આત્મનિર્ભર અભિયાન અંતગર્ત ૨૦ લાખ કરોડના રાહત પેકેજઃ નાણાંમંત્રી

 

નવી દિલ્હીઃ એ સમય હવે દૂર નથી જયારે દેશવાસીઓને કોઈ એક ખાનગી કંપનીનું અવકાશયાન ઇસરોના મથકેથી છૂટીને ચંદ્ર કે મંગળની સફરે જતું જોવા મળે અને વારંવાર પાવર કટ દ્વારા ગ્રાહકોને પરેશાન કરતી કંપનીઓને સરકાર તરફથી દંડવામાં આવે!  વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઘોષિત આત્મનિર્ભર અભિયાન અંતર્ગત ૨૦ લાખ કરોડનાં રાહત પેકેજનાં ચોથા ચરણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કોલસો, ખનિજ, સંરક્ષણ, વિમાન સંચાલન, વિમાનમથકો, એમઆરઓ, વીજળી વિતરણ, અણુ ઊર્જા અને અંતરિક્ષ ક્ષેત્ર સહિત કુલ ૮ ક્ષેત્રો ઉપર કેનિ્દ્રત માળખાગત સુધારણાઓની ઘોષણાઓ કરી હતી. જેમાં કોલસાનાં ખનનમાં ખાનગી ક્ષેત્રને છૂટથી લઈને સંરક્ષણ ઉત્પાદનમાં ૭૪ ટકા સુધી વિદેશી રોકાણને છૂટ જેવા મુદ્દા પ્રમુખ છે. તેમણે આ જાહેરાતો કરવા સાથે કહ્યું હતું કે, આ માળખાગત સુધારાઓ વૈશ્વિક બજારની ગળાકાપ સ્પર્ધા વચ્ચે આત્મનિર્ભર બનવા માટે અનિવાર્ય છે. નાણાં પ્રધાને સોમવારે આઠ માળખાકીય ક્ષેત્રો- કોલસો, ખનીજો, સંરક્ષણ સાધનોના ઉત્પાદન, અણુશક્તિ, એરપોર્ટ, અવકાશ, ઊર્જા અને સામાજિક માળખાકીય ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રને તેમનું કૌવત બતાવવાનો અવસર આપતા અનેક પગલાં જાહેર કર્યા હતા. આના પગલે, કોલસાની પચાસ વધુ ખાણ જાહેર ક્ષેત્રની કંપની કોલ ઇન્ડિયાના નિયંત્રણમાંથી બહાર આવીને ખાનગી ક્ષેત્રની કંપનીઓને મળશે. ભારત કોલસાના ઉત્પાદનમાં આત્મનિર્ભર બને તે માટે ૫૦,૦૦૦ કરોડનું રોકાણ લાવીને ખાનગી ક્ષેત્ર દ્વારા કોલસાનું ઉત્પાદન ૨૦૨૩-૨૪ સુધીમાં એક અબજ ટનનું કરવાનો સરકારનો લક્ષ્યાંક છે. 

કચ્છના બોકસાઇટ ઉદ્યોગને સ્પર્શતી જાહેરાત એ છે કે બોકસાઇટ અને કોલસાની કુલ ૫૦૦ ખાણોનું લિલામ કરવામાં આવશે. આનો ફાયદો એલ્યુમિનિયમ ઉદ્યોગને થશે. આ ખાણો લીઝ ઉપર આપતી વેળા લાગુ થતા સ્ટેમ્પ ડયૂટીના દરનું સુતાર્કિકરણ કરવામાં આવશે. સંરક્ષણ ઉત્પાદનના ક્ષેત્રે વિદેશી રોકાણની મર્યાદા ૪૯ ટકાથી વધારીને ૭૪ ટકા કરવામાં આવી છે. વિદેશી કંપનીઓ ઓટોમેટિક માર્ગે રોકાણ કરી શકશે. આ માટે સરકારની પરવાનગીની જરૂ નહિ પડે. જોકે, આમાં ચીન સહિતના પાડોશી દેશોને પરવાનગી નહિ મળે. કેટલાક શસ્ત્રો અને દારૂગોળાની આયાત બંધ કરીને તેનું દેશમાં જ ઉત્પાદન કરવામાં આવશે. 

સૈન્ય માટેના વાહનો, વિમાનો, શસ્ત્રો અને તેના છુટા ભાગોનું ઉત્પાદન દેશમાં જ કરવામાં આવશે. શસ્ત્ર અને દારૂગોળો બનાવવા માટેની ફેકટરીના બોર્ડને કોર્પોરેટ સ્વરૂપ આપવામાં આવશે, પણ તેનું ખાનગીકરણ નહિ થાય. નાણાં પ્રધાને વિમાનોના સમારકામ અને જાળવણી માટે ભારતને વૈશ્વિક મથક બનાવવાના નિર્ધારની જાહેરાત કરી હતી. આનાથી ભારતીય વિમાનોને સમારકામ માટે વિદેશમાં જવું નહિ પડે. એટલું જ નહિ, બીજા દેશોની એરલાઇન્સના વિમાનો પણ આ માટે ભારતમાં આવશે. આના લીધે આ હેતુસર  વિદેશી હુંડીયામણ દેશની બહાર જતું અટકાવી શકાશે. આ ઉપરાંત, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વિશ્વકક્ષાના છ વધુ એરપોર્ટ જાહેર-ખાનગી ક્ષેત્રની ભાગીદારી  ધોરણે બાંધવા માટેના કોન્ટ્રાકટ આપશે. ઊર્જા ક્ષેત્રે સુધારા કાર્યક્રમોને આગળ વધારતા નાણાં પ્રધાને કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશોની વીજ વિતરણ કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવશે. 

સામાજિક માળખાંકીય ક્ષેત્રે ખાનગી ક્ષેત્રના પ્રદાનને પ્રોત્સાહન આપવા માટે સરકાર ૮,૧૦૦ કરોડની સહાય કરશે. અવકાશ ક્ષેત્રે પણ ખાનગી કંપનીઓ હરણફાળ ભરી શકે તે માટે સરકાર ઉદાર નીતિ બનાવશે જેથી તેઓ પોતાના સેટેલાઇટ છોડી શકે અને અવકાશ સંશોધન કાર્યક્રમો હાથ ધરી શકે. અણુશક્તિ ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લું મુકતા તેમણે કહ્યું કે સંશોધન કાર્ય  માટે સ્ટાર્ટ-અપ્સને સરકાર પ્રોત્સાહન આપવા માટે છે. તેથી સંશોધનના હેતુ માટે એટમિક રીએક્ટર પીપીપી ધોરણે બાંધવા માટે પરવાનગી આપશે જેથી મેડિકલ આઇસોટોપનું નિર્માણ થઇ શકે અને આ કેન્સર જેવા રોગની સારવારમાં  ઉપયોગ થાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here