત પૂર્વે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને કોંગ્રેસશાસિત આ રાજ્યને એનડીએમાં ભેળવી દેવાની દિલ્હીશ્વરની યોજના છે. ઈશાન ભારતમાં સંઘ પરિવારનું કામ દાયકાઓથી ચાલતું રહ્યું છે.

ઈશાનમાં સામૂહિક પક્ષાંતર ફળ્યાં
કેન્દ્રમાં જેની સત્તા હોય એની સાથે રહેવાની આ રાજ્યોની નેતાગીરીની મંછાએ વીતેલા દાયકાઓમાં કોંગ્રેસ અને એના મિત્રપક્ષોની બોલબાલા જાળવી છે. જોકે અરુણાચલ પ્રદેશમાં અગાઉ કોંગ્રેસના મુખ્યમંત્રી રહેલા ગેગાંગ અપાંગના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથેના સંબંધો એમને ભાજપ ભણી ખેંચી ગયા હતા, પણ છેલ્લે તો અન્ય ઈશાન રાજ્યોની જેમ સામૂહિક પક્ષાંતર થકી અરુણાચલ સહિતનાં રાજ્યોમાં ભાજપની કે ભાજપી મિત્રોની સરકારો રચાઈ છે. છેલ્લે છેલ્લે જે ત્રણ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ એમાં ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં અનુક્રમે માર્ક્સવાદી મોરચા, કોંગ્રેસ અને ભાજપી મિત્ર પક્ષની સરકાર હતી. ચૂંટણી જાહેર થતાં જ આવેલા પરિવર્તનમાં મહત્ત્વનું પરિવર્તન તો નાગાલેન્ડના મુખ્યમંત્રી ઝેલિયાંગના પક્ષ સાથેનું જોડાણ તોડીને ભાજપ થકી નેઇફિડ રિઓના નવરચિત પક્ષ સાથે જોડાણ કરવાનું પસંદ કર્યું હતું. એને એ ફળ્યું પણ ખરું, ભલે બેઠકો ઓછી મળી, પણ રિઓ મુખ્યમંત્રી બન્યા એટલે ભાજપી મોરચો મજબૂત બન્યો. મેઘાલયમાં કોંગ્રેસને સૌથી વધુ બેઠકો મળી, પણ ત્રિશંકુ વિધાનસભામાં માત્ર બે બેઠકો ભાજપને મળ્યા છતાં અગાઉ ભાજપના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનેલા

પી. એ. સંગમાના પારિવારિક પક્ષના સાંસદ અને સંગમા પુત્ર કોનરાડ સંગમા મુખ્યમંત્રી બન્યા.
સંઘનું કામ અને મેન-ફ્રાઇડેના વ્યૂહ
ત્રિપુરાના ‘મહારાજા’ અને ત્રિપુરા કોંગ્રેસના કાર્યાધ્યક્ષ પ્રદ્યોત વિક્રમ માણિક્ય દેવવર્મનને ભાજપ થકી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે આગળ કરવાની ઓફર એમણે ચૂંટણી પૂર્વે ફગાવી હતી. સદ્નસીબે ભાજપ અને પહાડી પક્ષોના જોડાણને ત્રિપુરામાં બહુમતી મળી અને સંઘના નિષ્ઠાવંત એવા જ વિપ્લવ કુમાર દેવને મુખ્યમંત્રી થવાનો અવસર મળ્યો. સુનીલ દેવધર સાથે તેમનું ‘ટ્યુનિંગ’ બરાબર રહ્યું. જેવો દેશ તેવો વેશ કરવામાં મોદી-શાહ જોડીનું રાજકારણ ઈશાન ભારતનાં ખ્રિસ્તીબહુલ રાજ્યોમાં પણ એનડીએની સરકાર સ્થાપિત કરવામાં સફળતા મેળવી શકે છે.
આસામની વર્તમાન ભાજપ સરકારના વરિષ્ઠ મંત્રી હિમંતા બિશ્વાસ સર્મા અગાઉ કોંગ્રેસની તરુણ ગોગોઈની સરકારમાં મંત્રી હતા ત્યારે ભાજપની નેતાગીરી એમને સૌથી ભ્રષ્ટ મંત્રી લેખાવતી હતી, પરંતુ સર્મા ભાજપમાં જોડાયા પછી એ ઈશાન ભારતમાં મોદીના મેન-ફ્રાઇડે બની ગયા છે. આ સર્માને કોંગ્રેસના અત્યારના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભૂતકાળમાં એટલી હદે અવગણ્યા હતા કે એમને મુલાકાત પણ આપી નહોતી. હવે કોંગ્રેસની નેતાગીરીએ પસ્તાવાનો વારો આવ્યો છે. કારણ સર્માના પ્રયાસોથી ઈશાન ભારતમાં કોંગ્રેસ જ નહિ, પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ પાર્ટીનાં મુખ્યમંત્રી મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યો પણ ભાજપ સાથે વેર માંડતા રહ્યા છે.
ઈશાન ખૂણાના શુકન પછીની ચડાઈ

