આપ છોડીને ભાજપમાં આવો, કેસ પાછા ખેંચીને મુખ્યમંત્રી બનાવીશું: મનીષ સિસોદિયા

 

નવી દિલ્હી: દિલ્હીની નવી લિકર પોલિસીમાં ભ્રષ્ટાચારના આરોપો બાદ સીબીઆઇ તપાસમાં આવેલા નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. સિસોદિયાએ કહ્યું કે ભાજપે તેમને આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડવાની ઓફર કરી છે. સિસોદિયાએ પ્રેસ કોન્ફરનસમાં કહ્યું છે કે મારા સુધી ભાજપનો મેસેજ આવ્યો છે કે તમે આપ છોડી દો, જયારે છોડો ત્યારે પાર્ટીને પણ તોડો. અમારી પાર્ટીમાં આવો. સીબીઆઇ-ઇડીના તમામ કેસ બંધ થઇ જશે અને મુખ્યમંત્રી પણ બનાવીશે.

ગુજરાત પ્રવાસ દરમિયાન મનીષ સિસોદિયાએ કહ્યું કે તેઓ મુખ્યમંત્રી બનવા માટે રાજકારણમાં આવ્યા નથી. હું અહીં શાળામાં વિદ્યાર્થીઓને  શિક્ષણ આપવા આવ્યો છું. ભાજપને મારો જવાબ છે કે હું રાજપૂત મહારાણા પ્રતાપનો વંશજ છું. હું  માથું કાપી નાખીશ, પણ ભ્રષ્ટાચારીઓ સામે ઝૂકીશ નહીં. સિસોદિયાના આ નિવેદન બાદ ભાજપ કાર્યકર્તાઓએ કેજરીવાલના ઘરની બહાર પ્રદર્શન કર્યુ. ભાજપ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી પદેથી મનીષ સિસોદિયાને હટાવવાની માંગ કરી રહી છે. સીબીઆઇ તપાસને લઇને આમ આદમી પાર્ટીએ જાતિનું કાર્ડ રમ્યું. પાર્ટીએ સિસોદિયાને મહારાણા પ્રતાપના વંશજ ગણાવ્યા. આ મામલે આપના રાષ્ટ્રીય સંયુકત મહાસચિવ અને ગુજરાતના નેતા ઇસુદાન ગઢવીએ સોશિયલ મીડિયા પર સૌપ્રથમ ટિપ્પણી કરી હતી. તેમણે લખ્યું કે ભાજપ મહારાણા પ્રતાપના વંશજ મનીષ સિસોદિયાને ખોટા આરોપો લગાવીને હેરાન કરી રહી છે. જેના કારણે ગુજરાતના રાજપૂત યુવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે. થોડા દિવસોમાં ૫૦૦૦થી વધુ રાજપૂત યુવાનો પાર્ટીમાં જોડાશે. અરવિંદ કેજરીવાલે પણ આ બાબતને આગળ વધારી હતી. આ પહેલા પાર્ટીના પ્રવકતા સંજય સિંહે પણ સિસોદિયાને મહારાણા પ્રતાપના વંશજ ગણાવીને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પર વળતો પ્રહાર કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણીને કારણે પાર્ટી સિસોદિયાને ઇમાનદાર અને સારા શિક્ષણમંત્રી તરીકે બચાવી રહી છે, પરંતુ તેમની જાતિનો ફાયદો ઉઠાવવાની કોશિશ પણ કરી રહી છે. પાર્ટીને આશા છે કે તેને ગુજરાતમાં રાજપૂતોની સહાનુભૂતિનો ફાયદો મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here