ઇન્ડોનેશિયાના નાગરિકો માટે 30 દિવસના મફત વિઝાઃ વડા પ્રધાન મોદી

(ડાબે) વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના પ્રમુખ જોકો વિડોડોએ 30મી મેએ ઇન્ડોનેશિયાના જાકાર્તામાં આયોજિત કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો અને પતંગ ચગાવવાનો આનંદ પણ માણ્યો હતો. બન્ને નેતાઓએ કાઇટ ફેસ્ટિવલ ખુલ્લો મૂક્યો હતો. (વચ્ચે) મલેશિયાના કુઆલા લમ્પુરમાં 31મી મેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મલેશિયાના વડા પ્રધાન ડો. મહાધીર બીન મોહમ્મદ વચ્ચે મંત્રણા થઈ હતી. 

જાકાર્તા-કુઆલા લમ્પુરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ એશિયાના ત્રણ દેશો ઇન્ડોનેશિયા-મલેશિયા-સિંગાપોરના પાંચ દિવસના પ્રવાસે છે. વડા પ્રધાન મોદી ઇન્ડોનેશિયાના પાટનગર જાકાર્તા પહોંચ્યા હતા. આ પછી અંગ્રેજીમાં ટ્વિટ કરીને કહ્યું હતું કે ભારત-ઇન્ડોનેશિયા પડોશી મિત્રોદેશો છે. આ પ્રવાસથી બન્ને દેશોના સંબંધો વધુ મજબૂત થશે. પ્રથમ વાર ઇન્ડોનેશિયાના પ્રવાસે આવેલા મોદીએ ઇન્ડોનેશિયાના પ્રમુખ જોક વિડોડો સાથે મંત્રણા કરી હતી. મોદીએ ઇન્ડોનેશિયાના નાગરિકો માટે 30 દિવસ માટે મફત વિઝાની જાહેરાત કરી હતી. તેમણે ઇન્ડોનેશિયાના નાગરિકોને ભારત આવવા આમંત્રણ આપ્યું હતું.
જાકાર્તાના કન્વેન્શન સેન્ટરમાં સંબોધન કરતાં મોદીએ જણાવ્યું હતું કે તમારામાંથી ઘણા નાગરિકોને ભારત વિશે ઓછી માહિતી હશે, હું તમને ભારત આવીને ન્યુ ઇન્ડિયા વિશે વધુ માહિતી મેળવવા આમંત્રણ આપું છું. ઇન્ડોનેશિયાના નાગરિકોને 30 દિવસ સુધી મફત વિઝા અપાશે. પોતાના વક્તવ્યમાં મોદીએ કહ્યું કે આગામી વર્ષે પ્રયાગમાં શરૂ થનારા કુંભમેળામાં પણ ઇન્ડોનેશિયાના નાગરિકો જોડાઈ શકશે. આ મુલાકાત દરમિયાન બન્ને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવવા માટે સમજૂતી થઈ હતી અને લગભગ 15 કરાર થયા હતા, જેમાં સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવવા, વેપારનો વ્યાપ વધારવાનો સમાવેશ થાય છે. આ પછી બન્ને દેશોના નેતાઓએ સંયુક્ત નિવેદનમાં આતંકવાદનો નાશ કરવા પર ભાર મૂક્યો હતો.
મોદીએ જાકાર્તામાં આવેલા અર્જુન રથના સ્મારકની મુલાકાત લીધી હતી. જાકાર્તામાં અર્જુનનો રથ, અર્જુન અને શ્રીકૃષ્ણનું સ્મારક આવેલું છે, જેની મુલાકાત મોદીએ લીધી હતી. આ સ્મારક ભારત-ઇન્ડોનેશિયાના પૌરાણિક સંબંધોની નિશાની દર્શાવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના પ્રમુખ જોકો વિડોડોએ 30મી મેએ ઇન્ડોનેશિયાના જાકાર્તામાં આયોજતિ કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો અને પતંગ ચગાવવાનો આનંદ પણ માણ્યો હતો. બંને નેતાઓએ કાઇટ ફેસ્ટિવલ ખુલ્લો મૂક્યો હતો.
ઇન્ડોનેશિયાથી વડા પ્રધાન મોદી મલેશિયા જવા રવાના થયા હતા. મલેશિયાના પાટનગર કુઆલા લમ્પુરમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મલેશિયાના કુઆલા લમ્પુરમાં 31મી મેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મલેશિયાના વડા પ્રધાન ડો. મહાધીર બીન મોહમ્મદ વચ્ચે મંત્રણા થઈ હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here