ઈશાન ખૂણાને પવિત્ર લેખાવીને વડા પ્રધાન મોદી તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શાહે કર્ણાટકને કબજે કરવા ભણી સઘળું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી હજી તો પોતાની સેનાને ગોઠવે ત્યાં તો ભાજપ અને સંઘ પરિવાર એમના વ્યૂહને ખેદાનમેદાન કરી નાખવાનાં પગલાં લઈ લે છે. કર્ણાટકમાં અત્યારે કોંગ્રેસના સિદ્ધરામૈયાની સરકાર છે. કર્ણાટક મૂળે કોંગ્રેસનો ગઢ રહ્યો છે, પરંતુ એના કોંગ્રેસી મુખ્યમંત્રી અને ભારતના વિદેશમંત્રી રહેલા એસ. એમ. કૃષ્ણાને ભાજપમાં લાવીને ભગવી પાર્ટીએ મીર માર્યાનો અનુભવ કર્યો છે. આ એ જ કૃષ્ણા છે, જેમણે વિદેશમંત્રી તરીકે પોતાના ભાષણને બદલે બીજા કોઈનું ભાષણ સંયુક્ત રાષ્ટ્રમાં વાંચ્યું ત્યારે ભાજપની નેતાગીરીએ એમની ટીકા કરવામાં કોઈ મણા રાખી નહોતી. જોકે યુદ્ધ અને પ્રેમમાં બધું જ વાજબી ગણાય છે એમ જ્યારે જ્યાં જેની જરૂર જણાય એ કરવામાં મોદી-સેના પીછેહઠ કરતી નથી. એમણે અગાઉ ભ્રષ્ટાચારના ખટલાઓમાં જેલવાસી રહેલા અને ભાજપ છોડીને પ્રાદેશિક પક્ષ સ્થાપનારા યેદિયુરપ્પાને મુખ્યમંત્રીપદના ઉમેદવાર તરીકે આગળ કરવાનું પસંદ કર્યું છે. કર્ણાટકમાં અગાઉના વડા પ્રધાન એચ. ડી. દેવેગૌડાનો જનતા દળ (સેક્યુલર) પક્ષ ભાજપ અને કોંગ્રેસ સાથે ઘર માંડતો રહ્યો છે. દેવેગૌડાના પુત્ર એચ. ડી. કુમારસ્વામીને એ જોડાણોમાં જ મુખ્યમંત્રી બનવાની તક મળી હતી.
આ વખતે અહીં ત્રિપાંખિયો જંગ છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરી સ્પર્ધા છે, પણ માયાવતીની બહુજન પાર્ટી અને શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે જોડાણ ધરાવતો જનતા દળ (સેક્યુલર) નામનો દેવેગૌડાનો પક્ષ ભાજપનો ખેલ ખેલી રહ્યાનું સ્પષ્ટ છે. જરૂર પડ્યે એ ભાજપની સરકાર રચવામાં મદદ કરી શકે. જોકે મુસ્લિમ અને દલિત વોટબેન્ક પર વર્તમાન મુખ્યમંત્રી સિદ્ધરામૈયાનો પ્રભાવ ઘણો છે. લિંગાયત વોટબેન્કમાં પણ એમનો પ્રભાવ છે, પરંતુ કેન્દ્રમાં ચાર-ચાર મંત્રી ધરાવનાર ભાજપ માટે અનુકૂળતા કરી આપવા માટે સમગ્રપણે સંઘ પરિવાર કામે વળગેલો છે.
ખ્રિસ્તીબહુલ મિઝોરમ પર મીટ

