આણંદમાં શ્રી રામકૃષ્ણ સેવા મંડળમાં રીડર્સ ક્લબ ‘સેતુ’ દ્વારા ખલીલ ધનતેજવીનો કાર્યક્રમ

આણંદ રામકૃષ્ણ સેવા મંડળ દ્વારા સંચાલિત રીડર્સ ક્લબ સેતુના ચોથા વર્ષમાં પ્રવેશ પ્રસંગે ગઝલ-શાયરીનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જાણીતા ગઝલકાર ખલીલ ધનતેજવી, શ્રી રામકૃષ્ણ સેવા મંડળનાં માનદ્મંત્રી જ્યોત્સ્નાબહેન પટેલ, સંસ્થાના માનદ્ નિયામક ડો. આર. પી. પટેલ સહિત સંલગ્ન સંસ્થાઓના અધ્યાપકો અને અગ્રણીઓ નજરે પડે છે. (ફોટોઃ પુષ્પેન્દ્ર પટેલ, આણંદ)

તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહિ ફાવે,
અમે રહ્યા હેલીના માણસ, માવઠું આપણને નહિ ફાવે.
ઘરે પહોંચ્યા તો દરવાજાએ પૂછ્યું, ક્યાંથી આવો છો?
સુગંધ આ શેની છે, સાંજે બગીચામાં હતા કે શું?
ફૂલ છું, ચાહો તો ડાળી પરથી તોડી લો મને,
પણ પ્રથમ જોઈ લો ઘરમાં ફૂલદાની છે કે નહિ.
પહેલવહેલો પ્રેમને હંમેશાં તાજો રાખવા,
આઇ લવ યુ રોજ કહેવાનો સમય ક્યાંથી મળે?
આ ધારદાર વરસાદ વચ્ચે, બિચારી છત્રીયે શું કરે?
બીજાને કોરો રાખતાં, સાલું પલળી જવાય છે
જ્યારથી લોકો રવાડે ચડ્યા છે ઈ-મેલના,
ત્યારથી જોવા નથી મળતા હસ્તાક્ષર ફી-મેલના.

આણંદઃ શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત રીડર્સ ક્લબ સેતુના ચોથા વર્ષમા પ્રવેશ પ્રસંગે ગુજરાતના જાણીતા ગઝલકાર ખલીલ ધનતેજવીનો ગઝલ-શાયરીનો કાર્યક્રમ મંડળનાં માનદ્મંત્રી જ્યોત્સ્નાબહેન પટેલના અધ્યક્ષપદે અને મંડળની સંલગ્ન સંસ્થાઓના અધ્યાપકો-વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે ગઝલકાર ખલીલ ધનતેજવીએ આ પ્રકારના સાહિત્યલક્ષી કાર્યક્રમો સંસ્થા તરફથી અવાર-નવાર યોજાય છે તે માટે આયોજકોને પ્રસન્નતાપૂર્વક બિરદાવી પોતાની સર્જનયાત્રાની કેફિયત રજૂ કરતાં કહ્યું હતું કે મારા સર્જનની શરૂઆત ઉર્દૂ-હિન્દી શાયરીથી થઈ,
એ પછી ગુજરાતી ગઝલ તરફ વળતાં સાત જેટલા ગુજરાતી ગઝલસંગ્રહો આપી શક્યો,
અલબત્ત, આ સર્જનયાત્રામાં અનેક અવરોધો, અડચણો છતાં વાવાઝોડા વચ્ચે સર્જનની શગ પ્રજ્વલિત રહી છે.
તેથી જ હું મારા મનની અંદર ભંડારેલી વેદનાને સંવેદનારૂપે ગઝલસ્વરૂપમાં વ્યક્ત કરી
શક્યો છું, જેને વિશાળ ચાહકવર્ગ વાચકો તરફથી ઉમળકાભર્યો આવકાર પણ સાંપડ્યો છે. કેફિયત બાદ આ ગઝલકારે પોતાની લાક્ષણિક મુદ્રામાં એક પછી એક શેર શાયરી ગઝલો રજૂ કરી હતી. રીડર્સ ક્લબનાં કો-ઓર્ડિનેટર ડો. અનુબહેન મહેતાએ સ્વાગત પ્રવચન કરી મહાનુભાવોને આવકાર્યા હતા. સંસ્થાના માનદ્ નિયામક ડો. આર. પી. પટેલે ખલીલ ધનતેજવીની ઓળખ ભાવકને પૂરેપૂરા પલાળી દેતા હેલીના મુશળધાર લાગણીના માણસ અને સર્જક તરીકે
આપી તેમના જીવન-કવનનો પરિચય આપ્યો હતો. ડો. અનુ મહેતાએ સ્વરચિત હિન્દી કવિતાની પ્રસ્તુતિ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here