ઇંગ્લેન્ડને 203 રનથી હરાવી ભારતે સિરીઝને જીવંત રાખી


વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે ટ્રેન્ટબ્રિજમાં ત્રીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 203 રનથી
પછાડીને જીત હાંસલ કરી છે. વિરાટ કોહલી મેન ઓફ ધ મેચ બન્યો છે. (ફોટોસૌજન્યઃ આરબ ન્યુઝડોટકોમ)

નોટિંગહામઃ વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે ટ્રેન્ટબ્રિજમાં ત્રીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 203 રનથી પછાડીને મહત્ત્વની જીત હાંસલ કરી છે. પાંચ મેચોની શ્રેણીમાં ઇંગ્લેન્ડની સરસાઈ ઘટીને 2-1 થઈ છે. પાંચમા અને છેલ્લા દિવસે મેચ જીતીને કોહલી અને એના સાથીઓએ શ્રેણીને જીવંત રાખી છે.
ઇંગ્લેન્ડને મેચ જીતવા માટે 521 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ટીમ 317 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઇંગ્લેન્ડે ચોથા દિવસને અંતે 9 વિકેટે 311 રન કર્યા હતા.
વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો છે. એણે ભારતની જીત કેરળમાં વિનાશકારી પૂરમાં માર્યા ગયેલાઓને અર્પણ કરી છે.
ઇંગ્લેન્ડને બીજા દાવમાં ધમરોળનાર ભારતનો બોલર છે જસપ્રીત બુમરાહ. એણે 85 રનમાં પાંચ વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડે 62 રનમાં 4 વિકેટ ગુમાવ્યા પછી બેન સ્ટોક્સ (62) અને વિકેટકીપર જોસ બટલર (106)ની જોડીએ ભારતના બોલરોનો જોરદાર પ્રતિકાર કર્યો હતો, પણ અંતિમ સત્રમાં ફાસ્ટ બોલર બુમરાહ પાયે ત્રાટક્યો હતો અને બટલર, જોની બેરસ્ટો અને ક્રિસ વોક્સની વિકેટ પાડી દેતાં ઇંગ્લેન્ડ પરાજય તરફ ધકેલાયું હતું. હાર્દિક પંડ્યાએ બેન સ્ટોક્સને આઉટ કરી જીત ભણી ભારતની દોટની ગતિ વધારી હતી, પણ આદિલ રશીદ અને સ્ટુઅર્ટ બ્રોડ (20)ની જોડી 50 રનની ભાગીદારી કરીને બોલરોને હંફાવ્યા હતા. 291 રનના સ્કોર પર બુમરાહે બ્રોડને આઉટ કરતાં ભારત જીતથી માત્ર એક જ વિકેટ દૂર રહ્યું, પણ રશીદની સાથે જોડાયેલા એન્ડરસને ભારતનો વિજય લંબાવ્યો હતો. ઈશાંત શર્માએ કીટન જેનિંગ્સ (13) અને એલેસ્ટર કૂક (17)ને આઉટ કરી ભારત માટે વિજયનાં દ્વાર ખોલ્યા હતાં. કેપ્ટન જો રૂટ (13) બુમરાહનો પહેલો શિકાર બન્યો હતો. મોહમ્મદ શમીએ ઓલી પોપને 16 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કર્યો હતો. આ વિજયથી ભારતીય ટીમે સીરીજ જીવંત રાખી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here