સમગ્રપણે લગભગ ખ્રિસ્તી રાજ્ય એવા મિઝોરમમાં દાયકાઓથી કોંગ્રેસનું શાસન રહ્યું છે. ભાગલાવાદી મિઝો નેશનલ ફ્રન્ટ સાથે સમજૂતી થતાં લાલ ડેન્ગા માટે મુખ્યમંત્રીપદ ખાલી કરી આપનાર લાલથનહવલા અત્યારે પણ મુખ્યમંત્રી છે. લાલથનહવલા અગાઉ લાલડેન્ગાના મિલિટન્ટ સાથી હતા, પણ એ ભારતીય બંધારણની સ્વીકૃતિ સાથે મુખ્ય ધારામાં આવી ગયા હતા. મિઝોરમમાં ખ્રિસ્તીબહુલ વસતિને કોંગ્રેસ આકર્ષતી રહી છે અને ખ્રિસ્તી રાજ્યની સ્થાપના માટે સદ્ગત વડા પ્રધાન રાજીવ ગાંધી પણ કોંગ્રેસના ચૂંટણીઢંઢેરામાં એનો સમાવેશ કરતા રહ્યા હતા. જોકે આ વખતે મિઝોરમ પરથી કોંગ્રેસનો કબજો દૂર કરીને ભાજપ કે પછી ભાજપી મિત્રના કબજામાં એને આણવા માટે હવે ચક્રો ગતિમાન થયાં છે. વડા પ્રધાન મોદીનું ધ્યાન ઈશાન ભારત પર ખાસ્સું કેન્દ્રિત છે. એમણે પ્રત્યેક મહિને પોતાના મંત્રીઓ વારાફરતી ઈશાન ભારતની મુલાકાતે જાય અને ત્યાંના પ્રશ્નો ઉકેલવામાં સક્રિયતા દાખવે એવું તંત્ર ગોઠવ્યું છે.

મોસાળમાં મા પીરસતી હોય એવું તંત્ર ગોઠવીને ઈશાન ભારતનાં આઠેય રાજ્યોને મોદી-શાહે ભગવી બ્રિગેડમાં સામેલ કરવામાં કટ્ટર હિન્દુવાદી નીતિને બદલે ઉદાર નીતિઓ અમલમાં આણવાનું પસંદ કર્યું છે. કેન્દ્ર સરકારમાં ખ્રિસ્તી સમાજનું પ્રતિનિધિત્વ કરનાર મંત્રી કે. જે. આલ્ફોન્સને ઈશાન ભારતની ખ્રિસ્તી વસતિને પોતીકાપણું અનુભવાય એ માટે પ્રભારી બનાવીને પાઠવાય છે. ભાજપની દેશનાં અન્ય રાજ્યોમાં ગોમાંસ-ભક્ષણ વિરોધી નીતિ ભલે હોય, ઈશાન ભારતનાં રાજ્યો ઉપરાંત કેરળ અને ગોવામાં આ નીતિને કોરાણે મૂકવાનું પસંદ કરીને પ્રજાની ખાનપાન પદ્ધતિનો આદર કરવામાં આવે છે.
ઈશાન ભારતનાં રાજ્યોમાં ભાજપની કેન્દ્ર સરકાર થકી પોતીકા રાજ્યપાલો નિયુક્ત કરાયા છે. કર્ણાટક સર કર્યા પછી મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ, જેમાં ભાજપશાસિત રાજ્યોમાં સત્તા ટકાવવાની સાથે જ મિઝોરમ કબજે કરવાના વ્યૂહ છે. કેરળમાં ભાજપને રોકડી એક જ ધારાસભા બેઠક મળી છે. તમિળનાડુમાં પણ સંસદમાં એકાદ બેઠક જ મળે છે. આવતા દિવસોમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશા કબજે કરવાના આગોતરા વ્યૂહ ઘડાઈ રહ્યા છે.
ઈ-મેઇલઃ [email protected]

લેખક સરદાર પટેલ સંશોધન સંસ્થા-સેરલિપના સંસ્થાપક નિયામક અને પ્રાધ્યાપક તથા ઇન્ડિયન એક્સપ્રેસ જૂથના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here