આસામમાં કેસરિયો, રાજસ્થાન-હિમાચલમાં કોંગ્રેસનો સપાટો

 

નવી દિલ્હીઃ દેશના ૧૩ રાજ્યમાં થયેલી વિધાનસભા અને લોકસભા બેઠકો માટેની પેટાચૂંટણીના પરિણામોમાં ભાજપને ફટકો પડયો છે. ૧૩ રાજ્યની કુલ ૨૯ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાંથી ભાજપ ૨૨ બેઠક પર મેદાનમાં હતો, પરંતુ મોડી સાંજ સુધી જાહેર થયેલાં પરિણામો અને વલણોમાં તેના ફાળે માત્ર ૮ બેઠકો આવતી દેખાઈ રહી છે. આસામમાં ભાજપે તેના સહયોગીઓ સાથે તમામ પાંચ બેઠક કબજે કરી છે, જ્યારે કોંગ્રેસે હિમાચલ પ્રદેશમાં સત્તારૂઢ ભાજપને આંચકો આપતાં એક લોકસભા અને ત્રણ વિધાનસભા મળીને તમામ ચાર બેઠક જીતી હતી. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસે સપાટો બોલાવી તમામ બેઠક પર કબજો જમાવ્યો હતો. અહીં ચારમાંથી ત્રણ બેઠક પર ભાજપના ઉમેદવારોએ ડિપોઝિટ પણ ગુમાવી હતી. મંગળવારે જાહેર થયેલા પરિણામમાં ૩૦માંથી ૧૬માં એનડીએ, ૮માં કોંગ્રેસે અને બંગાળની ચારેય બેઠક પર તૃણમૂલ કોંગ્રેસે કબજો કર્યો હતો. બે બેઠક અન્ય પક્ષોએ જીતી હતી. ત્રણ લોકસભાની બેઠકોમાં એક શિવસેના, એક કોંગ્રેસ અને એક ભાજપે જીતી હતી. પેટા ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ ઝટકો હિમાચલ પ્રદેશમાં લાગ્યો છે. અહીં કોંગ્રેસે ક્લિનસ્વીપ કરતાં ત્રણ વિધાનસભા અને એક લોકસભા બેઠક જીતી છે. અહીં ભાજપના એક ઉમેદવારની ડિપોઝીટ ડૂલ થઈ હતી. કોંગ્રેસે રાજસ્થાનમાં પણ સારો દેખાવ કરતાં ધારિયાવાદ અને વલ્લભનગર બંને વિધાનસભા બેઠક પર જીત મેળવી હતી. 

મધ્યપ્રદેશમાં સત્તાધારી ભાજપે ખંડવા સંસદીય બેઠક અને જોબટ તથા પૃથ્વીપુર વિધાનસભા ક્ષેત્રમાં વિજય મેળવ્યો હતો. રૈગાંવ વિધાનસભાના જંગમાં શરૂઆતમાં પછડાટ ખાધા બાદ કોંગ્રેસે આખરે આ બેઠક જીતવામાં સફળતા મેળવી હતી. હરિયાણાના ઐલાનાબાદ વિધાનસભા બેઠક પરથી ઈન્ડિયન નેશનલ લોકદળ (ઈનેલો) ધારાસભ્ય અભય ચોટાલાએ પોતાના નજીકના હરીફ ભાજપ-જનનાયક જનતા પાર્ટીના ગોબિંદ કાંડાને ૬૭૦૮ મતોના અંતરથી હરાવી વિજય મેળવ્યો હતો. બિહારના કુશેશ્વરસ્થાન (અનામત) બેઠક પર સત્તાધારી જનતા દળ (યુ)એ જ્યારે હજારીથી રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ને જીત મળી હતી. 

આંધ્રપ્રદેશની બદવેલ બેઠક પર વાયએસઆર કોંગ્રેસે જીત સાથે બેઠક જાળવી હતી. કર્ણાટક પેટાચૂંટણીમાં ભાજપે કોંગ્રેસને પરાજય આપી જીત મેળવી હતી. મેઘાલયમાં એનપીપીના નેતૃત્વ હેઠળના મેઘાલય ડેમાક્રેટિક એલાયન્સ (એમડીએ)ને ત્રણ બેઠક પર વિજય મળ્યો હતો. પક્ષે કોંગ્રેસ પાસેથી બે બેઠક છીનવી હતી. 

મિઝોરમમાં સત્તાધારી એમએનએફના ઉમેદવારે વિજય મેળવ્યો હતો. લોકસભાની બેઠકોની પેટાચૂંટણીઓમાં દાદરા નગર હવેલીની બેઠક પરથી શિવસેનાના ઉમેદવાર વિજયી બન્યા હતા. જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપ આગળ હતો. હિમાચલની બેઠક કોંગ્રેસે આંચકી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here