ઇન્ડો અમેરિકન સિનિયર સિટિઝન સેન્ટર ઓફ ન્યુ યોર્ક ઇન્ક. દ્વારા યોજાયેલી પિકનિક

0
930

ન્યુ યોર્કઃ ઇન્ડો અમેરિકન સિનિયર સિટિઝન સેન્ટર ઓફ ન્યુ યોર્કના ઉપક્રમે તાજેતરમાં આઇઝન ઓવર પાર્કમાં પિકનિક યોજાઈ હતી. પ્રકૃતિના પ્રાંગણમાં આહ્લાદક ખુશ્બૂભર્યા વાતાવરણમાં અને પાર્કની હરિયાળીમાં સેવાભવી સ્વયંસેવકો અને કમિટી મેમ્બરો આવી પહોંચ્યા અને કામકાજમાં લાગી ગયા. ખુરશી-ટેબલ ગોઠવવાના, લાવેલી વસ્તુ ગાડીઓમાંથી ઉતારવાની, ગોઠવવાની વગેરે કામગીરી કરવા લાગ્યા. ભૂરા ભૂરા નભની છાયામાં મેમ્બરો અને મહેમાનોના આવવાની શરૂઆત થઈ ગઈ. આ સંખ્યા 275 સુધી પહોંચી ગઈ.
પ્રમુખ મુકુંદભાઈ મહેતાએ સૌને આવકારતાં, સહકાર બદલ આભાર માનતાં સૌને હર્ષપૂર્વક બિરદાવ્યા. મહેમાન કલાકાર શિવલાલ સૂક જેઓ રાજકોટ (ભારત)ના વતની આપણી સંસ્થાના સભ્ય જગદીશ (બકુલાબહેન) પટેલની ભલામણથી આવ્યા હતા તેમણે હાસ્ય રંગથી ભરપૂર જોક્સની શરૂઆત કરી દીધી. સાથે સાથે શાયરી લલકારી અને તેમના નાટકની પણ વાત કરી. ભારતમાં પ્રસિદ્ધ થયેલું તેમનું નાટક ‘જીવન સંધ્યા’ કે જેમાં તેમણે મુખ્ય પાત્રનો અભિનય કર્યો હતો તે નાટકના થોડા હૃદયદ્રાવક ડાયલોગની રજૂઆત કરી. સૌએ સૂકને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા.
ત્યાર પછી રમતગમતનો દોર શરૂ થયો. બહેનો અને પુરુષોની મ્યુઝિકલ ચેર, બલૂન ફોડ વગેરે રમતો રમાડવામાં આવી અને વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા. લંચ તૈયાર થાય ત્યાં સુધી દિનેશ (કૈલાસબહેન) શાહે જોક્સની રમઝટ ચલાવી. રાજેશભાઈ અને રૂપાબહેને સજોડે યુગલ ગીત ગાયું.
લંચ પછી વૃક્ષની શીતળ છાયામાં બેસી સૌ બિંગોની રમત રમ્યા. સૌએ સારી એવી ટિકિટો ખરીદી હતી. વિજેતાઓને સારી માત્રામાં રોકડ ઇનામો આપવામાં આવ્યા. સાંજે ડિનર પીરસવામાં આવે તે પહેલાં એક અનોખી રમત રમાડવામાં આવી, જેમાં આશરે 105 સભ્યોએ ભાગ લીધો હતો. આ રમતમાં 7-7 સભ્યોનાં અલગ અલગ ગ્રુપ બનાવવામાં આવ્યાં અને નામ આપવામાં આવ્યાં. દરેક ગ્રુપને અલગ અલગ વસ્તુઓ ભેગી કરવાનું કહેવામાં આવ્યું. જોકે આ વસ્તુઓ સહેલાઈથી મળી શકે તેવું નહોતું. કસોટી હતી, તેમ છતાં પ્રયત્ન કરી આ વસ્તુઓ ભેગી કરી અને ઇનામના હકદાર બન્યા. મ્યુઝિક અને બુલંદ અવાજમાં સૌએ રાસ-ગરબા રમવાનો લાભ લીધો હતો. પિકનિકમાં રમતગમતો અને સુંદર આયોજનની તૈયાર કરી સૌને દિવસ દરમિયાન આનંદપૂર્વક કાર્યરત રાખવામાં મહત્ત્વનો ફાળો પ્રમુખ પંકજભાઈ પરીખ અને વર્ષાબહેન પરીખને ફાળે જાય છે.
(અહેવાલઃ નરેશ ટી. શાહ, ફોટોગ્રાફઃ નરેન્દ્ર ચોકસી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here